[:gj]અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના સર્જનાત્મક કામ ઉપર પુસ્તકની રચના[:]

[:gj]સુરેશ જોષી દ્વારા ગુજરાતીમાં અદ્યતનતાનું જે આંદોલન આરંભાયું એના એક મહત્ત્વના વિવેચક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (જ. 11.11.1935 – અવ. 31.7 1981). અભિનિવેશ કે ઉદ્રેક વિના, વિશ્વસાહિત્યના પરિશીલનવાળું એમનું વિવેચન પ્રાસાદિકતાના ગુણવાળું હતું. પશ્ચિમના સાહિત્ય ઉપરાંત ભારતીય સાહિત્યશાસ્ત્ર-વિશે પણ એમણે સ્વાધ્યાયો આપેલા. ‘અન્વીક્ષા'(1970) અને બીજા બે વિવેચન-સંગ્રહોમાં એમનું વિવેચન ગ્રંથસ્થ થયેલું છે. વિવેચન ઉપરાંત કવિતા (‘કિમપિ’), વાર્તા (‘અજાણ્યું સ્ટેશન’), ચરિત્રનિબંધોના સર્જક અનિરુદ્ધનું ધ્યાનપાત્ર પુસ્તક તે ‘નામરૂપ'(1981)નાં ચરિત્રો. ઝવેરચંદ મેઘાણી, કાન્ત જેવા કર્તાઓ અને સુદામાચરિત્ર, મામેરું જેવી કૃતિઓ પરનાં સમીક્ષા-વિવેચનલેખોનાં એમનાં સંપાદનો વિશિષ્ટ અને અધ્યાપકની નિષ્ઠાવાળાં છે.

આજીવન ગુજરાતીના અધ્યાપક રહેલા અનિરુદ્ધ એક પ્રભાવક વક્તા પણ હતા. તેમના ઉપર પુસ્તક પ્રકાશિત થયું છે.

આ તેજસ્વી, અને હજુ ઘણું આપી શક્યા હોત એવા શક્તિમંત સાહિત્યકારનું બ્લડ કૅન્સરની બિમારીથી માત્ર 46ની વયે અવસાન થયેલું.

કૃતિ-પરિચય
કિમપિ (1983)
વિવેચક-ગદ્યકાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના આ 33 કાવ્યોના નાના સંગ્રહમાં હાઈકુ, મુક્તક જેવાં લઘુ કાવ્યો છે; ગીત-કાવ્યો છે; છંદ-કાવ્યો છે; પ્રવાહી માત્રામેળી કાવ્યો છે અને એ ઉપરાંત ટૂંકા અછાંદસ કાવ્યો પણ છે. એવા રૂપવૌવિધ્ય ઉપરાંત એક તરફ અનિરુદ્ધભાઈમાં કવિની નાજુક ઊર્મિશીલતા છે – જે ગીતોની જેમ અછાંદસમાં પણ વ્યક્ત થઈ છે (પીપળાની છાયા / મારા ખંડમાં હળવેકથી પ્રવેશે છે/ કર્ણને મળવા જતી કુન્તીની જેમ…); તો બીજી તરફ અદ્યતન કવિતાનું અિસ્તત્ત્વલક્ષી વિચાર-સંવેદન પણ છે. આ કાવ્યોમાં જ્યાં મૃત્યુસંવેદન આલેખન પામ્યું છે ત્યાં કવિનો એક નિજી રણકાર પણ અનુભવાય છે. (‘મારા મૃત્યુને ઢંઢોળીને મેં કહ્યું : ચાલ આપણે ફરવા જઈએ. પેલી નિશિગન્ધાની સુવાસ હવે મારાથી નથી ખમાતી.’)

એ બધાને કારણે, આ સંગ્રહમાં કાવ્યોની સંખ્યા અલ્પ હોવા છતાં એમાં કવિ-સંવિદનું ફલક મોટું છે. શબ્દ-પસંદગીની ચોકસાઈ એમની કવિતાને સઘન રાખે છે અને ભાષાનું પ્રવાહી અને મુલાયમ પોત એમની કવિતાને સુવાચ્ય અને આસ્વાદ્ય બનાવે છે. મોટાભાગનાં કાવ્યોમાં અન્ય સાથેનો, પ્રિય વ્યિક્ત સાથેનો, ઈશ્વર સાથેનો, મૃત્યુ સાથેનો સંવાદ છે – ને એવો જ જાત સાથેનો સંવાદ પણ છે.

