[:gj]કોલેજની છાત્રાઓની પજવણી કરતા ટપોરીઓનો બિહામણો ચહેરો, 3 યુવકોના 2 વીડિયો વાઈરલ[:]

[:gj]ડીસા, તા.૧૬
શહેરની કોલેજ પાસે વિદ્યાર્થિનીઓને ડરાવતા હોય તેવા જુદા જુદા 2 વીડિયો હાલ ચર્ચામાં છે. જે ખાસ્સા એવા વાઇરલ થયા છે. ટિકટોક ઘેલા 3 યુવાનોએ સોમવારે મોંઢા પર વેમ્પાયર જેવા દેખાતા હોય તેવો મેકઅપ કર્યો અને જુદા જુદા બે વીડિયો બનાવ્યા હતા. જેમાં મજાક મસ્તીની સાથે વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયોમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય યુવાનોએ ડીસાના બગીચા સર્કલ પર વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવકોએ જમાના જલેગા હમ ઔર જલાયેંગે હમારે બહોત પહેલે દુશ્મન થે હમ બહોત બનાયેંગેના સંવાદો સાથે ડબિંગ સાથે અપલોડ કરી દીધા હતા. બીજો વીડિયો કોલેજના દીવાલ પાસે બનાવવામાં આવ્યો છે. જેમાં કોલેજિયન છાત્રોએ કોલેજ જતી વિદ્યાર્થિનીઓને ડરાવી રહ્યા છે. આ મામલો સામે આવતાં જ સામાજિક સંગઠનો અને જાગૃત વાલીઓ કોલેજમાં તથા પોલીસ મથકે દોડી ગયા હતા અને આ અંગે રજૂઆત કરી વિદ્યાર્થિનીઓના સુરક્ષા અંગે સવાલો કર્યા હતા. બાદમાં મોડી સાંજે વીડિયોમાં દેખાતા યુવાનોને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા.

સુરક્ષા વધારવા કોલેજ વહીવટી તંત્રને રજૂઆત કરી છે. વાલીમંડળના મંત્રી મહેન્દ્રભાઈ માળીએ જણાવ્યું હતું કે, ડીસા કોલેજ આગળ વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયો વાઇરલ થયા છે. બે હજાર કરતાં વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. ત્યારે આવા વીડિયોને ચોવીસ કલાક વીતવા છતાં કોલેજ દ્વારા ફરિયાદ કરાઇ નથી. અમે કોલેજમાં આવેદનપત્ર આપ્યું છે. જો આગામી સમયમાં સુરક્ષા નહીં વધારવામાં આવે તો અમે અમારી વિદ્યાર્થિનીઓને કોલેજમાંથી ઉઠાડી દઈશું.

ટિકટોક વીડિયોમાં શું છે

જમાના જલેગા હમ ઔર જલાયેંગે, હમારે બહોત પહેલે દુશ્મન થે, હમ બહોત બનાયેંગે…,

શકના આધારે ચારની અટકાયત કરી છે, ડીસા દક્ષિણ પોલીસ મથકના પીએસઆઈ એલ.જે.વાળાએ જણાવ્યું હતું કે, કોલેજની વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયો વાઇરલ થયા બાદ તપાસ હાથ ધરી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે શંકાના આધારે ચાર યુવકોની પૂછપરછ કરી તપાસ ચલાવી રહ્યા છીએ.

અમારી કોલેજના હશે તો પગલાં લઇશું

પોલીસને જાણ કરી છે, અમારી કોલેજના હશે તો પગલાં લઇશું, ડીસા કોલેજ પ્રિન્સિપાલના વંદનાબેન સિસોદિયાએ જણાવ્યું હતું કે, જાહેર રસ્તા પર કોઈને ડરાવવું ધમકાવવું તે વખોડવા જેવી બાબત છે. અમને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટના અંગે જાણ થઈ છે. આ અંગે અમે પોલીસને જાણ કરી છે. સમગ્ર ઘટનામાં વીડિયો વાઇરલ કરતાં છોકરાઓની ઓળખ થઈ નથી. જો આ કોલેજના વિદ્યાર્થીઓ હશે તો તેમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરીશું.

[:]