[:gj]એક બાજુ વન મહોત્સવ, બીજી બાજુ કમિશનર કચેરીમાં બે વૃક્ષોનું નિકંદન[:]

[:gj]અમદાવાદ, તા.5

એક તરફ વૃક્ષારોપણના નામે પોલીસ વન મહોત્સવના કાર્યક્રમો યોજી રહી છે. તો બીજી તરફ શહેર પોલીસ કમિશનર કચેરી કેમ્પસમાં આવેલા બે પરિપક્વ વૃક્ષોને આડેધડ કાપી નાંખવામાં આવ્યા છે. જો કે, ભૂતકાળમાં પણ પોલીસ કમિશનર કચેરી પરિસરમાં સીસીટીવી કંટ્રોલ રૂમ તેમજ હથિયારી પોલીસના આવાસ માટે કેટલાય વૃક્ષોનું બલિદાન આપવું પડ્યું છે.

શહેરમાં વિકાસના નામે છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો ઘટાદાર વૃક્ષોનો ખુદ તંત્રએ એકડો કાઢી નાંખ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્ધારા એક મિલીયન ટ્રીનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેકટ કેટલો સફળ રહેશે તે તો આવનારો સમય જ બનાવશે. વૃક્ષારોપણના રાજ્ય સરકારના કાર્યક્રમમાં હવે ગુજરાત પોલીસને પણ જોડી દેવામાં આવી છે. પોલીસ કચેરીઓ ખાતે ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવવા માટે ઉચ્ચ અધિકારીઓ તાબાના અધિકારીઓને આદેશ આપી રહ્યા છે. શહેર પોલીસ પણ વૃક્ષોરોપણના કાર્યક્ર્મમાં જોડાઈ ગઈ છે. નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનની 100 મીટરની ખુલ્લી જગ્યામાં 400થી વધુ વૃક્ષો જાપાનની મીયાવાકી પદ્ધતિથી ઉછેરવામાં આવશે.

આઈપીએસના પ્રવેશ માટે અલાયદી સીડી બનાવાશે

પોલીસ કમિશનર કચેરીની બાજુમાં ખાલી પડેલી જગ્યામાં લોખંડની ગડરો નાંખવામાં આવી રહી છે. લોખંડની ગડરો ફીટ કરવા માટે બે પરિપક્વ વૃક્ષોની ખો નિકળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કમિશનર ઓફિસમાં પ્રવેશવા માટેનો જે રૂટ અને સીડી છે તેનો ઉપયોગ સામાન્ય નાગરિક, કચેરીમાં કામ કરતા પોલીસ જવાન, પીઆઈ, પીએસઆઈ, કલાર્ક તેમજ સફાઈ કામદારો કરી રહ્યા છે. આઈપીએસ અધિકારીઓને પણ આ જ રૂટ તેમજ સીડી પરથી તેમની ઓફિસમાં જવું પડે છે. જેથી આઈપીએસ અધિકારીઓ માટે બિલ્ડીંગમાં અલાયદો પ્રવેશ બનાવવામાં આવી રહ્યો છે.

કોઈ મંજૂરી લેવાઈ નથીઃ બગીચા ખાતુ

સરકારી, બિન સરકારી કે પછી જાહેર સ્થળ ઉપર વૃક્ષ કાપવું હોય તો તેના કારણ સાથે અમપાના બગીચા ખાતામાં અરજી કરીને મંજૂરી મેળવવાની હોય છે. કાયદાની રક્ષક ગણાતી પોલીસ એમાંય પોલીસ કમિશનરની ઓફિસમાં જ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના બે વૃક્ષોને તાજેતરમાં આડેધડ કાપી દેવાયા છે. બિલ્ડીંગ એક્સટેન્શન માટે જો યોગ્ય પ્લાનીંગ કરાયું હોત અને કોન્ટ્રાકટરના ભરોસે કામગીરી છોડી દેવાઈ ના હોત તો પાછળના ભાગે આવેલું એક વૃક્ષ જરૂરથી બચી જાત.

ગ્રીન ગુજરાતની સુફિયાણી વાતો

એકબાજુ પોલીસ કમિશનરની કચેરીમાં જ બે વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા વૃક્ષારોપણ માટે સુફિયાણી વાતો કરતાં અટકતાં નથી. આજે બોડકદેવ પોલીસ સ્ટેશનનાં નવા મકાનમાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજાએ એવું કહ્યું કે, આ વર્ષે અંદાજે બે લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અને કેન્દ્રીય ગૃહપ્રધાન તેમ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ પોતે 108 જેટલાં વૃક્ષો રોપ્યાં છે. ત્યારે આપણા સૌની ફરજ છે કે બને એટલાં વૃક્ષોનું વાવેતર કરીને આપણાં પર્યાવરણનું જતન કરવું જોઈએ. પરંતુ ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા ભૂલી ગયાં કે, તેમનાં જ વિભાગનાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીમાં સીસીટીવી કંટ્રોલ રૂમ અને હથિયારી પોલીસના આવાસ માટે બે મોટાં વૃક્ષોને કાપી કાઢવામાં આવ્યા છે ત્યારે આ સુફિયાણી વાતો તેમનાં વિભાગનાં જ અધિકારીઓ કેમ નથી સાંભળતા એ એક યક્ષ પ્રશ્ન છે.[:]