[:gj]ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડોની સીઝન[:]

[:gj]

  • ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ
  • યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ
  • ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓના સગાં-સંબંધીઓને પણ જોબ ટ્રેઇની તરીકે ગોઠવી દેવાયા
  • યુનિવર્સિટીનુ કદ ઘટે તેમ કર્મચારીઓની સંખ્યા ઘટવાના બદલે કદ ઘટયુ તેમ કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી કરી દેવામાં આવી
  • કુલપતિ પોતાની સામે વિરોધ ન થાય તે માટે ભાજપ-કોંગ્રેસના સિન્ડીકેટ-સેનેટ સભ્યો કહે તેને જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં ગોઠવી દેવાનુ શરૂ કરતાં જોબ ટ્રેઇની સંખ્યા ત્રણ ગણી થઇ
  • પૂર્વ કુલપતિના સમયે 100ની અંદર જોબ ટ્રેઇની હતા તે હવે વધીને 370 સુધી પહોંચી ગયા હજુપણ દિવસે દિવસે જોબ ટ્રેઇનીની નિમણૂક ચાલુ છે
  • કામ ન હોવાછતાં લાગતાં-વળગતાંઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવી દેવાતાં યુનિવર્સિટીને મહિને અંદાજે 50 લાખનો ચુનો લાગી રહ્યો છે
  • કાયમી કર્મચારીઓથી ચાલતી યુનિવર્સિટીમાં હવે કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇની વધી ગયા

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી જોબ ટ્રેઇની ની નિયુક્તિ માટેનું મોટુ કૌભાંડ ચાલી રહ્યુ છે. ત્રણ વર્ષ પહેલા યુનિવર્સિટીના જુદા જુદી ડીપાર્ટમેન્ટમાં જોબ ટ્રેઇનીની માત્ર 30થી 40 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી હતી. હાલની સ્થિતિ એવી છે કે, યુનિવર્સિટીના જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં કાયમી કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇનીની સંખ્યા 370થી ઉપર પહોચી ગઇ છે. વર્ષે દહાડે આ જોબ ટ્રેઇની પાછળ 50 લાખ કરતાં વધુ રકમ પગાર પાછળ ચુકવવામાં આવે છે. સૌથી ગંભીર બાબત એ છે કે દિવસે દિવસે કામ ઓછુ થતુ જાય છે અને જોબ ટ્રેઇનીની સંખ્યાઓ સતત વધતી જાય છે. યુનિવર્સિટીમાં હાલમાં જોબ ટ્રેઇની કામ કરવા માટે નહી પણ લાગતાં-વળગતાંઓને નોકરીએ લગાવવા માટેની કામગીરી થઇ ચુકી છે. આ મુદ્દે કેટલાક કર્મચારીઓએ ગાંધીનગર સુધી ફરિયાદ કરી હોવાછતાં સરકારના પેટનુ પાણી પણ હલતુ નથી. સરકાર વહેલી તકે નહી જાગે તો યુનિવર્સિટીને આપવામા આવતી ગ્રાન્ટમાંથી મોટાભાગની રકમ સત્તાધીશો પોતાની ખુરશી બચાવવા માટે જોબ ટ્રેઇની જેવા કૌભાંડો પાછળ ખર્ચી નાંખશે તેવુ ખુદ યુનિવર્સિટીના કાયમી કર્મચારીઓ કહે છે.

યુનિવર્સિટીમાં જોબ ટ્રેઇની એટલે શુ ?

