[:gj]ગુજરાત ગેસઃ મધ્યમ ગાળા માટે રોકાણ કરવા જેવો મજબૂત શેર[:]

[:gj]અમદાવાદ,તા:૨૫

ગુજરાતની કંપની ગુજરાત ગેસ લિમિટેડના શેરનો ભાવ ખાસ્સો વધે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી હોવાથી તેમાં રોકાણ કરવા જેવું છે. ગુજરાતના 33માંથી 23 જિલ્લાઓમાં તેનું ગેસ વિતરણનું એટલે કે પીએનજી અને સીએનજીનું નેટવર્ક છે. ગુજરાત સરકારે ગુજરાતમાં પ્રદુષણ ઓછું કરવા માટે વધુ 300 સીએનજી પમ્પ ચાલુ કરવાની કરેલી જાહેરાતનો એડવાન્ટે જ પણ કંપનીને મળશે. કંપની પાસે આજે પણ 344 સીએનજી સ્ટેશન્સનું નેટવર્ક મોજૂદ છે. કંપનીના શેરનો વર્તમાન બજાર ભાવ રૂા. 175.70 અને 175.90નો જોવા મળી રહ્યો છે. છેલ્લા બાવન સપ્તાહમાં રૂા.2ની ફેસ વેલ્યુના શેરના ભાવમાં જોવા મળેલી વધઘટની વાત કરવામાં આવે તો શેરના ભાવે રૂા. 194.45નું મથાળું અને રૂા. 115નું તળિયું જોયું છે. હવે શેરનો ભાવ રૂા.195નું મથાળું બતાવી શકે છે, એમ સ્ટોક એનાલિસ્ટ નિલય વ્યાસનું કહેવું છે.

કંપનીનો 7.69નો શેરદીઠ કમાણીને જોઈને તથા 22.87ના પ્રાઈસ અર્નિંગ રેશિયો જોઈને બજારના ઘણાં નિષ્ણાતો શેરનો ભાવ આગામી એક વર્ષમાં રૂા. 215થી 225ની રેજન્માં પહોંચી જવાની અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીના પ્રાઈસ અર્નિંગ રેશિયો કરતાં ઉદ્યોગનો એટલે કે ગેસ ઉદ્યોગનો પ્રાઈસ અર્નિંગ રેશિયો ઓછો એટલે કે 20.78નો છે. આમ સમગ્ર ઉદ્યોગના પરફોર્મન્સ કરતાં કંપનીનું પરફોર્મન્સ સારુ હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. કંપનીનો ઊંચો પીઈ રેશિયો કંપની આગામી મહિનાઓમાં સારી કમાણી કરશે તેવા નિર્દેશો આપે છે.

કેન્દ્ર શાસિત દાદરા અને નગર હવેલી તથા સૌથી મોટા જિલ્લાઓમાંના એક થાણે ભૌગોલિક વિસ્તારમાં પણ કંપનીનું ગેસ વિતરણનું નેટવર્ક ઘણું જ મોટું છે. ગુજરાતને અડીને આવેલા પાલઘર જિલ્લામાં પણ તેનું નેટવર્ક છે.   દેશમાં ગેસ વિતરણના નેટવર્ક અને તેના પ્લેયર્સને મોનિટર કરતી સંસ્થા પીએનજીઆરબીએ ગેસના વિતરણ માટેના એરિયા ફાળવવા માટે મંગાવેલા બિડિંગમાં કંપનીને પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના 17 શહેરમાં સીએનજી અને પીએનજીનું નેટરવર્ક ઊભું કરવા માટેના અધિકારો મળ્યા છે. કંપની પાસે 23,600 કિલોમીટરનું ગેસપાઈપલાઈનનું નેટવર્ક છે. ગુજરાતના રહેઠાણમાં પીએનજી વાપરતા 13.55 લાખ કસ્ટમર્સ તેની પાસે છે. રોજના 2 લાખથી વધુ સીએનજી વાહનોને તે સીએનજી પૂરો પાડે છે. તેની પાસે 3540 જેટલા ઔદ્યોગિક કસ્ટમર્સ પણ છે. કંપની પાસે 12,750 કોમર્શિયલ કસ્ટમર્સ છે.

