[:gj]ગુજરાતમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો કોઇપણ કેપેસિટીનો સોલાર પ્રોજેકટ કરી શકશે[:]

[:gj]ગાંધીનગર,તા.19 ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) સોલાર પ્રોજેક્ટ માટે ઇન્ટોલેશનના મંજૂર લોડના 100 ટકા કે તેથી વધુ કેપેસિટીનો પ્રોજેક્ટ સ્થાપી શકશે, કેમ કે રાજ્ય સરકારે 50 ટકા કેપેસિટીની મર્યાદાને રદ કરી દીધી છે

સોલારના વીજ વપરાશ માટે આ સેક્ટરમાં હાલ ચૂકવવા પડતા પ્રતિ યુનિટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80 રૂપિયાનો ફાયદો થશે. રાજ્યના કોઇપણ નાના એટલે કે 10 કરોડ અને તેથી ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો થર્ડ પાર્ટી કે અન્ય વ્યક્તિ પાસેથી પણ સોલાર એનર્જી ખરીદી શકશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી પોલિસીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યના 33 લાખથી વધારે નાના એકમો સૌર ઉત્પાદન માટે પ્રેરિત કરી પ્રદૂષણ મુક્ત સ્વચ્છ ઉર્જા પેદા કરી શકશે.

રાજ્ય સરકારે સૌર ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા 2015માં સોલાર પોલિસી જાહેર કહી હતી, તેનો વ્યાપ વધારીને તેમજ જરૂરી બદલાવ સાથે MSME એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે.

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સૌર ઊર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના પ૦ ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના ૧૦૦ ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને 8 રૂપિયા જેટલી રકમ આપે છે તે સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે 3 રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે.એટલે કે જે MSME એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો 3.80 રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો 2.75 રૂપિયા જેટલો ફાયદો થશે. આ નિર્ણયની વિશેષતા એ છે કે MSME એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી – સૂર્યઊર્જા ખરીદ કરી શકશે.

જો MSME એકમો પોતાના સ્વવપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની 1.75 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે ખરીદશે. સૌરભ પટેલે કહ્યું હતું કે ગુજરાત સોલાર રૂફ ટોપમાં આઠ લાખ ઘરોને આવરી લેવાનું લક્ષ્ય 2022 સુધીમાં પૂર્ણ કરવા સજ્જ છે. રાજ્યમાં 35000 મેગાવોટ વીજળી સૌર ઉર્જાથી પેદા કરવાનું લક્ષ્ય રાખી રહી છે.

 [:]