[:gj]અંબાજી મેળામાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિક વાપરવા પર 5 હજારનો દંડ [:]

[:gj]અંબાજી, તા.૨૯

અંબાજીમાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વપરાશ પર હવે પાંચ હજારનો દંડ થશે અને જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી થઈ શકશે, જે અંગેની વિગતો દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી વહીવટદાર દ્વારા અંબાજીના વેપારીઓને આપી પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમના મેળા માટે તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત બેઠકમાં પ્રસાદ વેચતા વેપારીઓ વધુ ભાવો ન લે, એકવાર હરાજી થયેલા પ્લોટ બીજીવાર ન વેચાય સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમના મેળાની કલ્પનાને સાચા અર્થમાં સાકાર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર વેપારીઓ સાથે બેઠક યોજી ગત વર્ષે સર્જાયેલી પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે અગાઉથી જ પ્રસાદનું પેકિંગ 50 માઈક્રોનથી ઉપરના પ્લાસ્ટિકમાં કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. કેટલાક વેપારીઓ સાકરીયા જે થેલીમાં ભરે છે, તે પ્લાસ્ટિકની થેલીના સેમ્પલ પણ લઈને આવ્યા હતા. જોકે વહીવટદાર અને પ્રાંત અધિકારી બંનેએ 50 માઈક્રોન થી નીચેનું પ્લાસ્ટિક હશે તો જાહેરનામા ભંગની અને 5 હજાર દંડની એમ બંને પ્રકારની કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.

બેઠકમાં કેટલાક અગત્યના અન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ સાથે કોઈ છેતરપિંડી ન થાય, પૂરતો માલસામાન મળી રહે, ખાદ્ય સામગ્રીની શુદ્ધતા જળવાય, વસ્તુ તોલમાપ કરતા ઓછી ન હોય તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં અંબાજીના મેળા દરમિયાન વેપારીઓને ધંધા રોજગાર માટે હંગામી પ્લોટ પાડીને સાત દિવસ માટે સરકારી જમીન ભાડે આપવામાં આવતી હોય છે. તેમાં પણ કેટલાક તત્વો પ્લોટ ઉંચી કિંમતે વેચતા હોવાની ફરિયાદ સામે આવશે તો 25 હજારના દંડ કરવાની જાહેરાત કરાઈ હતી.

અંબાજી ભાદરવી મહામેળામાં ૧૧૦૦ એસ.ટી.બસો દોડશે

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે યોજાનાર ભારદવી પૂનમના મહામેળા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર-૨૦૧૯ દરમ્યાન યોજાનાર આ મહામેળામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૧૦૦ એસ.ટી.બસો મુકવામાં આવશે, તેમ નિગમના જનરલ મેનેજર(ઓપરેશન) નિખિલ બર્વેએ અંબાજી ખાતે એસ.ટી. બસોના આયોજન અંગેની બેઠકમાં જણાવ્યું હતું. બર્વેના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે યોજાયેલ બેઠકમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગના વિભાગીય નિયામકો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગો દ્વારા યાત્રિકોની સુવિધા માટે પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. જેના ભાગરૂપે ગત વર્ષે એસ.ટી. નિગમે દૈનિક શિડ્‌યુલ સંચાલન ઉપરાંત વધારાની ૧૦૦૦ બસો દ્વારા ૧૨,૫૦,૨૬૬ મુસાફરોને સુવિધા પુરી પાડી હતી.

અંબાજીની હોટલોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા

યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. ત્યારે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રહી બનાસકાંઠા જિલ્લા ફ્રુડ અને ડ્રગ વિભાગ દ્વારા ખાણી પીણીના રેસ્ટોરેન્ટ તેમજ અન્ય સ્ટોલ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે. અંબાજી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે 300 કિલો જેટલી અખાધ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. અને ફરસાણ તળવા માટેનું 35 કિલો તેલનો પણ નાશ કરાયો હતો. ખાસ કરીને અંબાજીમાં ફાફડા ગોટા જેવી ખાધ્ય સામગ્રીમાં વોશિંગ પાવડર નખાતા હોવાની હકીકત સામે આવતા અને ફૂડ વિભાગ પણ ચોંકી ગયું હતું. જો કે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 [:]