[:gj]એક અમદાવાદીએ વડોદરાના મશહૂર જગદીશ ફરસાણને એક લાખનો દંડ કરાવ્યો[:]

[:gj]અમદાવાદ, તા.15

વડોદરાના મશહૂર જગદીશ ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ને પેકેજ કોમોડિટી એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ  તોલમાપ ખાતાએ એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.   દિવાળીના તહેવારો માં લોકો મિઠાઈ અને ફરસાણની જબરજસ્ત ખરીદી કરતાં હોઈ ઘણાં ફરસાણવાળા ગ્રાહકોને છેતરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નહેરુનગર વિસ્તારમાં રહેતા તોલમાપ ખાતાના નિવૃત્ત ઇન્સ્પેક્ટર જસવંતસિંહ વાઘેલા તેમના સંબંધીને ત્યાં સામાજિક કામ માટે તા ૨૦મી નવેમ્બરના રોજ વડોદરા ગયાં હતાં. તેઓ જ્યારે અમદાવાદ પરત આવવાના હતા ત્યારે જુના પાદરા રોડ ઉપર આવેલા વડોદરા ના  જગદીશ ફરસાણ તરીકે પ્રખ્યાત જગદીશ ફૂડ પ્રા. લિ ની દુકાને ફરસાણ ખરીદવા ગયા હતાં. તેમણે ત્યાંથી ફરસાણના કેટલાક પેકેટની ખરીદી પણ કરી હતી. જેમાં મીઠા શક્કરપારા, ડાયેટ ખાખરા અને કલકતી મિક્ષ ચવાણાના પેકેટ ઉપર પેકેજ કોમોડિટી એક્ટ મુજબની વિગતો દર્શાવી નહતી. જસવંતસિંહ વાઘેલા પોતે તોલમાપ ખાતામાં ફૂડ ઇન્સ્પેક્ટર રહી ચૂકેલા હોઈ તેમણે જિજ્ઞાસાવશ ફરસાણ ના પેકેટ ચેક કરતાં તેમને જગદીશ ફૂડ પ્રા લિ દ્વારા તોલમાપ ખાતાના પેકેજ કોમોડિટી એકટનો ભંગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. આથી તેમણે તુરંત જ વડોદરા જિલ્લામાં મદદનીશ કાનૂની માપનિયંત્રકની કચેરીમાં આ બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ સાથે તેમણે ખરીદેલા ફરસાણ ના પેકેટ તેમજ બિલ પણ રજૂ કર્યા હતાં.

જશવંતસિંહ વાઘેલા કહે છે કે , તોલમાપ ખાતામાં મેં વર્ષો સુંધી કામ કર્યું છે. જેથી હાલ પણ હું નિવૃત્તિ બાદ પણ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સી સાથે જોડાયેલો છું. ગ્રાહકો સાથેની આ પ્રકારની છેતરપીંડી ચલાવી ન લેવાય આથી મેં આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં વડોદરાના તોલમાપ વિભાગે જગદીશ ફૂડ પ્રા. લિ ને પેકેજ કોમોડિટી એક્ટના ભંગ બદલ કુલ રૂ એક લાખનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે પેકેજ કોમોડિટી એકટના ભંગના પ્રથમ ગુના માં ભાગીદારી  પેઢી હોય તો તમામ ભાગીદાર દીઠ રૂ ૨૫૦૦૦ ના દંડની જોગવાઈ છે.

પેકેજ કોમોડિટી એક્ટ શું છે ?

ધી લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડિટી)  રૂલ્સ ૨૦૧૧ની જોગવાઈ મુજબ ખાદ્યપદાર્થો ના પેકેટ ઉપર મુખ્યત્વે સાત બાબતો દર્શાવવી આવશ્યક છે.

પ્રોડક્ટ નું નામ

પ્રોડક્ટ નું નેટ વજન

ઉત્પાદક-પેકરનું નામ સરનામું

મહત્તમ છૂટક વેચાણકીમત

(તમામ ટેક્ષ સાથે)

પેકિંગનો મહિનો અને વર્ષ

કસ્ટમર કેર નંબર. 

ઇ મેઈલ આઈ ડી.

આ દર્શાવવા પાછળનો મુખ્ય હેતુ ઉત્પાદક કે વિક્રેતા લોકોને સારી, તાજી, ચોક્કસ વજન દર્શાવતી અને કિંમતની વસ્તુ વેચે. જેથી લોકો સાથે છેતરપીંડી ન થાય તેવો છે. તદુપરાંત પ્રોડક્ટ અંગે લોકોને જો કોઈ ફરિયાદ કરવી હોય તો તેના કસ્ટમર કેર નંબર કે ઇ મેઈલ આઈ ડી ઉપર કરી શકે. પરંતુ ઘણાં ઉત્પાદક અને વિક્રેતાઓ લોકોની કાયદાકીય જાણકારીના અભાવનો લાભ લઇ જુદી જુદી રીતે છેતરપીંડી કરતાં હોય છે.

 [:]