[:gj]ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે [:]

[:gj]ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા રોકાણકારોએ ચાંદીમાં લેણ વધારી દીધું છે. પાંચ સપ્ટેમ્બરે ચાંદી ૧૯.૭૫ ડોલરની ઉંચાઈએ પહોચી નફારૂપી વેચવાલીમાં મંગળવારે ઘટીને ૧૭.૮૫ ડોલર થઇ હતી. આ સાથે આવા પ્રત્યાઘાતી ઘટાડા આવે તેનાથી રોકાણકારે મૂંઝાઈ જવાની જરૂર નથી. વાસ્તવમાં બજાર જ્યારે તેજીના રાહે ચાલતી હોય, ત્યારે આવા પુલબેક ઘટાડા નવા ઊંચા ભાવ માટે આવશ્યક હોય છે.

આમ પણ ચાંદીમાં તેજી ખુબ ઝડપથી આવી હતી, તેથી આવા ઘટાડા કે ઉછાળા બજારના સેન્ટીમેન્ટને વધુ તંદુરસ્ત બનાવતા હોય છે. આ તબક્કે ૫૦ દિવસની મુવિંગ એવરેજ આસપાસ બાયરોએ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભાવ ૧૮ ડોલર આસપાસ નોંધાય ત્યારે રોકાણકારે બાર્ગેન બાઈંગની તક હાથવગી કરવી જોઈએ. નિશ્ચિતપણે આખા જગતની સેન્ટ્રલ બેન્કોએ તેમની નાણા નીતિમાં દે દામોદર દાળમાં પાણી નાખવાનું શરુ કર્યું છે, તેથીજ લાંબાગાળે પ્રેસિયસ મેટલ્સ સતત ભાવ વધારો જોવાતો રહેશે.[:]