[:gj]અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે બીજા શંકરસિંહ બની રહ્યાં છે[:]

[:gj]રાજનીતિનો અધ્યાય – દિલીપ પટેલ

કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેને પરેશાન કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પર હવે તેને કોઈ વિશ્વાસ રહ્યો નથી. એવું ગુજરાતી ટીવી ચેનલ પર જાહેરાત 8 જાન્યુઆરી 2019માં કરી છે. પોતાને સન્માન મળે અને તાકાત છે તે પ્રમાણે પ્રતિનિધિત્વ મળે એવી માંગણી તેમણે કરી છે. તેમણે કોંગ્રેસના હીતની ઓછી પણ પોતાની જ્ઞાતિની વાતો વધારે કરી છે. તેમનો જ્ઞાતિ વાદી સૂર કોંગ્રેસને પરેશાન કરી શકે છે. માધવસિંહ સોલંકીની ભૂલ બાદ કોંગ્રેસ 33 વર્ષ પછી જ્ઞાતિવાદમાંથી માંડ બહાર નિકળી છે, ત્યાં અલ્પેશ ઠાકોર જ્ઞાતિવાદી વલણ અપનાવીને કોંગ્રેસ માટે મુશ્કેલીના પહાડ ઊભા કરી રહ્યાં છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પડકાર ફેંકી રહ્યાં છે. 2017માં જે સન્માન મળ્યું હતું તે મળે એવી વાત રાહુલની સામે કરીને બગાવત કરવાના છે. 2017માં જે ભાષા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં બોલી રહ્યાં હતા, તે જ ભાષા અલ્પેશ ઠાકોર બોલી રહ્યા છે. તેઓ કોંગ્રેસ માટે બીજા શંકરસિંહ પુરવાર થઈ રહ્યાં છે.

અલ્પેશ ઠાકોરના બગાવતી શૂર આ પ્રમાણે છે

સન્માન સાથે સ્થાન આપો. દબાવવાનો પ્રયાસ થાય છે. સ્થાન આપવામાં આવતું નથી. રાજનીતિનું મારું સ્વપ્ન હતું કે પુરું થયું નથી. સપના ચકનાચૂર થઈ ગયું હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે. મારા અનેક દુશ્મન છે. તેથી મને દબાવવાનો પ્રયત્ન થાય છે. ગુજરાતના કોંગ્રેસના નેતાઓ મને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે દુર્ભાગ્ય પૂર્ણ છે. મને લોકો યાદ રાખે એ જ મહત્વનું છે. હું શું લઈ આવું તે જ મહત્વનું છે. મારો મુદ્દો એ જ છે. મારા મુદ્દાને કોંગ્રેસે સમર્થન આપવું જોઈએ. કોંગ્રેસની વ્યવસ્થા બરાબર નથી. તેમાં સન્માન મળતું નથી. કોંગ્રેસમાં કંઈ જ નથી મેળવ્યું તેનું દુઃખ છે. દિલ્હીમાં રાહુલ ગાંધીને રજૂઆત કરવા માટે બે દિવસમાં જવાનો છું. રાહુલને આ બધી વાતો કહેવાનો છું. મારા સંગઠન માટે રાજનીતિ છે.

પક્ષમાં કંઈ પણ ગરબડ થાય તો તેના માટે દોષિત બતાવે છે. પક્ષમાં જવાબદારી નક્કી કરો. ઠાકોર સેના સાથે ચૂપ બેઠો છું. ભાજપમાં જવાનો છું તે મુદ્દો નથી. કંઈ ન આપે તો ખુરશી માટે નમાલો બની નહીં રહું. પલાંઠી વાળીને નહીં બેસી રહુ. આજ જતુ હોય તો કાલ જતું રહે. સમાજને અપાવવા મારે હિંમતથી લડવું પડશે. (સમાજ એટલે પોતે) પક્ષમાં મને સમર્થન મળતું નથી. 9થી 12 બેઠકો લોકસભાની ગુજરાતમાં મળી શકે તેમ છે. પણ તે માટે લડવું પડે. ઠાકોર સેના લડવા પસંદ કરશે. વ્યવસ્થા પરિવર્તન કરો, જે થઈ રહ્યું છે તે નબળું પુરવાર થઈ રહ્યું છે. જસદણ વિધાનસભાની બેઠક જીતી શકાય તેમ હતી તેમ છતાં તે મોટી લીડથી હાર્યા છીએ. ત્યાં કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે. એક થઈને લડીએ તો જ પરિણામ મળે છે. હું માસ લીડર છું, મને નબળો પુરવાર કરીને કોંગ્રેસ શું કરવા માંગે છે. લોકો વચ્ચે ચાલે એવા લોકોને નેતૃત્વ આપવામાં આવે. તો જીતી શકાય પણ હાલમાં કોંગ્રેસમાં જે પદ્ધતિ ચાલી રહી છે તે સામે વાંધો છે. મારી સેના મારા માટે બધું છે. મારી સાથે ઠગાઈ અને ગદ્દારી થઈ છે. મારી આંખમાં આશું આવે છે. રમત ન કરો ન્યાય આપો. તમને કુદરત પણ માફ નહીં કરે.