એથી આ કવિતા તમને જીવંત અને પોતીકી લાગશે.

નામરૂપ (1981)
‘નામરૂપ’માં જાણે કે વાર્તારૂપે લખાયેલાં હોય એવાં 19 ચરિત્ર-રેખાંકનો છે. યાદગાર બનીને વાચકના ચિત્તમાં બેસી જાય એવાં આ ચરિત્રોમાંનાં મનુષ્ય-પાત્રો મહદંશે ઉત્તર ગુજરાતના, લગભગ 1940-50ના સમયના ગ્રામલોકનાં છે; એકબે દક્ષિણ ગુજરાતના એવા જ તળપદ વર્ગનાં છે. અભણ-અકિંચન છતાં મનની સહજ સબળ શક્તિવાળાં, અને વિલક્ષણ વ્યક્તિત્વવાળાં આ મનુષ્યો જીવનના એક અલ્પપરિચિત આસ્વાદ્ય લોકને આપણી સામે મૂકી આપે છે. કઠણાઈઓ અને કરુણાંશો એમના જીવનનો અનિવાર્ય ભાગ હોવા છતાં આ મનુષ્ય-ચરિત્રો આપણા મનમાં કોઈ લાચારીનું કે દયાભાવનું ચિત્ર ઉપસાવતાં નથી –એમના એક સ્વાભાવિક, ઉષ્માવાળા જીવનપ્રવાહનો સ્પર્શ કરાવે છે.

એમાં એના લેખક અનિરુદ્ધભાઈનો આ વ્યક્તિચરિત્રો પ્રત્યેનો સહજ, સ્નેહભર્યો અને મનુષ્યહૃદયને સ્પર્શ કરતો સર્જકનો દૃિષ્ટકોણ મહત્ત્વનો બન્યો છે. પાત્રની રેખાઓને તાદૃશ કરી આપતી લખાવટે, અને ઉત્તર ગુજરાતની બોલીલઢણોને રસપ્રદ રીતે વાતચીત-સંવાદોમાં ગૂંથી લેવાની ફાવટે નામરૂપનાં આ પ્રસંગચિત્રો-વ્યિક્તચિત્રોને આસ્વાદ્ય બનાવ્યાં છે.

પુસ્તક રૂપે આવ્યાં એ પહેલાં અખંડ આનંદ સામયિકમાં આમાંનાં મોટાભાગનાં ચરિત્રો પ્રગટ થયેલાં ને ત્યારથી જ એમણે વાચકોનાં મન જીતી લીધેલાં. આમાંનાં ‘બાબુ વીજળી’ અને ‘ખોવાયેલો ભગવાન’ જેવાં ચરિત્રો શાળા-પાઠયપુસ્તકોમાં સ્થાન પામેલાં એ પણ એની સ્મરણયોગ્ય પ્રેરકતા અને સર્વભોગ્યતાને કારણે જ હશે.

આ ચરિત્રોનું વાચન સૌ માટે રસપ્રદ અને તૃપ્ત કરનારું બનશે એમાં શંકા નથી.

(પરિચય– રમણ સોની, શ્રેષ્ઠ અનિરુદ્ધ
Subtitle: અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના સર્જનાત્મક કામ — કવિતા-વાર્તા-ચરિત્રનિબંધ —માંથી ચયન

Author: સંપાદકો: યોગેશ જોષી અને ઊર્મિલા ઠાકર

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ:  જીવનવહી અને સાહિત્ય સર્જન – ઊર્મિલા ઠાકર
જીવનવહી
૧૯૩૭ : ૧૧મી નવેમ્બર – જન્મ

જન્મસ્થળ : પાટણ

વતન : દેત્રોજ (વીરમગામ તાલુકો)

માતા : લક્ષ્મીબહેન

પિતા : લાલજીભાઈ બ્રહ્મભટ્ટ

શાળા શિક્ષણ : ધોરણ-૩ સુધી પાટડી ત્યારબાદ વડોદરા

૧૯૫૮ : બી. એ. (ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે

એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા)

૧૯૫૯ : ડભોઈ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા

૧૯૬૦ : એમ. એ. (ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે)

એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા

૧૯૬૨ : બીલીમોરા કૉલેજમાં અધ્યાપક (આઠેક વર્ષ)

નવસારી તથા સૂરતમાં મુલાકાતી

અનુસ્નાતક પ્રાધ્યાપક

૧૯૬૮ : ૪થી જુલાઈ – નલિની તુરખિયા સાથે

આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન.

