[:gj]અમને નોકરી આપો કાં તમે નોકરી છોડોના લગાવ્યા સૂત્રોચ્ચાર[:]

[:gj]ગાંધીનગર, તા. 24

ટેટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહિ કરવામાં આવતા બેરોજગાર શિક્ષકોનો એક મોરચો આજે સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણ પ્રધાનના કાર્યાલય સુધી આવી ગયો હતો. અને ભારે સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે, અમને નોકરી આપો કાં તમે નોકરી છોડી દો. અને ભારે હોબાળો મચાવી દીધો હતો. બાદમાં ગાંધીનગર પોલીસ આ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરીને લઈ ગઈ હતી. સ્વર્ણિમ સંકુલમાં આટલી મોટી સંખ્યામાં બેરોજગારો ઘૂસી આવતાં સંકુલની સુરક્ષા સામે પણ અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે.

શું છે માગણી?

બેરોજગાર શિક્ષકોના આવેલા જૂથના અગ્રણી રમેશ પટેલે કહ્યું કે, જે શિક્ષકો આવ્યા છે તે તમામે ટેટની પરીક્ષા પાસ કરી છે. પરંતુ તેમની પાસે નોકરી નથી. ત્યારે આવી મોંઘવારીમાં તેમનું અને તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલ થઈ પડ્યું છે. ત્યારે ઘણા વખતથી અમે સરકાર અમારી માગણી સ્વીકારીને અમારી નિમણૂંક કરે એવી રજૂઆતો કરી છે. પણ સરકારના બહેરા કાને આ વાત અથડાતી નથી ત્યારે આજે ના છૂટકે અમારે શિક્ષણ પ્રધાનના કાર્યાલયની બહાર આ પ્રકારે ધરણાં કરવા પડ્યાં છે. ઉપસ્થિત બેરોજગારોએ સૂત્રોચ્ચાર સાથે એવી માગણી કરતા હતા કે સરકાર અમારી વાત સાંભળે અને અમારા ઉપર લાગેલું બેરોજગારનું લેબલ હટાવે. સાથે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સંબોધીને એવી પણ માગણી કરી હતી કે, અમને નોકરી આપો અથવા તમે નોકરી છોડી દો.

શિક્ષણ પ્રધાનનો લૂલો બચાવ

બેરોજગાર શિક્ષકોના મામલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પૂછતાં તેમણે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, સરકારે આ લોકોની માગણીને ધ્યાને લીધી છે અને આગામી સમયમાં તેમની ભરતી કરવા માટેનો નિર્ણય પણ જાહેર કરવામાં આવશે. પરંતુ આવી રીતે ધરણાં કરવાથી તાત્કાલિક કોઈ નોકરી ન મળી જાય.

બેરોજગાર શિક્ષકોના ધરણાને કોનો ટેકો?

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના કાર્યાલય બહાર ધરણા કરી રહેલા બેરોજગાર શિક્ષકો દ્વારા જે સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા તેમાં એક પક્ષના વિદ્યાર્થી સંગઠનના નામે પણ સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા. આ સંજોગોમાં તેનો છૂપો હાથ હોવાનું સ્વર્ણિમ સંકૂલમાં ચર્ચાઈ રહ્યું હતું.

સ્વર્ણિમ સંકુલ-1ની સુરક્ષા પર સવાલ

સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું કાર્યાલય અને તેમના પ્રધાનમંડળના સભ્યોનું કાર્યાલય હોવાના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે. પરંતુ આજે જે રીતે આટલી મોટી સંખ્યામાં બેરોજગારો એકસાથે આ સંકુલમાં બીજા માળે આવેલા શિક્ષણ પ્રધાનના કાર્યાલય બહાર પહોંચી ગયા તેના કારણે સંકુલની સુરક્ષા ઉપર સવાલો ઉઠ્યા છે.[:]