આમ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી ત્યારે જે ભાષા વાપરતાં હતા તેવી જ ભાષા શંકરસિંહના એક સમયના ડ્રાઈવર અને તેમના ચેલા અલેપશ ઠાકોર વાપરી રહ્યાં છે.

ત્રણ મહિના પહેલાં પણ આવું જ કહ્યું હતું

28 ઓગસ્ટ 2018માં khabarche.com લખેલો અહેવાલ અહીં જેમનો તેમ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પડકારીને તેમણે કહેલી વાતોથી કોંગ્રેસમાં તેમનો ભારે વિરોધ થયો છે અને કોંગ્રેસના આ બન્ને નેતાઓ સમક્ષ રજૂઆતો પણ દિવસ દરમિયાન થઈ છે. તેમણે ઉચ્ચારેલા શબ્દો અંગે ભારે વિવાદ થયો છે. શું કહ્યું તેમણે?

તેમના વિવાદાસ્પદ ઉચ્ચારો આ છે:

ગાંધીનગર ઉત્તરની વિધાનસભાની બેઠકમાં ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓએ વિરોધમાં કામ કર્યું હતું. કોંગ્રેસના હામીઓ બતાવે છે તેમણે ખૂલ્લેઆમ વિરોધમાં કામ કર્યું હતું. ઘણી ઠાકોરની બેઠકો પર આ રીતે વિરોધમાં કામ કર્યું છે. તેથી હારી ગયા. કોંગ્રેસના 40 વર્તમાન ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા હતા તેમાં 15 તો હારી ગયા છે. તેના માટે અમે જવાબદાર તો નથી.

રાહુલ ગાંધી વારંવાર ગુજરાત આવતાં હતા તેથી કોંગ્રેસે આટલી બેઠકો મેળવી છે. કોઈ એવું કહેતું હોય કે મારા આવવાથી કોંગ્રેસને કોઈ ફાયદો નથી થયો, તો પછી શું કામ મને કોંગ્રેસમાં લીધો. કાઢી મૂકો મને કોંગ્રેસમાંથી. કોઈ ફેર પડતો નથી મને. હું નમાલી રાજનીતિ કરવા સર્જાયો નથી. એવી ધમકી આપીને કહે છે કે મને ખોટી રીતે ન મૂલવો. લાલચુ બનીને હું ઘૂંટણીએ પડી જાવ એ મારી રાજનીતિ નથી. મારા પર ખોટો આરોપ કરો તો હું છાતી ઠોકીને બોલવાનો છું.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જવાબ આપે કે મારા કારણે કોંગ્રેસને ફાયદો નથી થયો. આ બન્ને મારી સામે આવીને ડિબેટ કરે. કોંગ્રેસ પ્રમુખને પડકારીને જાહેરમાં કહે છે કે હું કોઈની સાડાબારી રાખતો નથી. બહુ સ્પષ્ટ કહું છું કે, જે લોકો એવું કહેતા હોય કે અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસને કોઈ ફાયદો નથી થયો તે બીજી વખત મોં સંભાળીને બોલે. તેમણે જાહેરમાં બોલવું પડશે અને સાબિત કરવું પડશે. નહીંતર મને બોલતા કોઈ રોકી નહીં શકે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી મારાથી નાના છે. છ મહિનાનો ફેર છે. બન્ને સાથે મારા લડાઈ ઝઘડાના સંબંધ છે. પ્રેમથી હક્કથી તે મારો કોલર પકડે અને હું તેનો કોલર પકડી શકું છું. કોંગ્રેસમાં આંતરિક નારાજગી છે. મારા કારણે તમને વિધાનસભામાં ફાયદો થયો છે.

કોંગ્રેસના અલ્પેશથી ખરેખર કેટલો ફાયદો થયો?

