અમદાવાદમાં એમડી ડ્રગ્સ ફિરોઝ ચોર લાવ્યો

નશાખોરોથી લઈને શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં એમડી (મિથાઈલઈનડાય ઓકસીમેથાએમ ફેટામાઈન)  ડ્રગ્સનું દૂષણ એટલી હદે ફેલાઈ ગયું છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. કેટલાક વર્ષો અગાઉ એમડી નામનું ડ્રગ્સ શું છે તેની કોઈને ખબર ન હતી. આજે એમડી ડ્રગ્સ પાન-મસાલા ગુટખાની જેમ એક ચોકક્સ સિન્ડીકેટ દ્ધારા માર્કેટમાં વેચાઈ રહ્યું છે. ચોરમાં ડ્રગ્સ માફિયા બનેલો ફિરોઝ ચોર અમદાવાદના નશાખોરો માટે આજથી પાંચેક વર્ષ પહેલા શહેરમાં એમડી ડ્રગ્સ લાવ્યો હતો અને આજેપણ લાવી રહ્યો છે. ફિરોઝ એમડી ઉપરાંત કોકેન જેવા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો પણ વેપલો કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

શહેરમાં છેલ્લા કેટલાય દસકાઓથી ચરસ, ગાંજો, બ્રાઉનસુગર જેવા ડ્રગ્સનો વેપાર થતો આવ્યો છે. કાશ્મીરથી આવતું ચરસ અને ઓરિસ્સાથી આવતો ગાંજો મોટાપાયે અમદાવાદમાં ઠલવાતો હતો. જો કે, છેલ્લા પાંચેક વર્ષથી માર્કેટમાં આવેલા એમડી ડ્રગ્સે ધૂમ મચાવી છે. ઓછી કિંમતે વધુ નશો મળતો હોવાથી યુવાધન ચરસ અને ગાંજો છોડી એમડીના રવાડે ચઢી ગયા છે. ફિરોઝ મોહંમદહનીફ શેખ ઉર્ફે ફિરોઝ ચોરે પાંચેક વર્ષ અગાઉ એમડી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. એમડી ડ્રગ્સ એ સમયે એનડીપીએસ એક્ટમાં સામેલ નહીં હોવાથી તેનો ભરપૂર ફાયદો ફિરોઝ ચોરે ઉપાડ્યો હતો. કોટ વિસ્તારથી શરૂ કરેલો એમડી ડ્રગ્સનો ધંધો આખાય અમદાવાદ અને ત્યારબાદ આસપાસના જિલ્લા અને શહેરોમાં ફેલાઈ ગયો.

વાયા મુંબઈ થઈને એમડી ગુજરાતમાં આવે છે

ક્રાઈમ બ્રાંચ અને એસઓજીએ છેલ્લા બે મહિનામાં કરેલા એમડી ડ્રગ્સના કેસની તપાસમાં વાયા મુંબઈ કનેકશન સામે આવ્યું છે. એમડી ડ્રગ્સ પાવડર ફોમમાં લાવવામાં આવે છે. નફો વધારવા માટે ડ્રગ્સ માફિયાઓ તેમાં આજીનો મોટોનું મિક્ષણ (ભેળસેળ) કરે છે. સૂત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાન અને બાંગ્લાદેશથી પણ એમડી ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં પણ તેનું ઉત્પાદન ચાલી રહ્યું છે.

વાહન ચોર ફિરોઝ ડ્રગ્સ માફિયા બની ગયો

પોલીસ ચોપડે વાહન ચોર, ચેઈન સ્નેચર અને હથિયારના ગુનામાં ઝડપાઈ ચૂકેલો ફિરોઝ ચોર ડ્રગ્સ માફિયા બની ગયો છે. ફિરોઝ આ ઉપરાંત વેપનના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. એક સમયે ફિરોઝ ચોર ફાયનાન્સ કંપનીઓ માટે વ્હિકલ સીઝીંગનું કામ કરતો હતો. ગત ડિસેમ્બર મહિનામાં સલાપસ રોડ પર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા ફિરોઝ ચોરને પાડોશી ઉમરદરાઝ શેખ સાથે ઝઘડો થતા બંને જણાએ કારંજ પોલીસ સ્ટેશનમાં સામ-સામે ફરિયાદ નોંધાવી હતી.

ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પીઆઈએલ કરી હતી

દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે વર્ષ 2015માં એમડી ડ્રગ્સને એનડીપીએસ એક્ટમાં સામેલ કરવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. યુવાધનને ડ્રગ્સથી બચાવવા માટે ગ્યાસુદીને આ મુદ્દો વિધાનસભામાં ઉછાળ્યો હતો. એમડી ડ્રગ્સ મળી આવે તો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી શકાય તેવો સુધારો થયા બાદ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ તેમના મત વિસ્તારમાં ચાલતા એમડી ડ્રગ્સની બદીને ડામવા માટે અનેક વખત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે.

ફાર્માસ્યુટીકલ કંપનીઓની આડમાં ડ્રગ્સ બનતું હતું : એડવોકેટ રવૈયા

રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં ફાર્માસ્યુટીકલ કંપનીઓની આડમાં એમડી ડ્રગ્સ બનતું હતું અને ડિલરો થકી તેનો વેપલો થતો હોવાની રજૂઆત હાઈકોર્ટમાં થઈ હતી. હિમાચલ પ્રદેશમાં દવા બનાવતી કંપનીના નામે અમદાવાદ, વડોદરા, કલોલ સહિતના વિસ્તારોમાં ચાલતા યુનિટમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. એમડી ડ્રગ્સના મામલે થયેલી પીઆઈએલના એડવોકેટ દિપલ રવૈયાએ જણાવ્યું છે કે, આવી ફાર્માસ્યુટીકલ કંપનીઓને ઉઘાડી પાડવા માટે તેની તપાસ થાય તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જો કે, ફાર્માસ્યુટીકલ કંપનીઓને બચાવવામાં રસ ધરાવતી રાજ્ય સરકાર સુધારો લઈ આવી અને સમગ્ર વાત પર પડદો પાડી દીધો.

દિપલ રવૈયાએ જણાવ્યું છે કે, દેશ-વિદેશમાં નામના ધરાવતી શહેરની એક જાણીતી શૈક્ષણિક સંસ્થાના પ્રોફેસર કેટલાક વર્ષો પહેલાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા, પરંતુ તે વખતે કાયદો નહીં બન્યો હોવાથી તેમને છોડી દેવાયા હતા.

રિહેબીલીટેશન સેન્ટરમાં એમડીના બંધાણીઓનો નોંધપાત્ર વધારો

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલા રિહેબીલીટેશન સેન્ટરમાં એમડી ડ્રગ્સના બંધાણીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક એનજીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે, છેલ્લા દોઢ-બે વર્ષથી એમડી ડ્રગ્સના બંધાણીઓ મોટા પ્રમાણમાં અમારા સેન્ટરમાં આવે છે. દારૂ અને તમાકુના વ્યસનથી મુક્ત થવા આવતા લોકોની સરખામણીમાં ત્રણ ગણી માત્રામાં એમડી ડ્રગ્સના બંધાણીઓ આવે છે. એમડી ડ્રગ્સનું લાંબા સમયથી સેવન કરનારને સારવાર આપવામાં મહિનાઓ થઈ જાય છે.