[:gj]ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ઉત્સવોની મોસમમાં યોજાતા સેલમાં જીએસટીની જંગી ચોરી[:]

[:gj]અમદાવાદ, તા:૩૦

દિવાળી પૂર્વે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા યોજવામાં આવી રહેલા જંગી સેલ્સમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જંગી ચોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઓનલાઈન સેલ યોજતી આ કંપનીઓ મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ-એમઆરપી પર જીએસટી જમા કરાવવાને બદલે તેમણે આપેલા ડિસ્કાઉન્ટ બાદ થતી રકમ પર જીએસટી ભરી રહી છે. આ કંપનીઓ 10 ટકાથી માંડીને 80 ટકા જેટલું જંગી ડિસ્કાઉન્ટ આપી રહી છે.પરિણામે રિટેઈલ વેપારીઓના ધંધા પર પણ વિપરીત અસર પડી રહી છે. આ સ્થિતિમાં વેચાણ વધતું હોવા છતાંય સરકારની જીએસટીની આવકમાં ગાબડાં પડી રહ્યા હોવાનું જાણ કરતી એક ફરિયાદ નાણા મંત્રી નિર્મલા સીતારામનને કરવામાં આવી છે. બીજી તરફ કંપનીઓએ રિટેઈલર અને કંપની વચ્ચેની કડી ગણાતા ડીલર્સ અને સ્ટોકિસ્ટને ચાતરી જઈને સીધા રિટેઈલર્સ સાથે સોદા કરીને વચેટિયાઓની પાંખો કાપવા માંડી હોવાની પણ એક ફરિયાદ બુલંદ બની છે.

ગુજરાત સહિત ભારતભરના છૂટક વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે નાણાં મંત્રી નિર્મલા સીતારામનને કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ માલની એમ.આર.પી. પર નહિ, પરંતુ તેઓ જે ડિસ્કાઉન્ટ આપે છે તે બાદ કર્યા પછી થતી કિંમત પર તેઓ જીએસટી લગાવે છે. પરિણામે વેચાણ વધતું હોવા છતાંય જીએસટીની સરકારની આવકમાં વધારો જોવા મળતો નથી.

જીએસટીના નિષ્ણાતોનુ કહેવું છે કે સરકાર આ સ્થિતિમાં વેચાણકર્તાઓ દ્વારા મૂકવામાં આવતી જુદી જુદી સ્કીમ્સ પર નિયંત્રણ લગાવી શકે છે. તેનાથી સરકારને જીએસટીની આવક ઘટી રહી છે. કારણ કે જીએસટીમાં વેટની માફક વેલ્યુ એડિશન પર ટેક્સ લાગે છે. અહીં વેલ્યુ વધતી નથી. વેલ્યુ ઘટી રહી છે. આ બાબતને કઈ રીતે અંકુસમાં લેવી અને નાના વેપારીઓને અ઩ફેર ટ્રેડ પ્રેક્ટિશથી પ્રોટેક્શન કેમ આપવું તે નક્કી કરવાની જવાબદારી સરકારની છે.

સીએઆઈટીના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે આ કંપનીઓ 10થી 80 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ બજારમાંના અન્ય હરિફોનાં ધંધાને સદંતર ખતમ કરી દેવાની ચાલ છે. તેને પરિણામે સંખ્યાબંધ રિટેઈલર્સના ધંધા ખતમ થઈ રહ્યા છે. આ ફરિયાદ સાથે જ સુરતમાં ગઈકાલે દક્ષિણ ગુજરાતના 400થી વધુ હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સની એક બેઠક યોજવામાં આવી હોવાનું સીએઆઈટીના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતનું કહેવું છે. એક તરફ ઓનલાઈન કંપનીઓના જંગી ડિસ્કાઉન્ટ આપે છે. બીજી તરફ કંપનીઓ રિટેઈલર્સ કરતાં મોલને પણ વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. તેથી હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ ખતમ થઈ રહ્યા છે. આ ડિસ્કાઉન્ટને કારણે રિટેઈલર્સ પણ ધંધો ગુમાવી રહ્યા છે. તેમના હાથમાંથી ખેંચી લેવામાં આવી રહેલા બિઝનેસને પરિણામે રિટેઈલર્સ પરેશાન થઈ ગયા છે. આ અસમાનતાને રિટેઈલર્સના ધંધા તૂટતા લાખો લોકો બેરોજગાર બની જશે. હવે ડિસ્ટ્રીબ્યુટર્સની પાંખ કાપીને તેને સ્થાને મોલને ડિસ્ટ્રીબ્યુટર્સ કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. પરિણામે રિટેઈલર્સને પણ મોલ પાસેથી ખરીદવાની ફરજ પડી રહી છે. આ રેવાલને કારણે રિટેઈલર્સ ખતમ થઈ જશે તો તેને પરિણામે દેશમાં લાખો લોકો રોજગારી અને આવક કરવાનું માધ્યમ ગુમાવી દેશે.

તેની અસર મોટા શહેરો ઉપરાંત હવે નાના નગરો સુધી પહોંચવા માંડી છે. નાના નગરો અને ગામડાંઓમાં પણ હવે ઘરે ઘરે સ્માર્ટ ફોન આવી ગયા હોવાથી અને ઇન્ટરનેટની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ ચૂકી હોવાથી ઓનલાઈન કંપનીઓ પાસેથી સીધી ખરીદી કરવાનું વલણ વધવા માંડ્યું છે. તેથી તેઓ પણ ઓનલાઈન વેચાણ કરનારાઓ પાસેથી ખરીદી કરવા માંડ્યા છે. તેથી રિટેઈલર્સને અને ડિસ્ટ્રીબ્યુટર્સને વધુ મોટો ફટકો પડવા માંડ્યો છે. ગ્રાહકોને તેમના નાણાંનું વધુ મૂલ્ય અપાવવાને નામે ઓનલાઈન વેચાણ કરતી ઈ-કોમર્સ કંપનીઓ નાના શહેરોમાં પાણીના મોલે વસ્તુઓ ઉપલબ્ધ કરાવી રહી છે. ઇ-કોમર્સ કંપનીઓએ સ્થાનિક સ્તરના કરિયાણાના વેપારીઓ સાથે પણ ટાઈ-અપ કરવા માંડ્યા છે. તેમની મદદથી તેઓ ડિલીવરી આપવાનું કામ કરાવી રહ્યા છે. તેને પરિણામે ઓનલાઈન ખરીદી કરનારાઓને ઝડપથી ડિલીવરી પણ મળી રહી છે.

રિટેઈલર કંપનીઓને લેવલ પ્લેયિંગ ફિલ્ડ ન મળતું હોવાથી તેઓ ખતમ થઈ રહ્યા હોવાનું સીએઆઈટીની ફરિયાદ છે. ડિસ્કાઉન્ટને કારણે તેમની સ્પર્ધાત્મકતા ખતમ થઈ રહી છે. સીએઆઈટીનું કહેવું છે કે ઈ-કોમર્સનો અમે વિરોધ ન કરીએ, પરંતુ સ્પર્ધા કરવા માટે રિટેઈલર્સને સમાન તક આપવી પણ એટલી જ જરૂરી છે. ઇ-કોમર્સના બિઝનેસ મોડેલ લાખો રિટેઈલર્સને ખતમ કરી રહ્યા છે. તેને પરિણામે બેરોજગારી વધશે. ટેક્સની ચોરી પણ વધી રહી છે.[:]