[:gj]અમદાવાદમાં ફલેટ વેચી મારતી બિલ્ડર ટોળકી[:]

[:gj]અમદાવાદના એસ.જી.હાઈવેની પાછળ આવેલી ઓપ્ટીમાઈઝ એલીગન્સ સ્કીમમાં ફર્ચરના વેપારીએ ખરીદેલા બે ફલેટ બિલ્ડર ટોળકીએ બારોબાર વેચી દેતા વસ્ત્રાપુર પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ઓપ્ટીમાઈઝ ઈન્ફ્રાકોન કંપનીના ભાગીદારો સહિત 10 લોકો વિરૂધ્ધ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શાહપુર દરવાજા બહાર ગાંધી બ્રિજના છેડે મહેશ ફર્નિચર નામની દુકાન ધરાવતા રાજેશ રામચંદ સવલાની (રહે. સિંધુનગર સોસાયટી, હરેક્રિષ્ણા ટાવર પાસે, જુના વાડજ)એ વર્ષ 2017માં ઓપ્ટીમાઈઝ એલીગન્સ સ્કીમમાં ફલેટ નંબર 601 અને 602 બુક કરાવ્યા હતા. એક ફલેટ પોતાના અને માતાના સયુંકત નામે અને બીજા પત્ની અને પુત્રના નામે નોંધાવ્યો હતો. મે-2017માં બંને ફલેટ પેટે રાજેશ સવલાની 63 લાખ રૂપિયા બિલ્ડરોને આપી ચૂક્યા હતા. જેના બદલામાં ભાગીદાર હિતેશ પટેલે બાનાખત કરાર કરી આપ્યો હતો. બિલ્ડર ટોળકીએ બંને ફલેટનું બારોબાર વેચાણ કરી દીધું હોવાની જાણ થતા ગત માર્ચ મહિનામાં રાજેશભાઈ અને તેમના પુત્ર સમીરની સાથે સ્કીમ પર ગયા હતા. જ્યાં બિલ્ડર ટોળકીએ તેમને અંદર પ્રવેશ કરતા અટકાવી ઝઘડો તેમજ ગાળો બોલી ધમકી આપી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, ભાગીદાર વિષ્ણુ દેસાઈએ ગત નવેમ્બર-2018માં ફલેટ નંબર 601 રેખાબેન રાયકા અને ફલેટ નંબર 602 કિરીટ પટેલને વેચાણ કરાર કરી આપતા અનુક્રમે બંને ફલેટ પર પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની લોન માલિકોએ લઈ લીધી છે. રાજેશ સવલાનીએ આપેલી ફરિયાદના આધારે વિષ્ણુ નાગજીભાઈ રબારી, દિનેશ નાગજીભાઈ રબારી, જયંતિ નાગજીભાઈ રબારી (ત્રણેય રહે. સર્વોદય વિભાગ-3, સોલારોડ), હિતેશ જોઈતારામ પટેલ (રહે. પાયલ પાર્ક સોસાયટી, સ્ટાર બજાર પાસે, સેટેલાઈટ), રાકેશ દિપકભાઈ દવે (રહે. નિકોલ), મૌલિક જયંતિભાઈ દવે (રહે. નરોડા), કેસરસિંહ જોહરસિંહ ચૌહાણ (રહે. હાંસોલ), રેખા સ્નેહલકુમાર રાયકા (રહે. મહેસાણા), કિરીટ ભુદરભાઈ પટેલ (રહે. મહેસાણા) અને રિતેશ ઉર્ફે રમેશ નાગજીભાઈ દેસાઈ (રહે. થલતેજ)ની સામે પોલીસે કાર્યવાહી આરંભી છે.[:]