35 બેઠક એવી છે કે જ્યાં ઠાકોર ઉમેદવાર જ જીતે

40 હજારથી 1 લાખ સુધીના ઠાકોર મતદારો ધરાવતી 35 બેઠકો છે. જે ખરેખર તો અલ્પેશના પ્રભાવથી જીતવી જોઈતી હતી પણ કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં 8 બેઠક જ ઠાકોરની આવી છે. મધ્ય ગુજરાતમાં 4 આવી છે. તેની સામે પાટીદારોના 18 ધારાસભ્યો છે. તેનો મતલબ કે ઠાકોર મતદાર જ્યાં વધું હતા ત્યાં ભાજપને વધુ બેઠક મળી છે. 40 હજારથી 1 લાખ ઠાકોર મતદારો ધરાવતી બેઠકો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પુરતાં જ ઠાકોર મતદારો છે.

વાવ, કાંકરેજ, રાધનપુર, ચાણાસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, વિસનગર, બેચરાજી, કડી, હિંમતનગર, ઈડર, ભીલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર-નોર્થ, કલોલ, વિરમગામ, દસક્રોઈ, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજનો સમાવેશ થાય છે.

12 બેઠકો એવી છે કે ઠાકોર મતદારોની સાથે રહીને જીતી શકાય તેવી હતી. જેમાંથી કોંગ્રેસને બહુ ઓછી મળી છે. 12 બેઠક એવી છે કે, જ્યાં પક્ષના અન્ય જ્ઞાતિના ઉમેદવારને જીતવા મદદ કરી શકે. થરાદ, ધાનેર, વિરમગામ, પાલનપુર, ડીસા, વિજાપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, ગાંધીનગર, સાણંદ, માણસાનો સમાવેશ થાય છે.

કેમ એંધલ-વિરમગામ છોડ્યું?

અલ્પેશ ઠાકોરનું વતન અને કાર્યક્ષેત્ર વિરમગામ છે જ્યાં ઠાકોર મતદારો વધુ છે. તેમ છતાં તે છોડીને તેમણે સિદ્ધપુર જવું પડ્યું હતું. જો તેઓ ખરા નેતા હોત તો વિરમગામથી જ ચૂંટણી લડ્યા હોત. ઠાકોર સમાજના મતદારો પહેલેથી જ પરંપરાગત રીતે કોંગ્રેસની મત બેંક રહી છે. માધવસિંહ, ભરતસિંહ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર જેવા નેતાઓ કોંગ્રેસે આપ્યા છે. માધવસિંહ સોલંકીને બાદ કરતાં તમામ ઠાકોર નેતાઓએ ઠાકોર સમાજનો મત બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. હવે અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે. દારૂબંધીનું આંદોલન બંધ છે. સમાજ સુધારાની વાતો હવે હવાઈ ગઈ છે. માત્ર રાજકારણ ખેલી રહ્યાં છે.

અલ્પેશ ઠાકોરનો ઉદય કેમ થયો?

અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોર 1997થી કોંગ્રેસમાં છે. 2009મા અલેપશ ઠાકોર યુવક કોંગ્રેસની ચૂંટણી લડ્યા હતા પણ તે પ્રમુખ તરીકેની ચૂંટણી હારી ગયા હતા. તેથી તે યુવક કોંગ્રેસના ઉપ્રમુખ બન્યા હતા. પછી શંકરસિંહની ઠાકોર સેના બંધ કરી તો તે અલ્પેશ ઠાકોરને આપી દેવામાં આવી હતી. તે સમયે અલ્પેશ ઠાકોર શંકરસિંહ વાઘેલાની કાર ચલાવવાનું પણ કામ કરતાં હતા. ત્યાં સુધી તેમને કોઈ ઓળખતું પણ ન હતું. પરંતુ હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું એટલે શંકરસિંહ વાઘેલા જગદીશ ઠાકોરને હાર્દિક પટેલ સામે ઊભા કરીને રાજનીતિ કરવા માંગતા હતા. આ અંગે અમદાવાદ સર્કિટ હાઉસમાં બેઠક પણ થઈ હતી. આ રાજકીય ચાલની જાણ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીને થતાં તેમણે અલ્પેશ ઠાકોરને હાર્દિક પટેલ સામે સુભાષબ્રિજ – આરટીઓ સર્કલ પર ઉપવાસ કરવા બેસાડી દીધા હતા. મીડિયાએ હાર્દિક સામે અલ્પેશ ઠાકોરની પણ વાત લખવા માંડી અને અલ્પેશ ઠાકોર ઝીરોમાંથી હીરો બની ગયા હતા અને પછી કોંગ્રેસમાં જવાનું નર્યું નાટક કર્યું હતું. તે કોંગ્રેસમાં જ વર્ષો સુધી રહ્યા છે. તે નેતા ન હતા પણ તેમને ભરત સોલંકીએ નેતા બનાવી દીધા હતા. ઓછી મહેનતે તે નેતા બની ગયા હતા. ગુજરાતનું રાજકારણ હમેશ પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ખેલાતું રહ્યું છે. જેનો સીધો ફાયદો અલ્પેશ ઠાકોરને મળ્યો હતો.

