[:gj]ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ્રધાનપદનો મોભો[:]

[:gj]ગાંધીનગર, તા.15

ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે.

કહેવાય છે કે ઓછું ભણેલા હોવ તો તમારે માટે રાજકારણના દરવાજા ખુલ્લા છે. કોઇપણ પાર્ટીમાં એક્ટિવ થઇ જાવ અને દસ વર્ષ દિલ દઇને કામ કરો, તમારા સ્ટેપીંગ સ્ટેપનો ઉપયોગ કરીને તમે ઊંચા સ્થાને બેસી જાવ, તમારો સૂર્ય મધ્યાહ્ને તપશે. 1995 થી 2000ના અરસામાં કેશુભાઇ પટેલ એટલા માટે મુખ્યપ્રધાન બની ગયા કે તેઓ ઓછું ભણેલા હતા પરંતુ તેમની કોઠાસૂઝ ગજબની હતી. મોદી માટે સ્ટેપીંગ સ્ટેપ લાલકૃષ્ણ અડવાણી હતા પરંતુ રાજકારણમાં આજે તેમની હાલત ખરાબ છે.

ડીગ્રીનું મહત્વ હોત તો જયનારાયણ-સૌરભભાઈ મુખ્યપ્રધાન હોત

રાજનીતિમાં ડીગ્રીને જો મહત્વ મળ્યું હોત તો જયનારાયણ વ્યાસ આજે ગુજરાતના મુખ્યપ્રધાન હોત અને સૌરભ પટેલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પદ શોભાવતા હોત. એવી જ રીતે કોંગ્રેસમાં પણ શક્તિસિંહ ગોહિલ અને સિર્ધાર્થ પટેલ મુખ્યપ્રધાન થઇ શક્યા હોત. હકીકતમાં જેમની કોઠાસૂઝ ઉત્તમ છે તેઓ રાજકારણમાં આગળ આવે છે. 1990 થી 2000ના સમયમાં નરેન્દ્ર મોદી માત્ર સંગઠન પૂરતા સિમિત નેતા હતા, તેઓ 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન થયા પછી લોકપ્રિય બન્યા છે. મુખ્યપ્રધાન બનવા માટે તેમણે કેટલા નેતાઓના ખભા પર ઊભા રહીને આ સર્વોચ્ચ પદ હાંસલ કર્યું છે તેનું સાક્ષી ગુજરાત ભાજપ છે.

મોદી વડાપ્રધાન બનતા અમિત શાહ પાવરફૂલ બન્યા

ભાજપના બીજા કદાવર નેતા કે જેમને રાજનીતિમાં સામ, દામ, દંડ અને ભેદના જ્ઞાતા કહેવામાં આવે છે તેવા અમિત શાહને 2010 પહેલાં રાષ્ટ્રીય ફલક પર કોઇ જાણતું ન હતું પરંતુ મોદી વડાપ્રધાન થયા તે પછી તેમની કારકિર્દીનો વિકાસ થયો છે. આજે તેઓ દેશમાં બીજાક્રમના પાવરફુલ નેતા બની ગયા છે. તેમણે પણ તેમના હરીફોને પાછળ રાખવા અનેક યુક્તિઓ અજમાવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કેન્દ્રમાં વડાપ્રધાન કદી બની ન શકે, કારણ કે તેમને મોદી અને અમિત શાહ જેવી રાજકીય ફાવટ નથી.

બૌધિકો ટોક-શો, પેનલ ડિસ્કશન પૂરતા મર્યાદિત

કોંગ્રેસની જેમ ભાજપમાં પણ બૌધિકોની મોટી ફોજ છે. આ લોકો ટોક-શો કે પેનલ ડિસ્કશનમાં કામ લાગે છે સક્રિય રાજકારણમાં તેમનું કામ નથી. હા, બુદ્ધિજીવીઓને સરકાર કે સંગઠનમાં સલાહકાર બનાવી દેવામાં આવે તો સરકાર કે પાર્ટીને ચાર ચાંદ લાગી શકે છે પરંતુ તેવું કોઇને કરવું નથી.

કોંગ્રેસના યુવા નેતાઓમાં કોઠા સુઝનો અભાવ

 

 

 

 

 

ગુજરાત કોંગ્રેસમાં હાઇકમાન્ડે યુવા નેતાઓના હાથમાં કમાન સોંપી છે, તેઓ ભણેલા છે પરંતુ કોઠાસૂઝ નથી, પરિણામે તમામ ચૂંટણીમાં કોંગ્રેસે ગુમાવ્યું છે. સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ અભ્યાસુ છે તેમને દૂર કરવાની જગ્યાએ રાહુલ ગાંધીએ તેમના અનુભવ અને કોઠાસૂઝનો પાર્ટી સંગઠનમાં વધુમાં વધુ ઉપયોગ કર્યો હોત તો આજે જે ખરાબ પરિણામ આવ્યા છે તેવા પરિણામ આવ્યા ન હોત. કોંગ્રેસને માધવસિંહ સોલંકી પાસેથી પણ ગાઇડન્સ મળી શકે છે, પરંતુ હાલના નેતાઓને માધવસિંહ રાજકીય રીતે અનફીટ લાગ્યા છે. ભાજપમાં પણ હવે તો કેશુભાઇ પટેલ અનફીટ નેતા બન્યા છે.

વધુ આત્મવિશ્વાસમાં શંકરસિંહ ફેંકાઈ ગયા

 

કોંગ્રેસમાં અડાલજના નેતા હિમાંશુ પટેલ અને ગાંધીનગરના નેતા નિશિત વ્યાસ ક્યારેય રાજનીતિમાં સફળ થયા નથી, કેમ કે તેમને રાજકારણ રમતાં આવડતું નથી. ભાજપમાં પણ જયનારાયણ વ્યાસને રાજકારણ રમતાં આવડતું નથી. ભાજપમાં ખાડે ગયેલા નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા 10 ચહેરા પાર્ટીમાં ખૂણો પાળી રહ્યા છે, કેમ કે તેમના ગોડફાધર નથી. તેઓને રાજકારણ રમતાં આવડતું નથી. 1995માં ભાજપની ફોજમાં જે ટોળી સામેલ હતી તે આજે ક્યાં છે તેની કોઇને ખબર નથી. આ ટોળી વેરવિખેર બની ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસના નેતા રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા પણ વધારે પડતા આત્મવિશ્વાસમાં પાર્ટીઓ માટે અળખામણા બની ચૂક્યાં છે.

[:]