[:gj]અમદાવાદ આરટીઓમાં એજન્ટો દ્વારા બેફામ અને બેરોકટોક લૂંટથી રોષ[:]

[:gj]અમદાવાદ,તા.21

હાલ ગુજરાત સરકારે ટ્રાફિકના નવા કાયદાના અમલમાં 15 ઓક્ટોબર સુધી રાહત આપી છે. જેથી લોકોમાં ખુશી છે કે હવે તેઓ નિયત સમયમાં એચએસઆરપી, આરસી બુક, લાયસન્સ અને પીયુસીના જરુરી દસ્તાવેજો બનાવી શકશે. રાજ્ય સરકારે આરટીઓના તમામ અધિકારીઓને સુચના આપી છે. જેના કારણે પ્રજાને સમય મળ્યો છે. જો કે હકીકત એ પણ છે કે આરટીઓમાં એજન્ટોને સરકારના આ કાયદાનો ફાયદો મળ્યો છે.  અમદાવાદ આરટીઓમાં હાલ દરરોજ હજારો લોકો લાયસન્સ, આર સી બુક , એચએસઆરપી માટે દોડધામ કરી રહ્યા છે અને આરટીઓના કેમ્પસમાં એજન્ટો બેરોકટોક રીતે ફરીને પ્રજાની લૂંટ ચલાવી રહ્યા છે. જેમાં એચએસઆરપી માટે ઓનલાઇન ફોર્મ ભરવાના નામે 200 રુપિયા સુધી પડાવવામાં આવે છે,  અન્ય કામો માટે 500 રુપિયા જેટલો ચાર્જ લઇને રોકડી કરવામાં આવી રહી છે.

એજન્ટોની ઊઘાડી લૂંટ

આરટીઓની ઓફિસ નજીક ખાનગી વાહનોમાં પ્રિન્ટર્સ, કોમ્પ્યુટર લઇને 20થી વધારે એજન્ટો પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે. હાલ સૌથી વધારે ડ્રાઇવીંગ લાયસન્સ, એચએસઆરપી માટે લોકોનો ધસારો રહે છે. ત્યારે  એજન્ટો તેમને બોલાવીને ઝડપથી ઓનલાઇન ફોર્મ ભરાવાનું કહીને રુ. 150થી રુ.200 સુધી ખંખેરે છે. બાદમાં એચએસઆરપી,  નામ ટ્રાન્સફર , કાચુ લાયસન્સ  લાઇનમાં ઉભા રહેવાના બદલે બારોબાર અપાવવાનું કહીને રુ. 500 થી રુ. 1000 ખંખેરી લે છે. તો 100થી વધારે એજન્ટો આરટીઓની કચેરીમાં બેરોકટોક ફરીને લોકોને બોલાવીને નાના નાના કામના પૈસા ઉઘરાવે છે.

નાગરિકોની આપવીતી

ચાંદખેડામાં રહેતા ઉદય શાસ્ત્રી નામના વ્યક્તિએ જણાવ્યું કે કાચુ લાયસન્સ કઢાવવા માટે એક એજન્ટે રુ. 700 ખંખેરી લીધા અને કામ ન થતા પૈસા પણ પરત ન આપ્યા. હવે ઉદય શાસ્ત્રી લાઇનમાં ઉભા રહીને લાયસન્સ કઢાવવા માટે આવ્યા હતા.સેટેલાઇટમાં રહેતા સુનીલ જાદવ એચએસઆરપી નંબર પ્લેટ માટે આવ્યા હતા. જ્યાં આરટીઓ કચેરીમાં એક એજન્ટે ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઇન ફોર્મ ભરવાના 200 રુપિયા લીધા અને બારોબાર ફી ભરી આપવા માટે 500 રુપિયા લીધા. કારણ કે હાલ એચએસઆરપી માટે દિવસમાં 700થી વધારે લોકો આવે છે.

આરટીઓ દ્વારા કડક નિયમનો અમલ શા માટે નહી?

જ્યારે અમે આરટીઓમાં ચાલતા એજન્ટ રાજ અંગે ખરાઇ કરવા આરટીઓ ઓફિસ બહાર કારમાં બેઠેલા એક એજન્ટ પાસે એચએસઆરપી,આરસી બુક અને લાયસન્સ માટે વાત કરી ત્યારે તેણે પાંચ હજાર રુપિયામાં બધુ જ કરી આપવાની ખાતરી આપી,  તો ઓફિસમા એજન્ટના મળતિયાઓ એટલે કે તેમના પેટા એજન્ટો પણ મળી આવ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે સરકાર શા માટે યોગ્ય વ્યવસ્થા નથી ગોઠવતી? અને ગોઠવે છે તો આરટીઓ દ્વારાનિયમનો કડક અમલ શા માટે નથી કરાતો?

એજન્ટ સામે કાર્યવાહી

આ અંગે આરટીઓ અધિકારી એસ પી મુનિયાએ જણાવ્યું કે અમે નિયમિત રીતે પોલીસની મદદ લઇને એજન્ટો સામે કાર્યવાહી કરીએ છીએ અને જો કોઇ એજન્ટ કચેરીમાં દેખાઇ તો તેની ફરિયાદ કરવામાં આવે છે. જો કે હાલ આરટીઓ ની કામગીરી ખુબ જ મોટા પાયે હોવાને કારણે સામાન્ય દિવસ કરતા ધસારો વધારે રહે છે, મુનિયાએ ઉમેર્યુ કે એજન્ટ ને કોઇ નાણાં ન આપવા અને નિયમ મુજબ દરેક લોકોનું કામ થાય જ છે. એજન્ટો ગેર માર્ગે દોરીને નાણાં વસૂલે છે.

ઓનલાઈન સર્વર ઠપ્પ થતા કામગીરી પર અસર

હવે 15મી ઓક્ટોબરથી નવા કાયદાના કડક અમલ માટે  સરકાર કટીબંધ છે ત્યારે કામગીરી ઝડપથી થાય તે માટે સરકારે રવિવારે પણ કામગીરી કરવાની તાકીદ કરી છે . જો કે સોથી મોટો પ્રશ્ન એ છે કે હાલ પણ ઓનલાઇન સર્વર  ઠપ્પ થવાનું સતત બને છે તેના કારણે આરટીઓની તમામ કામગીરી પર અસર પડે છે.બુધવારે સર્વર ઠપ્પ થતા સાંજે કામગીરી ઠપ્પ થતા હજારો લોકોને પરત જવાનો વારો આવ્યો હતો.

 [:]