ગાંધીનગરની સભામાં કાર્યકરો કોના હતા ?

હવે કોંગ્રેસે બે ફોર્મૂલા નક્કી કરી હતી. એક તો ભાજપ પાસે 80 ટકા રહેલી પાટીદારોની મત બેંકને કોંગ્રેસ તરફ કેમ લાવવી અને અલ્પેશ ઠાકોર કે જેમના કાર્યકરો હતા તે તો મૂળ કોંગ્રેસના જ હતા પણ દુનિયા સમક્ષ તેવું મોટું ચિત્ર ઉપસાવવા નક્કી થયું હતું. ગાંધીનગરમાં સભા કરીને અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લાવવાનું નાટક કરવામાં આવ્યું હતું. તે સભામાં હાજર રહેલાં લોકો ગાંધીનગર કોંગ્રેસના જ કાર્યકરો લાવેલા હતા. ગામડાઓમાં અલ્પેશ ઠાકોરે સભાઓ કરી હતી જેમાં ઠાકોર સમાજ ભાજપમાં જવા તૈયાર ન હોવાનું તારણ નીકળ્યું હતું. તે ભાજપ હાઇકમાન્ડને મળવા ગયા હતા પણ તેમાં કંઈ જામ્યું ન હતું. તેથી તેના માટે મજબૂરી બની ગઈ હતી કે કોંગ્રેસમાં જ રહેવું.

મત ન અપાવી શક્યા

આમ કોંગ્રેસ પાસે તો પહેલાથી જ ઠાકોર મતદારો હતા પણ પાટીદાર મતદારો કે ગ્રામ્ય વિસ્તારમાં હતા. તેમણે કોંગ્રેસને સારા એવા મત આપ્યા. શહેરી પાટીદારોએ કોંગ્રેસને બહુ ઓછા મત આપ્યા હતા. આમ અલ્પેશ ઠાકોરના આવવાથી કોંગ્રેસને બહુ ફાયદો થતો ન હતો.

કોંગ્રેસે 7 ટિકિટ આપી

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લાવવાનું અહેમદ પટેલે નક્કી કર્યું તે સમયે અલ્પેશ ઠાકોર જાહેરમાં કહેતાં હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર હશે. પણ મુખ્યમંત્રીની વાત કોંગ્રેસે માની નહીં એટલે નાયબ મુખ્યમંત્રીની વાત કરી પછી વિધાનસભાની 30 ટિકિટો માગી. તેટલી આપવા ઇનકાર કર્યો એટલે 17 ટિકિટ માગી અને છેલ્લાં કોંગ્રેસે તે કહે એવી 7 ટિકિટો આપી હતી.

વિધાનસભાની 7 ટિકિટ આપી તેમાં ત્રણ જીતી શકાઈ અને 4 બેઠકો કોંગ્રેસે ગુમાવી હતી. સિદ્ધપુર, બહુચરાજી અને ધવલસિંહ જીતી શક્યા. ખેરાલુ અને ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના ઉમેદવાર હારી ગયા હતા.

આમ ગુજરાતમાં પાટીદાર પછી ઠાકોર મતદારો વધુ છે તેનો ફાયદો અલ્પેશ ઠાકોર ઉઠાવવા માગતા હતા. પાટીદારોએ તો એક વખત ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને મત આપ્યા પણ અલ્પેશ ઠાકોરનો આખા ગુજરાતમાં ક્યાંય પ્રભાવ જોવા મળ્યો ન હતો. જો જોવા મળ્યો હોત તો ઠાકોર પ્રભાવિત 35થી 40 બેઠકોમાંથી 30 બેઠક કોંગ્રેસને મળી હોત અને સરકાર કોંગ્રેસની બની હોત. પણ તેમ થયું નહીં.

હવે અલ્પેશ ઠાકોરનો અવાજ શંકરસિંહ સાથે મળતો આવી રહ્યો છે. આવનારા સમયમાં તે કોંગ્રેસ માટે બીજા શંકરસિંહ વાઘેલા બની શકે છે.[:]