[:gj]કાશ્મીર ધીરે ધીરે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ રહ્યું છે અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે : માંડવીયા[:]

[:gj]અમદાવાદ, તા.૨૨
કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આજે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ‘જમ્મુ અને કાશ્મીરમાં વેપારની તકો’ પર મહાજનોના એક સંમેલનને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કલમ 370 ના પ્રાવધાનો હટાવાયા તેને લગભગ એક મહિનોથી વધુ સમય પસાર થયો છે, પરંતુ કાશ્મીરમાં એક પણ ગોળી ચલાવવી પડી નથી. કાશ્મીર ધીરે-ધીરે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ રહ્યું છે. જેના કારણે કાશ્મીરમાં મોટા પ્રમાણમાં રોજગાર સર્જન થશે, વેપાર અને ઉદ્યોગની તકો સર્જાશે. કાશ્મીર વિકાસને માર્ગે આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીર અને લદાખ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના છે. કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણમાં હોવાને કારણે હવે સુરક્ષાની દ્રષ્ટિએ પણ અસરકારક વ્યવસ્થા ઉભી કરી શકાશે.

કાશ્મીરમાં ઉદ્યોગની તકો વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, ભારત વેપાર માટે દુનિયાના દેશોને આકર્ષતું રાષ્ટ્ર છે. કેમ કે ભારતમાં પારદર્શક લોકશાહી છે, ભરોસાપાત્ર ન્યાયતંત્ર છે. પુષ્કળ પ્રમાણમાં મેનપાવર છે, બ્રેઈન પાવર છે તથા વિશ્વને ભારત પર ભરોસો છે કેમ કે ભારત એક બિનજોડાણવાદી દેશ છે.

માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશમાં જીએસટીનું અમલીકરણ કરવું અઘરું હતું, પરંતુ કરવું ખૂબ જરૂરી હતું અને તેથી જ મોદી સરકારે તેનું અમલીકરણ કરી બતાવ્યું. શુક્રવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગ જગતને પ્રોત્સાહન માટે કરેલી જાહેરાતો વિશે બોલતા માંડવિયાએ જણાવ્યું હતું કે, હવે દુનિયામાં ભારત કંપનીઓ પર સૌથી ઓછો ડાયરેક્ટ ટેક્સ લગાવતો દેશ બની ગયો છે. તેમણે જણાવ્યું કે આ પગલાઓને કારણે આગામી 10 વર્ષમાં ભારતમાં તેજીનો ગ્રાફ સતત આગળ વધતો રહેશે.

આ પ્રસંગે જીસીસીઆઈ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં તેમની ઓફિસ ખોલવા માટે કેન્દ્રીય મંત્રીને સૂચન કરાયું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે તેઓ જીસીસીઆઈના આ સૂચનને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરશે.

 [:]