૧૯૬૯ : ૧૯મી જુલાઈ – પુત્રી મેધાનો જન્મ.

૧૯૭૦ : ગુજરાત યુનિવર્સિટી – ભાષાસાહિત્ય ભવનમાં

ગુજરાતીની પ્રાધ્યાપક તરીકે જોડાયા.

૧૯૭૨ : ૨૯મી ડિસેમ્બર – પુત્રી ઋતાનો જન્મ

૧૯૭૪ : ૧૦મી ઓગસ્ટ – પુત્ર અપૂર્વનો જન્મ

૧૯૭૫ : રિલ્કે શતાબ્દી નિમિત્તે યોજેલા પરિસંવાદમાં વક્તવ્ય આપવા ગયેલા ત્યારે ખૂબ તાવ આવ્યો. લ્યૂકેમિયા (બ્લડ કૅન્સર)નાં લક્ષણો જણાયા.

નિદાન – લ્યૂકેમિયા

મૃત્યુ સામે ઝઝૂમતા રહ્યાં.

૧૯૮૧ : ૩૧મી જુલાઈ, દેહવિલય.

સાહિત્યસર્જન
કવિતા
૧૯૮૩ : ‘કિમપિ’ (મૌલિક તેમજ અનૂદિત કાવ્યોનો સંગ્રહ)

ટૂંકીવાર્તા
૧૯૮૨ : ‘અજાણ્યું સ્ટેશન’

રેખાચિત્ર
૧૯૮૧ : ‘નામરૂપ’

નિબંધિકા
૧૯૮૧ : ચલ મન વાટેઘાટે ભાગ ૧ અને ૨

૧૯૮૨ : ચલ મન વાટેઘાટે ભાગ ૩ અને ૪

વાર્તિક
૧૯૮૨ ઋષિવાણી

પરિચય પુસ્તિકા
૧૯૭૮ એન્ટન ચૅખોવ

વિવેચન
૧૯૭૦ અન્વીક્ષી

૧૯૭૪ ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિને વિચારણા

૧૯૭૬ પૂર્વાપર

૧૯૮૨ સંનિકર્ષ

અનુવાદ
૧૯૬૯ એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર

સંપાદન
સર્જકો વિશેની સ્વાધ્યાયશ્રેણી
૧૯૬૯ ઝવેરચંદ મેઘાણી

૧૯૭૧ મણિશંકર ભટ્ટ ‘કાન્ત’

૧૯૭૩ રમણભાઈ નીલકંઠ

કૃતિ વિશેની સ્વાધ્યાયશ્રેણી
૧૯૭૩ ‘કાન્તા’

૧૯૭૫ સુદામાચરિત્ર

૧૯૮૨ પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરુ’

અન્ય સંપાદન
૧૯૭૧ સંચયિતા (શ્રી પ્રકાશ મહેતા સાથે)

૧૯૭૧ જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ

૧૯૭૪ ‘નાટક વિશે જયંતી દલાલ’ (અન્ય સાથે)

૧૯૭૪ પતીલનાં ચૂંટેલાં કાવ્યો

૧૯૭૪ સંવાદ (શ્રી રામપ્રસાદ બક્ષી અને અન્ય સાથે)

૧૯૭૭ ગુજરાતી વાર્તાઓ (શ્રી યશવંત શુક્લ સાથે

૧૯૭૭ ઍબ્સર્ડ

નોંધ
૧. ‘વિશ્વમાનવ’ના સાહિત્ય વિભાગના સંપાદક તરીકે કાર્ય.

૨. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ સામયિકો શરૂ કરેલા.

૩. ‘જન્મભૂમિ’ દૈનિકમાં અલપ-ઝલપ કોલમ

૪. ‘સંદેશ’માં ‘સાહિત્ય અને સંસ્કાર’ કોલમ

૫. ‘મુંબઈ સમાચાર’માં ‘ચલમન વાટેઘાટે’ નામે કોલમ.

– ઊર્મિલા ઠાકર[:]