[:gj]કોર્પોરેશનની બેદરકારીથી અમદાવાદમાં વકરતો મચ્છરજન્ય રોગચાળો[:]

[:gj]અમદાવાદ,તા:૧૮ અમદાવાદને કહેવા પૂરતો સ્માર્ટસિટીનો દરજ્જો ચોક્કસ મળી ગયો છે, પરંતુ સ્થિતિ જોતાં જંગલ સિટી જેવા હાલ છે. અમદાવાદ શહેરમાં ચોખ્ખાઈનો અભાવ, પાણી ભરાઈ રહેલા ખબબદતા ખાડા અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાના આંકડામાં પણ ભારે વધારો નોંધાયો છે.

શહેરમાંથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં વધારો થતાં શહેરમાં આ અંગે બૂમરાણ મચી હતી, અને સ્થાનિકોએ તાત્કાલિક મચ્છરજન્ય રોગચાળાને ડામવા ફોગિંગ અને દવા છાંટવાની માગ કરી હતી, જે બાદ અમપાના કર્મચારીઓ અને અધિકારીઓ સફાળા જાગ્યા હતા.

કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે ફોગિંગ કરવા સહિત આઈઆર સ્પ્રે મારવા અને પાણીની ટાંકીઓમાં દવા નાખવાનું કામ કરવામાં આવે છે, પરંતુ આ વખતે આ કામ યોગ્ય રીતે થઈ રહ્યું નથી, કારણ કે કોર્પોરેશન દ્વારા મેલેરિયા વર્કર્સની ભરતી જ કરવામાં આવી નથી. આ સ્થિતિ અંગે મ્યુનિ. કમિશનર અને શાસક પક્ષે આંખ આડા કાન કરી રહ્યા છે.

ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવે છે. આ પ્રિમોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત રોગચાળાને નિયંત્રણમાં લેવા દવા અને ઓઈલની ખરીદી અને મેલેરિયા વર્કર્સની ભરતી પણ સામેલ હોય છે. જો કે આ પ્રક્રિયાથી કેટલાક લોકોને લાભ થતો હોવાથી એક્શન પ્લાનમાં કોઈ કાપ મુકાતો નથી. જો કે આ વખતે મેલેરિયા વર્કર્સની ભરતી ન કરી વોલેન્ટિયર્સને લેવામાં આવ્યા છે, જેમાં થતા ખર્ચ પાછળ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. મ્યુનિ. કમિશનરે મેલેરિયા વર્કર્સના સ્થાને ભરતી કરેલા વોલેન્ટિયર્સને તેમના ત્રણથી ચાર કલાકના કામ માટે મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે. એમાં પણ ગત વર્ષ સુધી આવા વોલેન્ટિયર્સને માત્ર રૂ.50 જ અપાતા હતા, જ્યારે પોલિયો ટ્રેનિંગ દરમિયાન માત્ર 10 રૂપિયા જ આપવામાં આવ્યા છે, જેની સામે મેલેરિયા વોલેન્ટિયર્સને ચાર કલાકના કામ માટે રૂ.500 આપવાનું નક્કી થતાં અનેક શંકા-કુશંકાઓ થવી સ્વાભાવિક છે.

ચોમાસા પહેલાં જ મેલેરિયા ખાતાએ બે વખત 350 મેલેરિયા વર્કર્સને દૈનિક રૂ.310ના પગારથી હંગામી ધોરણે લેવા દરખાસ્ત મૂકી હતી, જે અંગે કોઈ જ નિર્ણય કરાયો નહોતો. જો કે ત્યારબાદ 350 વર્કર્સમાં ઘટાડો કરી 200ને લેવા લીલીઝંડી આપી કોર્પોરેશનની તિજોરી પરનું ભારણ ઘટાડ્યું હોવાનો સંતોષ માન્યો હતો. આવી જ રીકે આઈઆર સ્પ્રેની ખરીદીમાં પણ વિલંબ થયો હતો, જો કે તેમાં આર્થિક ફાયદો થયો છે. જો કે પ્રિમોન્સૂન કામગીરીમાં જરૂરી એવા મેલેરિયા વર્કર્સની ભરતી ન કરતાં કોર્પોરેશનની તિજોરી અને નાગરિકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન થયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.[:]