[:gj]ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી?, દારુના વેચાણ અંગે એસપીને પત્ર લખો..!!! [:]

[:gj]ગાંધીનગર,તા.13

ગુજરાતમાં શિક્ષણનો દાટ વળી ગયો છે. એક સ્કૂલ સંકુલમાં વિદ્યાર્થીઓને જ્યારે એવો પ્રશ્ન પૂછાયો કે ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી. આ સવાલના કારણે રાજ્યના શિક્ષણતંત્રની આબરૂના ધજાગરા ઉડ્યાં છે. આ સંકુલે બીજો વિવાદાસ્પદ પ્રશ્ન દારૂબંધીનો પૂછ્યો હતો. આ બન્ને સવાલોના કારણે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓને આંચકો લાગ્યો છે.

દારુના વેચાણ અંગે એસપીને પત્ર લખો!

ગાંધીનગરની સુફલામ શાળા વિકાસ સંકુલના બેનર હેઠળ સરકારી ગ્રાન્ટ લેતી સ્કૂલોની આંતરિક મૂલ્યાંકનની પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિવાદાસ્પદ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ધોરણ-12ના વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે – તેમણે જિલ્લા પોલીસ વડાને પત્ર લખવાનો છે અને કહેવાનું છે કે દારૂના વેચાણમાં વધારો થઇ રહ્યો છે અને બુટલેગરોનો ઉપદ્રવ વધી ગયો છે. – આ પ્રશ્ન વિવાદાસ્પદ છે પરંતુ ઠીક છે.

શિક્ષણમંત્રી ચુપ કેમ? જવાબદારો સામે પગલા કયારે?

આ પ્રશ્ન કરતાં કંઇક વિચિત્ર પ્રશ્ન ધોરણ-9ના બાળકોને પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી. અહીં ફાલતું શિક્ષણની હદ શરૂ થાય છે. સરકારી ગ્રાન્ટ લેતી સ્કૂલોના સંકુલમાં આંતરિક પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યાં છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચૂપ છે. સરકારી ગ્રાન્ટ પર ચાલતી શિક્ષણની હાટડીઓના શિક્ષણની આ શરમ છે. પરીક્ષા ભલે આંતરિક હોય પરંતુ આવા પ્રશ્નોથી વિદ્યાર્થીઓ મૂંઝાય છે. જે શિક્ષકે આવા પ્રશ્નો પૂછ્યા છે તેમની સામે તપાસ કરીને પગલાં લેવાવા જોઇએ.

ભાવિ પેઢીને નુકશાન

સુજલામ શાળા વિકાસ સંકુલ એક નહીં અનેક સ્કૂલો ધરાવે છે. ધોરણની આખરી પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ માટે આંતરિક પરીક્ષાનું આયોજન કરે છે. જો આવા શિક્ષકો પેપર સેટ કરતાં હોય તો તે ગુજરાતની ભાવિ પેઢીને વધારે નુકશાન કરી રહ્યાં છે. આ શિક્ષકોને એટલી પણ ખબર નથી કે ગાંધીજીએ આત્મહત્યા કરી ન હતી પરંતુ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. સરકારી અનુદાન લેતી સ્કૂલો માટે આ શરમજનક કૃત્ય છે. એટલું જ નહીં આપત્તિજનક પણ કહી શકાય તેમ છે. સરકારે તાત્કાલિક અસરથી આ સ્કૂલોના સંકુલને તાળા મારી દેવા જોઇએ કેમકે તેઓ ભાવિ પેઢી સાથે અન્યાય કરી રહ્યાં છે.

આ શાળાઓને શિક્ષણ વિભાગ સાથે કોઈ લેવાદેવા નહી: જિલ્લા શિક્ષણાધિકારી

ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેરે આ વિવાદ અંગે કહ્યું હતું કે અમે આ વિષયે તપાસ શરૂ કરી છે. રિપોર્ટ આવશે ત્યારે આ શિક્ષણ સંકુલ સામે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ સ્કૂલોના મેનેજમેન્ટ દ્વારા પ્રશ્નપત્ર તેમના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. આ સ્કૂલો સુફલામ શાળા વિકાસ સંકુલના બેનર હેઠળ ચલાવવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ સાથે તેને કોઇ લેવાદેવા નથી. રાજ્યના એક જિલ્લાના શિક્ષણાધિકારી એમ કહે કે સરકારના શિક્ષણ વિભાગને કોઇ લેવાદેવા નથી, ત્યારે વધારે હદ થાય છે, કેમ કે આ સંકુલ સરકારી ગ્રાન્ટ પર નભે છે. શિક્ષકોના પગાર સરકારી તિજોરીમાંથી થાય છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ શિક્ષકોના આવા જ્ઞાન સામે પગલાં ભરવા જોઇએ તેવું બાળકોના વાલીઓ કહે છે.

 [:]