સામાન્ય રીતે કોઇપણ ડીપાર્ટમેન્ટમાં પુરતા કર્મચારીઓ ન હોય અને કામકાજ અટકી પડતુ હોય ત્યારે ડીપાર્ટમેન્ટા વડા કાયમી કર્મચારીઓની નિયુક્તિ માટે માંગણી કરતાં હોય છે. નિયમ પ્રમાણે કાયમી કર્મચારીની નિયુક્તિ થઇ શકે તેમ ન હોય તેવી સ્થિતિમાં સત્તાધીશો દ્વારા હંગામી ધોરણે કર્મચારીની નિયુક્તિ કરવાની મંજુરી આપવામાં આવે છે જેને જોબ ટ્રેઇની કહેવામાં આવે છે. જોબ ટ્રેઇની ની નિમણૂક કામ જલદી થાય તે માટે કરવામાં આવે છે. યુનિવર્સિટીમાં એક સમયે એકપણ જોબ ટ્રેઇની કામ કરતાં નહોતા. સૌથી પહેલા કુલપતિ પરિમલ ત્રિવેદીના સમયમાં જરૂરયાત હોય તેવા ડીપાર્ટમેન્ટમાં મહામહેનતે એક કે બે જોબ ટ્રેઇની ની નિમણૂક કરવામાં આવતી હતી. હાલની વાસ્તવિક્તા એ છે કે, દરેક ડીપાર્ટમેન્ટમાં મળીને 370 જેટલા જોબ ટ્રેઇની કામ કરી રહ્યા છે.

લાગતાં-વળગતાંઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવી દેવાનુ શરૂ કરાયુ

યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ એમ.એન.પટેલના કાર્યકાળ દરમિયાન ધીમે ધીમે જોબ ટ્રેઇનની નિયુક્તિની પ્રક્રિયા વધી હતી. કુલપતિ એમ.એન.પટેલ પોતે એવુ માનતા હતા કે, કાયમી કર્મચારીઓ કામ કરે તો કોઇ વિભાગમાં જોબ ટ્રેઇનીની જરૂરયાત પડે તેમ નથી. આમછતાં કેટલાક વિભાગમાં નછૂટકે કેટલાક જોબ ટ્રેઇનીની નિયુક્તિ માટે મંજુરી આપવામાં આવી હતી. વર્તમાન કુલપતિ હિમાંશુ પંડયાના સમયમાં સૌથી વધુ એટલે કે અંદાજે 200 જેટલા જોબ ટ્રેઇનીની નિયુક્તિ કરી દેવામાં આવી છે. એટલુ જ નહી આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે મુખ્ય એટલે કે કાયમી કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇનીની સંખ્યા વધી ગઇ છે.

ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોના સગા-સંબંધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવી દેવાયા

યુનિવર્સિટીના કર્મચારીઓ કહે છે વર્તમાન કુલપતિ કોઇપણ સંજોગોમાં પોતાની સામે વિરોધ ન થાય તેવા પ્રકારનુ વાતવારણ તૈયાર કરવા પ્રયાસ કરતાં રહે છે. કોઇપણ કર્મચારી, સિન્ડીકેટ-સેનેટ સભ્ય કે કોઇ કોંગ્રેસ ભાજપના નેતા વિરોધ કરે તો તેમને કોઇપણ રીતે સાચવી લેવા તે વર્તમાન કુલપતિની કાર્યપધ્ધતિ બની ચુકી છે. જેના કારણે હાલની સ્થિતિ એવી છે કે, ભાજપ કે કોંગ્રેસ પૈકી કોઇપણ પક્ષના સેનેટ-સિન્ડીકેટ કે વિદ્યાર્થીનેતા પણ કુલપતિની સામે પડે તો કોઇપણ કામ કરી આપવાની ઓફર કરી દેવામાંઆવે છે. છેવટે કોઇ કામ ન હોય તો કોઇ સગાં-સંબંધીને નોકરીની જરૂર હોય તો કહેજો ગોઠવી દઇશુ તેવી ઓફર કરવામાં આવે છે. જેનુ પરિણામ હાલ 360 જોબ ટ્રેઇનીના સ્વરૂપમાં યુનિવર્સિટીમાં જોવા મળી રહ્યુ છે.હાલમાં જે જોબ ટ્રેઇની છે તે પૈકી 90 ટકા કર્મચારીઓ ભાજપ-કોંગ્રેસના સિન્ડીકેટ સભ્યોના સગાં-સંબંધીઓ છે. જેમાંથી  જરૂરયાતમંદ ઓછા અને સમય પસાર કરવા આવનારની સંખ્યા વિશેષ છે.

જોબ ટ્રેઇનીના કારણે એકપણ કામ વહેલુ પુરુ થતુ નથી

કાયમી કર્મચારીઓ કામમાં પહોંચી વળતાં નહોય ત્યારે જોબ ટ્રેઇનીની નિયુક્તિ કરવામાં આવે છે. કર્મચારીઓ પોતે કહે છે કે જોબ ટ્રેઇનીના કારણે કામ સમયસર અથવા તો વહેલુ પુરુ થવાના  બદલે ભારે વિલંબ થઇ રહ્યો છે. કારણ કે 90 ટકા જોબ ટ્રેઇની કામ કરતાં જ નથી. જો કોઇ જોબ ટ્રેઇની  કામ કરતો નથી તેવી ફરિયાદ કુલપતિ કે સત્તાધીશો સામે કરવામાં આવે તો ભાજપ-કોગ્રેસના સિન્ડીકેટસભ્યનુ દબાણ આવી જતાં તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. આમ યુનિવર્સિટીએ મહિને અંદાજે 40થી 50 લાખ રૂપિયા જોબ ટ્રેઇનીના પગાર પાછળ ખર્ચવા છતાં એકપણ કામ નિર્ધારીત સમયમાં પુરુ થતુ નથી. યુનિવર્સિટીને મહિને 40થી 50 લાખનો ચુનો લાગી રહ્યો છે.

કાયમી કર્મચારીઓના પત્ની, દિકરી, દિકરો અને તેની પત્નીને પણ જોબ ટ્રેઇની બનાવી દેવાયા

યુનિવર્સિટીમાં જોબ ટ્રેઇની નામની ગંગા વહી રહી છે તેવુ કેટલાક કાયમી કર્મચારી-અધિકારીઓ પણ જાણી ગયા છે જેના કારણે કેટલાક કર્મચારીઓએ આ વહેતી ગંગામાં હાથ ધોવાનુ શરૂ કરી દીધુ છે. કાયમી કર્મચારીઓ કહે છે હાલમાં કુલપતિના પી.એ., પટ્ટાવાળા, સહિત અનેક કાયમી કર્મચારીઓએ પોતાની પત્ની, દિકરી-દિકરા ઉપરાંત સગાં-સંબંધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનુ શરૂ કરી દીધુ છે. પોતાના સંબંધી કાયમી કર્મચારી હોવાથી તેઓ કયારે આવે છે અને કયારે જાય છે તે માટે કોઇ પુછતુ નથી. પોતાની અનુકુળતાં પ્રમાણે દિવસમાં બે કે ત્રણ કલાક આંટાફેરા અને સહી કરીને ઘરભેગા થઇ જાય છે. કુલપતિ ખુદ આ તમામ બાબત જાણતાં હોવાછતાં બીજી ટર્મ લેવાની લાલચમાં કશુ કરી શકતાં નથી તેમ કર્મચારીઓ કહે છે. કહેવા પુરતી હાજરી લેવામાં આવે છે પણ આજસુધી તેની ચકાસણી થઇ નથી.

90 ટકા જોબ ટ્રેઇની માત્ર પગાર લેવા માટે જ યુનિવર્સિટીમાં આવે છે

યુનિવર્સિટીના કર્મચારીઓ કહે છે કે, હાલમાં અંદાજે 370 જેટલા જોબ ટ્રેઇની જુદાજુદા વિભાગોમાં ગોઠવી દેવાયા છે. પરંતુ 90 ટકા જોબ ટ્રેઇની કોઇ કામ જ કરતાં નથી. સવારે 11 વાગે ઓફીસ આવવાનુ બપોરે 2 વાગે રીશેષ પડે ત્યારે ઘરે જવાનુ અને બપોરે 4-30 કલાકે પરત આવવાનુ અને સાંજે 5-30 કલાકે ઘરભેગા થઇ જવાનુ આ નિત્યક્રમ બની ગયો છે. 90 ટકા લાગતાં-વળગતા જોબ ટ્રેઇનીના કારણે ખરેખર જરૂરયાતમંદ અને નિષ્ઠાથી કામ કરતાં જોબ ટ્રેઇની પણ બદનામ થઇ રહ્યા છે.પરીક્ષા વિભાગમા કામ કરતાં જોબ ટ્રેઇની કયારેય પોતાના ટેબલ પર જ જોવા મળતા નથી.