ગુજરાત ગેસ પાસે આઈએસઓ 9001ઃ2015નું વિશ્વનું સૌથી વધુ માન્યતા ધરાવતું મેનેજમેન્ટનું પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્ર મેસર્સ ડીએનજી વીએલ દ્વાર મે 2018માં એનાયત કરવામાં આવેલું છે. અગાઉ જીએસપીસી-ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન તરીકે ઓળખાતી કંપની હવે ગુજરાત ગેસ તરીકે ઓળખાય છે. તાજેતરમાં જ કંપની 6.2 એમએમએસસીએમડી ગેસના જથ્થાના વેચાણના સર્વોચ્ચ માર્કને આંબી ગઈ છે.

કંપની ગુજરાતના સાણંદ સહિતના વિસ્તારોમાં વિસ્તરણ કરી રહી છે. તેમાં અદાણી ગેસ સાથે કેટલાક વિવાદો પણ ચાલુ છે. પરંતું તે ઘણાં નવા વિસ્તારોમાં પ્રવેશ કરી રહી છે. વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારોમાં કંપનીનો સારો હોલ્ડ છે. કંપનીના કામકાજ વધતા તેની આવક અને નફામાં વધારો થશે. પાવર સેક્ટર માટે ગેસ ઉપલબ્ધ થઈ જાય તો કંપનીના ગણિતોમાં ધરમૂળથી પરિવર્તન આવી જવાની સંભાવના રહેલી છે. અત્યારે ગુજરાતની ઘણી કંપનીઓના પાવર પ્લાન્ટ ગેસના સપ્લાયના અભાવે પૂર્ણક્ષમતાએ કામ કરી શકતા નથી. આ સપ્લાય ચાલુ થઈ જશે અને યોગ્ય ભાવે પાવર કંપનીઓને ગેસ મળતો થઈ જશે તો તેનાથી ગુજરાતની અને ભારતની પોલ્યુશનની સમસ્યા હળવી થશે. તેમ જ કંપનીઓના કામકાજ વધશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગત માર્ચ મહિનામાં મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં કોલ ગેસિફાયરનો ઉપયોગ કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટેના આ પગલાનો લાભ ગુજરાત ગેસને મળશે. મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ગેસના સપ્લાયની જવાબદારી ગુજરાત ગેસને શિરે છે. કંપનીના કુલ ઔદ્યોગિક વેચાણનો 70 ટકા હિસ્સો મોરબીના વેચાણનો છે. તેમાં વધારો થવાની ધારણા છે.  ઉપલબ્ધ આંકડાઓ મુજબ કંપનીના ગેસના વેચાણમાં વાર્ષિક ધોરણે અંદાજે 40થી 45 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગેસના હાજર બજારમાં ભાવ એકથી દોઢ ટકો ઘટ્યા છે. તેનાથી કંપનીના નફામાં 8થી 10 ટકાનો વધારો થઈ શકે છે. કંપનીની વેરા પૂર્વેની આવકમાં છેલ્લા વર્ષમાં 32 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમ જ ત્રિમાસિક ધોરણે આ વધારે 27થી 30 ટકાની આસપાસનો છે. કંપની તેના બિઝનેસનો વ્યાપ વધારાવા સક્રિય છે. નવા એરિયાના ટેન્ડરની તેને ફાળવણી થઈ તે પણ કંપનીના પ્રયાસોનું જ પરિણામ છે.

તેથી કંપનીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચ 2019ના અંતે કંપનીની કુલ આવક રૂા. 7865.7 કરોડની રહી છે. તેમાં તેનો ચોખ્ખો નફો રૂા. 417 કરોડનો રહ્યો છે. માર્ચ 2018ના અંતે કંપનીની આવક રૂા.6210 કરોડની અને ચોખ્ખો નફો 291.4 કરોડનો રહ્યો હતો. તેવી જ રીતે માર્ચ 2017ના અંતે કંપનીની કુલ આવક રૂા.5118.9 કરોડની અને ચોખ્ખો નફો રૂા.219.5 કરોડનો રહ્યો છે. આમ છેલ્લા બે વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો 85થી 90  ટકા જેટલો વધી ગયો છે. ગુજરાત ગેસ લિમિટેડના વોલ્યુમમાં ત્રિમાસિક ધોરણે 42.4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તેમ જ ઔદ્યોગિક વેચાણમાં ત્રિમાસિક ધોરણે 67.7 ટકાનો વધારો જોવા મળ્યો છે.

એલએનજીના હાજરના ભાવમાં ઘટાડો જોવા મળતા સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં તેનો નફો રૂા.7.59થી વધીને રૂા.7.95 થઈ ગયો છે. સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ વેરા પૂર્વેની આવક રૂા.5.6ની થાય છે. 2018-19ના નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં આ આવક અંદાજે રૂા.4.3ની હતી. તેથી કંપનીના યુનિટદીઠ નફામાં ખાસ્સો સુધારો જોવા મળે તેવી સંભાવના છે. કંપની નફો ઘટાડીને વોલ્યુમ વધારવાના વ્યૂહનો પણ આશરો લઈ શકે છે. તેમ કરવાથી તેનું વોલ્યુમ ખાસ્સું વધી જતાં તેનો નફો ઉપર જઈ શકે છે. આમ ઓછા માર્જિને વધુ ધંધો મેળવીને નફો વધારવાનો વ્યૂહ અપનાવે તેવી સંભાવના છે. હજીય ગુજરાતના વધુ એરિયા એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને પાઈપથી અપાતા નેચરલ ગેસના નેટવર્ક હેઠળ આવરી લેવાની કામગીરી ચાલી રહી છે. તેનો લાભ પણ કંપનીને મળશે.

છેલ્લા ચાર ત્રિમાસિક ગાળાથી કંપનીના પ્રમોટરનું હોલ્ડિંગ 60.89 ટકાની સપાટીએ કોન્સ્ટન્ટ રહ્યું છે. ફાઈનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂશન કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનું હોલ્ડિંગ ડિસેમ્બર 2018માં 14.03 ટકા હતું તે ધીમે ધીમે ત્યારબાદના ત્રણ ત્રિમાસિક ગાળામાં ઘટીને 13.94,, 12.79 અને 11.94 થયું છે.બીજી તરપ ડીઆઆઈનું હોલ્ડિંગ આ ગાળામાં 19.78 ટકાથી વધીને 21.91 ટકાની સપાટીએ પહોંચ્યું છે. તેવી જ રીતે આ ચાર ત્રિમાસિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડોનું હોલ્ડિંગ 2.32 ટકાથી વધીને 4.41 ટકા સુધી પહોંચી ગયું છે. આમ ડીઆઈઆઈ અને મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ વધી રહ્યું છે.

ટેકનિકલ એનાલિસ્ટ નિલય વ્યાસનું કહેવું છે કે અત્યારે બજાર પર મંદીનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે રૂા.175.90ના ભાવે વેચાતો કંપનીનો શેર કાલે ડેઈલી ચાર્ટ પ્રમાણે ઊંચો ખુલવાની સંભાવના છે. ભાવ રૂા.160થી 163ની રેન્જમાં ખુલી શકે છે. આ સ્થિતિમાં વર્તમાન બજાર ભાવે તેમાંં લેવાલી કરી શકાય છે. સમગ્રતયા શેરના ભાવમા પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. દરેક ઘટાડે તેમાં લેવાલી કરીને રોકાણકાર તેની એવરેજ પરચેઝ કોસ્ટ નીચે લાવીને તેમાં ધીમી લેવાલી કરી શકે છે. આગામી એક વર્ષને અંતે તેમાં નફો સારો છૂટી શકે છે.[:]