સંવિધાન બચાવો યાત્રા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૫માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ‘‘સંવિધાન બચાવો… ભારત બચાવો’’ કૂચના પ્રસ્થાન પહેલા ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ ૧૮૮૫ થી અનેક ચડાવ – ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિધ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી.

આ કોંગ્રેસની વિચારધારા છે. જેને આઝાદ ભારતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું. બંધારણમાં દરેકને વાણીની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથેસાથે ધર્મ, જાતિ, પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ, સૌનો દેશ પર અધિકાર છે. આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવુ બંધારણ આપ્યું. આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસપક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેક વાર વિપક્ષમાં પણ રહ્યો તેમ છતા પણ હંમેશા જ્યારે દેશનાં એકતા અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી દેશને પહેલુ પ્રાધાન્ય આપ્યું છે.

જ્યારે પણ સંવૈધાનીક અધિકારોના હનન થાય, કોઈપણ નાગરીકને અન્યાય થાય, જ્યારે પણ કોઈ ધર્મ, જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે ત્યારે હરહંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે. આજે દેશની સાંપ્રત પરિસ્થિતિઓમાં છે, સંવૈધાનીક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, ક્યાક ને ક્યાંક જાતિ, ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઈ રહી છે. ત્યારે ભારત વાસીઓને જે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણે સંવૈધાનીક અધિકારો આપ્યા જેમાં અભિવ્યક્તિની આઝાદી, બોલવાની આઝાદી, વિચારોની આઝાદી, લખવાની આઝાદી, વિરોધ કરવાની આઝાદી, આ તમામ આઝાદી પર આજે ભાજપ સરકાર સંવૈધાનીક અધિકારોનો હનન કરી રહી છે. અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતુ હતુ, લોકોનો અવાજ દબાવવો લોકોની સ્વતંત્રતા છીનવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે. એવા સંજોગોમાં કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતિ સોનિયાજી, આદરણીય રાહુલજી આખા દેશના કોંગ્રેસ કાર્યકરોને દિલ્હીના રામલીલા મેદાનથી આહવાહન કર્યુ છે કે આજે ભારત દેશમાં લોકો મોંઘવારીનો મારો સહન કરી રહ્યા છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, મંદીના લીધે વેપાર-ધંધા ચોપટ થયા છે, આજે દેશનો યુવાન બેરોજગાર છે, દેશનાં ખેડૂત આર્થિક પાયમાલ થયો છે, દેશની મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે, સાથોસાથ દેશની એકતા, અખંડિતતા અને સર્વભૌમત્વ ઉપર ખતરો ઉભો થોય છે, ત્યારે કોંગ્રેસના દરેક કાર્યકર સંવિધાન બચાવો.. ભારત બચાવોના નારા સાથે આ એક બીજી આઝાદીની લડાઈની શરૂઆતનાં ભાગ સ્વરૂપે કામ કરે. આજે આપણે આ ધ્વજ વંદન બાદ કૂચનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે દેશમાં જે સંવિધાને અધિકાર આપ્યા, સંવિધાનની જે જોગવાઈઓ છે, એનુ ઉલંઘન કરી આજના શાસનો દ્વારા એક પછી એક એવા કાયદા-લાવી રહ્યાં છે. જેથી દેશમાં એક ભય-ડરનો માહોલ ઉભો થાય છે, ચોક્કસ લોકોને ટારગેટ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ચોક્કસ લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને લઘુમતિ અને બહુમતિના નામે રાજનીતિ થઈ રહી છે, ચોક્કસ આ તકે કહેવુ પડે છેલ્લા થોડા સમયમાં જે રીતે CAA (સી.એ.એ.) હોય, NRC (એન.આર.સી.) હોય અને હવે NPR (એન.પી.આર.) ની વાત આવી છે, જે રીતે ચોક્કસ ધર્મના લોકોને ટારગેટ કરવામાં આવી રહ્યો છે, જે રીતે ધર્મના નામે રાજનીતિ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, દેશની એકતા અને અખંડિતતાનો જે પાયો છે જેમાં જાતિ, ધર્મ, સમાજ એક છે તે પાયાની નીવને હટાવવાનો કે તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવા સંજોગોમાં NRC (એન.આર.સી.) ની વાત હોય, CAA (સી.એ.એ.)ની વાત હોય કે હવે NPR (એન.પી.આર.)