યુનિવર્સિટીનુ કદ ઘટતાં હવે કામ જ નથી પણ બહુ કામ છે તેવુ દર્શાવી જોબટ્રેઇની ગોઠવવાનુ કૌભાડ

યુનિવર્સિટીના સિનિયર કર્મચારીઓના કહેવા પ્રમાણે એક સમયે યુનિવર્સિટીનુ કદ કચ્છથી પંચમહાલ સુધી હતુ ત્યારે જેટલા કર્મચારીઓ નહોતા તેના કરતાં ત્રણ ગણા કર્મચારીઓ હાલ યુનિવર્સિટીનુ કદ અમદાવાદ-ગાંધીનગર પુરતુ સિમિત થઇ ગયુ છે છતાં કામ કરી રહ્યા છે. વાસ્તવમાં યુનિવર્સિટીમા હાલમાં કાયમી કર્મચારીઓ છે તેના  માટે પણ પુરતુ કામ નથી પણ બહુ કામ છે તેવો દેખાડો કરીને લાંગતાં-વળગતાંઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનુ એક  વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ છે.

35થી વધારે રીટાયર્ડ થયેલા કર્મચારીઓ-અધિકારીઓને પણ જોબ ટ્રેઇની તરીકે ગોઠવી દેવાયા

સરકાર પોતે કહે છે રીટાયર્ડ થયેલા કર્મચારીઓને પરત રાખવા નહી પણ યુનિવર્સિટીના કુલપતિ કોઇને રીટાયર્ડ થવા દેતાં નથી. કોઇપણ કર્મચારી-કે અધિકારી રીટાયર્ડ થાય તેના બીજા દિવસે અડધા પગારે અથવા તો નિશ્ચિત રકમમા પરત રાખી લેવામાં આવે છે. હાલમાં અંદાજે 35થી વધારે રીટયર્ડ કર્મચારી-અધિકારીઓ નિવૃત્ત થયા પછી જોબ ટ્રેઇની તરીકે ફરીવાર ગોઠવી દેવામાં આવ્યા છે. કર્મચારીઓ કહે છે કુલપતિ પોતાની ખુરશી બચાવવા યુનિવર્સિટીને લાખો-કરોડોના ખાડામાં ઉતારી રહ્યા છે.

સરકાર તપાસ કરે તો કુલપતિ પર પ્રસ્તાળ પડે તેવી સ્થિતિ

યુનિવર્સિટીના અધિકારીઓ નામ ન આપવાની શરતે કહે છે કે, હાલની સ્થિતિ એવી છે કે જોબ ટ્રેઇનીના નામો કોંગ્રેસ-ભાજપના નેતાઓના સગાં-સંબંધીઓને નોકરી આપીને સાચવવાનુ વ્યવસ્થિત મસમોટું કૌભાંડ ચાલી રહ્યુ છે. સરકાર સાચી દિશામાં તપાસ કરે તો તમામ જોબટ્રેઇની ઉપરાંત કેટલાક કાયમી કર્મચારીઓને પણ ઘરભેગા થવુ પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત જોબ ટ્રેઇનીને અપાતા મહિને 50 લાખ રૂપિયાથી વધારેના પગારની સામે કેટલુ કામ થયુ તેનુ મુલ્યાંકન અને તપાસ થાય તો કુલપતિ પર રીતસરની પ્રસ્તાળ પડે તેમ છે. સૂત્રો કહે છે કે, યુનિવર્સિટીના કુલપતિ તમામ સાચવી લેતાં હોવાથી સરકાર પણ આ પ્રકરણમાં કોઇ કાર્યવાહી નહી કરે તે સત્ય હકીકત છે.[:]