બેતાળીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળની સેવા

અમદાવાદ, 30 ડિસેમ્બર allgujaratnews.in@gmail.com

ઉત્તર ગુજરાત બેતાળીસ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ તથા બેતાળીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ, અમદાવાદના ઇનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહમાં મહેસૂલમંત્રીએ જણાવ્યું કે, પાટીદાર સમાજ એ પરિવર્તનનુ બીજું નામ છે.

ખેતી કરતો પાટીદાર સમાજ આજે પરિવર્તનની રૂખ પારખી વિશ્વભરમાં ફેલાયો છે. સમાજનુ એક પણ એવું ક્ષેત્ર નહીં હોય કે જ્યાં પાટીદાર સમાજે ખેડાણ નહીં કર્યુ નહી હોય. પાટીદાર સમાજ માત્ર પ્રારબ્ધ પર નિર્ભર ન રહેતા પુરુષાર્થથી આગળ આવેલો સમાજ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પહેલા શિક્ષણ માટેની તકો મર્યાદિત હતી પણ આજે ગુજરાતમાં વિવિધ વિષયોને આવરી લેતી ૭૨ યુનિવર્સિટીઓ કાર્યરત છે. એટલે કે  ભણવા માટે  હવે વિશાળ તકો છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરતાં કહ્યું કે, હવે જ્યારે શિક્ષણ માટે સમાજ આટલો સહયોગ આપી રહ્યો છે ત્યારે દિકરા- દિકરીઓ ભણવામાં પાછળ ન રહે તે તેમની જવાબદારી છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, શિક્ષણ એ માત્ર નોકરી -ધંધો મેળવવા માટેનું માધ્યમ નથી, શિક્ષણ જીવનને સાચી કેળવણી આપવાનું કાર્ય કરે છે. આ કેળવણીથી જીવન ઉન્નત બને છે તો કેળવણી દ્વારા સમાજની બધીઓને સુધારવા આપોઆપ સહાયતા મળે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, પાટીદાર પરગજુ સમાજ છે. આ સમાજે માત્ર પોતાની જ પ્રગતિ કરી નથી પરંતુ તે જ્યાં ગયો તેની આસપાસના વાતાવરણ અને સમાજની પણ પ્રગતિ કરી છે.

મંત્રીશ્રીએ સ્વચ્છ ભારત, બેટી બચાવો- બેટી પઢાવો જેવા અભિયાનોની વર્તમાનમાં ઉપયુક્તતા વિશેની વિસ્તૃત સમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપી હતી.

ઈનામ વિતરણ સમારોહમાં નિરમાના ચેરમેનશ્રી કરસનભાઈ પટેલ, સ્વામી પુરુષોત્તમચરણદાસજી, સમાજના આગેવાનો તથા વિદ્યાર્થી ભાઈ-બહેનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા