[:gj]ગેરકાયદે કોલ સેન્ટરને અમેરિકન નાગરિકોનો ડેટા પૂરો પાડતા 2 શખ્સની ધરપકડ[:]

[:gj]અમદાવાદ,તા:૦૩ લોનના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરનારા બે શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે કારની અંદર બેસીને આ શખ્સો અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા અને તેમની પાસેથી ડોલર પડાવતા હતા. વેજલપુર પોલીસે બંને શખ્સ પાસેથી કાર અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે.

વેજલપુર પોલીસને વસ્ત્રાપુર રેલવે ફાટક પર આવેલા દેસાઈ પાર્કની પાસે કારમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવાતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે પોલીસે રોડની સાઈડમાં ઊભેલી કારમાં સવાર શખ્સની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેનું નામ વિવેક ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. કારમાંથી મળેલા ફોનની ટેકનિશિયનની મદદથી તપાસ કરતાં તેમાંથી એક્સેલ ડેટાશીટ મળી હતી, જેમાં અમેરિકન નાગરિકોના ફોન નંબર સહિતની વિગતો હતો. વિવેક ચૌહાણની પૂછપરછ કરતાં જાણકારી મળી હતી કે, અમેરિકન નાગરિકોના ડેટાના આધારે એપ્રૂવ્ડ લોનની લાલચ આપી કોલ સેન્ટર ચલાવતા શખ્સો તેમની પાસેથી ડૉલર પડાવે છે અને તે ડૉલર હવાલા થકી ભારતમાં આવે છે.

વિવેક ચૌહાણની પૂછપરછ ચાલતી હતી તે દરમિયાન તેના ફોન પર અમેરિકાના ડમી નંબરથી વોટસએપ કોલ આવતા પોલીસે સ્પીકર ફોન પર તેને વાત કરાવી હતી. સામા છેડેથી ફોન પર વાત કરનારા શખ્સે ડેટા અંગે વાત કરી વિવેક ચૌહાણને લાલ દરવાજા રૂપાલી સિનેમા પાસે આવેલી હોટેલ રોયલ હાઈનેસ ખાતે બોલાવ્યો હતો, જેથી પોલીસ વિવેકને સાથે લઈને હોટેલ રોયલ હાઈનેસ ખાતે પહોંચી ત્યારે હોટેલના દરવાજા પાસે મળી આવેલા અઝહર અહેમદ સૈયદને અટકમાં લીધો હતો. અઝહર સૈયદે કબૂલાત કરી હતી કે, અમેરિકન નાગરિકોના એપ્રૂવ્ડ લોનનો ડેટા ગુજરાત અને રાજ્ય બહાર ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા શખ્સોને વેચે છે. અઝહર સૈયદને વિવેક ચૌહાણ ડેટા પૂરો પાડતો હોવાની વિગતો પણ પ્રાથમિક તપાસમાં સામે આવતાં વેજલપુર પોલીસે બંને આરોપીના મોબાઈલ ફોન કબજે લઈ તપાસ શરૂ કરી છે.[:]