ઈન્ડોનેશિયાનો નિકલ ઓર નિકાસ પ્રતિબંધ: ભાવ પાંચ વર્ષની ઉંચાઈએથી પાછા ફર્યા

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૬: ચીન અને અમેરિકાની આખલા (વેપાર) લડાઈમાં ઘણી બધી કોમોડીટીને મંદીમાં જવાની ફરજ પાડી છે, પણ ઈન્ડોનેશિયાએ નિકલ ઓર (કાચી ધાતુ) નિકાસ પર પ્રતિબંધ મુકતા મંદીની નાગચૂડમાંથી નીકળીને નિકલ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૩.૭૫ ટકા સ્પ્રીંગની જેમ ઉછળી છે. ઈન્ડોનેશિયાએ ઓર નિકાસનો બે વર્ષ પછી નીર્ધારેલો પ્રતિબંધ, એકાએક પાછો ખેંચી લેતા મેટલ બજારને આશ્ચર્યમાં મૂકી દીધી છે. જો કે મેટલ એનાલીસ્ટ વુડ મેકેનજી કહે છે કે ૨૦૧૯માં આ પ્રતિબંધની કોઈ અસર થવાની નથી. નિકાસ પ્રતિબંધને કારણે ૨૦૨૦મા માત્ર ૧૬૦૦૦ ટન જાગતિક પુરવઠા લોસ થશે, ૨૦૨૧માં ૧.૯ લાખ ટન, ૨૦૨૨મા ૧.૧૨ લાખ ટન અને ૨૦૨૪ પછી તેની અસર ૮૫૦૦૦ ટન જેટલી થશે.

ફિલીપાઈન્સ પછી જગતના બીજા નંબરના સૌથી મોટા નિકલ ઓર નિકાસકાર ઇન્ડોનેશિયા છે. ઈન્ડોનેશિયાની મહત્તમ નિકાસ, ચીનમાં રીફાઈન્ડ નિકલનાં સસ્તા વિકલ્પ તરીકે નિકલ પીગ આયર્નના પ્રોસેસિંગ માટે થાય છે. આટલું અધૂરું હોય તેમ બજારમાં એક એવી પણ અફવા આવી હતી કે ફિલીપાઈન્સની એસઆર લાન્ગ્યાંગ માઈનીંગ કોર્પોરેશનની ખાણની નિકલ ડીપોઝીટ હવે વાસુકી (સાવ નબળી કાચી ધાતુ ઉત્પાદન) ગયેલી હોવાથી આ વર્ષાંતે તેને બંધ કરી દેવામાં આવશે. એસઆર લાન્ગ્યાંગ અત્યારે માસિક ૪ લાખ ટન નિકલ ઓર નિકાસ કરે છે. જો ખાણ બંધ પડી જાય તો વૈશ્વિક બજારમાંથી આટલો પુરવઠો ઓછો થઇ જશે.

અલબત્ત, ઇન્ડોનેશિયા અને એસઆર લાન્ગ્યાંગની જે કઈ ખાધ નિર્માણ થશે, તેને સરભર કરવા ફિલીપાઈન્સની અન્ય ખાણોએ આગામી વર્ષથી ઉત્પાદન વધારવાની યોજના બનાવી છે. ૨૦૧૮મા પ્રાયમરી નિકલનું વૈશ્વિક ઉત્પાદન ૨૧.૮ લાખ ટન થયું હતું, જે વધીને આ વર્ષે ૨૩.૮ લાખ ટન થવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ નિકલ સ્ટડી ગ્રુપના અનુમાન મુજબ ગતવર્ષે બજારમાં ૧.૪૫ લાખ ટન પુરવઠા ખાધ હતી, જે આ વર્ષે ઘટીને ૮૪૦૦૦ ટન રહેશે. જો ઈન્ડોનેશિયાનાં નિકાસ પ્રતિબંધને ધ્યાનમાં લઈએ તો આગામી વર્ષે જાગતિક સપ્લાયમાંથી ૧૦ ટકા નિકલ નીકળી જવાનો ભય વ્યકત કરવામાં આવ્યો છે.

આ બધા પુરવઠા ઘટાડાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે જુલાઈમાં લંડન મેટલ એક્સચેન્જના વેરહાઉસોમાં, વિશ્વની માત્ર બે મહિનાની માંગને પહોચી શકે તેટલોજ ૧.૫ લાખ ટન નિકલ જથ્થો પુરાંતમાં હતો. દરમિયાન વધી રહેલી સ્ટીલ માંગ અને ઈલેક્ટ્રીકલ વાહનોના યુગારંભ સાથે જ નિકલની તેજીને વધુ ટેકો સાંપડ્યો છે. ઈન્ડોનેશિયાની માઈનીંગ કંપની પીટી મકીકા મદા મદનાને આ મહીને ૪ લાખ ટન નિકલ ઓર નિકાસનો નવો ક્વોટા પ્રાપ્ત થયો છે, એવું એસએમએમ સર્વે એજન્સીના અહેવાલમાં ગુરુવારે જણાવાયું હતું. માર્ચમાં ૧૦ લાખ ટન નિકલ ઓર નિકાસ ક્વોટા પૂરો થઇ ગયા પછી આ ખાણ કંપનીએ શિપમેન્ટ અટકાવી દીધા હતા. કંપની માસિક સરેરાશ ૮૦૦૦૦ ટન ઓરનું શિપમેન્ટ કરે છે.

છેલ્લા કેટલાંક મહિનાથી બજારમાંથી નિકલ પુરવઠો વેગથી ઘટશે, એવા એવા અહેવાલ પાછળ જાન્યુઆરીમાં જોવાયેલી વાર્ષિક બોટમ ૧૦,૫૩૨ ડોલરથી ભાવ ઝડપથી ઉંચકાયા છે. ઇન્ડોનેશિયા નિકલ ઓર નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાનાં સમાચાર આવ્યા પછી બુધવારે એક તબક્કે એલએમઈ ત્રિમાસિક નિકલ વાયદો ૧૮,૮૪૨ ડોલર પાંચ વર્ષની ઉંચાઈએ પહોચી, શુક્રવારે ૧૫૫૫૯ ડોલર મૂકાયો હતો. હવે જ્યારે સંપૂર્ણ નિકાસ પ્રતિબંધની સત્તાવાર જાહેરાત આવી ગઈ છે, ત્યારે તે ઉદ્યોગ માટે આંચકારૂપ ઘટના ગણાશે. ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધ પછી, મોટા વપરાશકાર ગ્રાહકો માટે પુરવઠો મેળવવો મુશ્કેલ થઇ જશે, એમ કહીને ગોલ્ડમેન સાસનાં એનાલીસ્ટે આગામી બાર મહિના માટે નિકાલ ભાવની આગાહી ૨૨૦૦૦ ડોલર મૂકી હતી. બરાબર આ જ સમયે ઇન્ડોનેશિયાનાં પ્રમુખ જોકોવીએ કહું હતું કે અમે અમારા દેશમાં જ ઈલેક્ટ્રીકલ વ્હીકલ અને તેના મહત્વના કાચા માલો ઉદ્યોગો માટે ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૬-૯-૨૦૧૯