ના નામે કોઈને પણ ડરાવવાનો કે કોઈને પણ નુકસાન કરવાનો પ્રયત્ન સરકાર કરશે તો તેની સામે મક્કમતાથી કોંગ્રેસપક્ષના કાર્યકરો દ્વારા અવાજ ઉઠાવવાશે. કોંગ્રેસ પક્ષના સ્થાપના દિને આપણે સૌ પ્રણ લઈએ કે જ્યારે પણ ભારત દેશમાં સંવિધાનોની રક્ષાની વાત આવશે, લોકશાહીને બદલવાની વાત આવશે, કોઈ ખેડૂતના અન્યાયની વાત આવશે, યુવાનોના રોજગારીની વાત આવશે, મહિલાઓના સુરક્ષાની વાત આવશે ત્યારે કોંગ્રેસનો કાર્યકર પહેલી આગવી હરોળમાં ઉભો રહેશે. આજે કોંગ્રેસપક્ષના સ્થાપના દિને સભ્ય નોંધણી ઝુંબેશની પણ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દેશમાં પહેલી વખત કોંગ્રેસપક્ષ દ્વારા ડીઝીટલ મેમ્બરશીપની શરૂઆત કરવામાં આવી છે. આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે, દેશના ગણ્યા ગાઠ્યા જીલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકેની જે શરૂઆત થઈ છે તેમાં ગુજરાતના બે જીલ્લાઓની પસંદગી પણ કરવામાં આવી છે. આજે બપોરે ૨-૦૦ વાગે ગાંધીનગર શહેર જીલ્લામાં આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. ડીઝીટલ મેમ્બરશીપના માધ્યમથી આવતા મહિનાઓમાં આપણે લોકોના ઘેરઘેર જઈ લોકોને કોંગ્રેસની વિચારધારાની વાત પહોંચાડી, લોકોને દેશની સાંપ્રત પરિસ્થિતિનો અહેવાલ આપી અને પક્ષમાં જોડવાના કામની શરૂઆત કરવાના છે. મારી કોંગ્રેસ કાર્યકરોને વિનંતી છે કે, દેશના નેતૃત્વને જે આપણને હાંકલ કરી છે. દેશના લોકોના હક્ક, અધિકાર માટે, દેશના લોકોના સન્માન માટે અને અન્યાય સામેની આ લડત માટે આપણે સૌ આગેવાની લઈએ અને જે રીતે દાંડી માર્ગે ગાંધીજીએ અંગ્રેજો સામે લડતની શરૂઆત કરી હતી હક્ક, અધિકારની લડાઈની શરૂઆત કરી હતી તે જ રીતે આપણે ગાંધી આશ્રમથી શરૂ કરીને સરદાર સાહેબની પ્રતિમાં સુધી કૂચ કરીશુ.
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસપક્ષની સ્થાપના થઈ ત્યારે અંગ્રેજોના રાજને ભારત દેશમાંથી હટાવવા માટે પૂજ્ય મહાત્મા ગાંધીજી સૌના ગૌરવ સરદાર સાહેબની આગેવાનીમાં સૌએ સંઘર્ષ કર્યો. કોંગ્રેસપક્ષે આ દેશમાં જે રીતે વિકાસ, પ્રગતિ માટે કામ કર્યું છે. ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં આવી, છેલ્લા છ વર્ષથી દેશ પાછળ ધકેલાઈ રહ્યું છે તેમ સૌને દેખાઈ રહ્યું છે. મંદી, મોંઘવારી, બેરોજગારી આ દેશની પ્રજાના પ્રશ્નો છે. આ પ્રશ્નનો જવાબ દૂર દૂર સુધી ના તો પ્રધાનમંત્રી આપી રહ્યાં છે અને પ્રધાનમંત્રીને સાથ આપવા માટે હવે ગૃહમંત્રીશ્રી વાત કરે છે પણ મંદીની ચર્ચા થતી નથી, બેરોજગાર યુવાનોની ચર્ચા થતી નથી, દેશનો ખેડૂત પરેશાન કેમ છે તેની ચર્ચા થતી નથી શ્રી રાહુલજીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ખેડૂતનાં દેવા માફીનું વચન આપ્યું. કોંગ્રેસ પક્ષની સરકાર બનતા જ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પંજાબમાં કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફી અંગેના નિર્ણયો લીધો હતો. ભારતીય જનતા પાર્ટીના જુના સહયોગી શિવસેના એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે રાખી ના શકી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શિવસેનાની સરકાર આવી. સરકાર આવ્યા પછી ફક્ત આઠ દિવસની અંદર ખેડૂતોના બે લાખ સુધીની માફીનું એલાન પણ કરવામાં આવ્યું. પરંતુ છેલ્લા ૨૩ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે ખેડૂત પ્રજાને અનાજ આપે છે તેને પાક વીમો પૂરો મળતો નથી, દેવા માફ કરવામાં આવતા નથી. મહારાષ્ટ્રમાં, પંજાબમાં, રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં દેવા માફી થઈ શકતા હોય તો પૂજ્ય મહાત્મા ગાંધીજી – સરદારના ગુજરાતમાં દેવા માફી કેમ થતી નથી ? ભાજપ સરકાર પાક વીમાના નામે કરોડો રૂપિયા ખેડૂતો પાસેથી ખંખેરી લીધા, પરંતુ પાક વીમાના નામે ભાજપ સરકાર તથા વીમા કંપનીઓ દ્વારા કઈજ મદદ કરવામાં આવતી નથી. ગુજરાતના ખેડૂત, યુવા, મહિલા પરેશાન છે અને ખાસ કરીને ગુજરાતના વેપારી જી.એસ.ટી.ની અને નોટબંધીથી ત્રસ્ત થઈ ગયા છે, ધંધો બંધ થઈ ગયા છે. કોંગ્રેસના સ્થાપના દિવસે આજે આદરણીય સોનિયાજી દ્વારા નવી દિલ્હી ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું. રાહુલજી પોતે આજે ગૌહાતીમાં છે. આપણા સૌના નેતા પ્રિયંકાજી આજે લખનૌમાં છે, દેશના ખુણે ખુણા સુધી કોંગ્રેસના કાર્યકર બીજી આઝાદીની લડાઈ લડવા માટે, યુવાનોને અધિકાર આપવા માટે સાબરમતી ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીના સાનિધ્યમાં બધા ભેગા મળીને બાપૂજીના સપનાનો દેશ બનાવવાની દિશામાં કામ કરવા વચન લઈએ છીએ.
વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૮મી ડીસેમ્બર ૧૮૮૫ના દિવસે આ દેશમાં આઝાદીના સપનાનો પાયો નાખી આંદોલનને આગળ વધારનારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આજે ૧૩૪ વર્ષ ની લાંબી મંજીલ કાપી ૧૩૫માં વર્ષમાં આ આંદોલન પ્રવેશ્યુ છે ત્યારે ગાંધી અને સરદારના ગુજરાતના સાબરમતી તટે પૂજ્ય બાપૂની નિશ્રામાં આપણે સૌએ આ દેશના સંવિધાનને બચાવવા માટે સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. કોંગ્રેસ એક જનઆંદોલન છે. આઝાદીનું આંદોલન, અધિકારનું આંદોલન, કિસાનોનું આંદોલન, દલિતોનું આંદોલન, ભારતવાસીઓનું આંદોલન, ભારતના સન્માનનું આંદોલન, ભારતના સ્વાભિમાનનું આંદોલન, આમ અખંડ ભારતના જાતિ, ભાષા અને ધર્મના આધારે ટુકડા કરવા માંગતાં લોકોના શાસનમાં દેશનું સંવિધાન ખતરામાં છે ત્યારે ૨૮મી ડીસેમ્બર ૧૮૮૫ના રોજ શરૂ થયેલા આઝાદીના આંદોલનને હવે અધિકારોના રક્ષણ કાજે સામુહીક રીતે આગળ ધપાવવાનો સંકલ્પ કરવો જોઈએ સંવિધાન બચાવવાનો સંકલ્પ કરવો જોઈએ ત્યારે આ દેશનું સંવિધાન પૂજ્ય બાબાસાહેબએ જે સંવિધાનમાં પ્રાણ પુરી અને આપણી અધિકારીતા આગળ ધપાવી હતી દેશનું સંવિધાનનું આમુખ જે સમરસતા અને સદભાવનાના પાયા ઉપર અહિંસાના માર્ગે, સૌની અધિકાર યાત્રાને આગળ ધપાવવાનો જે સંકલ્પ હતો. સંવિધાનની સુરક્ષા માટે આપણા અધિકારના આંદોલનને આગળ ધપાવવા માટે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ.
સૌપ્રથમ સવારે ૧૦-૩૦ કલાકે ઐતિહાસીક ગાંધી આશ્રમની સામેના પટાંગણમાં કોંગ્રેસ સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનોએ ઐતિહાસીક ગાંધી આશ્રમ થી ‘‘સંવિધાન બચાવો… દેશ બચાવો’’ કૂચમાં વિવિધ સાંપ્રત મુદ્દાઓ સાથે કૂચ કરીને સરદાર સાહેબની પ્રતિમા નારણપુરા ખાતે પુષ્પાંજલી કરી હતી. અન્યાય, અસત્ય, હિંસા અને દમનના વિરોધ તેમજ સંઘર્ષથી જન્મેલ જનઆંદોલનની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિને એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત સંગઠનના સહ જીતેન્દ્ર બઘેલ, બિશ્વરંજન મોહનતી, એ.આઈ.સી.સી. મંત્રી હિમાંશુ વ્યાસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વમંત્રી ડૉ. તુષાર ચૌધરી, રાજ્યસભા સાંસદ મધુસુદન મિસ્ત્રી, ડૉ. અમીબેન યાજ્ઞિક, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી નવીનચંદ્ર રવાણી, ગુજરાત સેવાદળના અધ્યક્ષ અને ધારાસભ્ય રૂત્વીક મકવાણા, ધારાસભ્યશ્ શૈલેષભાઈ પરમાર, નિરંજન પટેલ, ગ્યાસુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ, ઈમરાન ખેડાવાલા, યુવા નેતા હાર્દિક પટેલ, અમદાવાદ શહેર પ્રમુખ શશીકાંત પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિરોધપક્ષના નેતાશ્રી દિનેશ શર્મા, વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.