[:gj]ચાણસ્મામાં 19 વર્ષ સાથ આપનારા બળદના મૃત્ય બાદ તેની પાછળ ધાર્મિક વિધિ કરાઈ[:]

[:gj]ચાણસ્મા, તા.૦૨

છેલ્લા 19 વર્ષથી ખેતીકામમાં પરિવારના સભ્યની જેમ મદદરૂપ થતા બળદનું મૃત્યુ થતાં ખેડૂતે સમાધિ આપી ઋણમુક્ત થવા બળદનાં બેસણાં સહિતની ધાર્મિક વિધિ કરાવી હતી. તો બળદના મોક્ષ માટે ભૂલકાંઓને ભોજન કરાવ્યું અને રામધૂન પણ યોજી હતી.

ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામના ખેડૂત કનુ હીરા રાવલે ખેતીના વ્યવસાય માટે 19 વર્ષ પહેલાં એક બળદ ખરીદ્યો હતો. જે 10 વર્ષ સુધી ખૂબ જ સહયોગી બન્યો હતો. અશક્ત બનતાં કનુભાઈ તેની છેલ્લા નવ વર્ષથી સેવા કરતા હતા. ગત 28 ઓગસ્ટે બીમારીના કારણે આ બળદનું નિધન થતાં પરિવારજનોએ સ્વજન ગુમાવ્યું હોય તેટલું દુઃખ અનુભવ્યું હતું.

બળદને સમાધિ આપ્યા બાદ કનુભાઈએ તેમના પર રહેલું ઋણ ચૂકવવાના ભાવ સાથે રવિવારે આ બળદ પાછળ બેસણું પણ રાખ્યું હતું. બેસણામાં રામધૂન સાથે બાળકોને ભોજન પણ કરાવ્યું હતું. માનવીની જેમ મૃત બળદ પાછળ ધાર્મિક ક્રિયા પણ કરાવી હતી. ખેડૂતની આ પશુભક્તિને લોકોએ બિરદાવી હતી.

ખેડૂત કનુભાઈએ જણાવ્યું કે, આ બળદ વફાદારીથી અમારા પરિવારના સભ્યની જેમ રહ્યો છે. તેના મૃત્યુથી પરિવારને જેમ માણસની ખોટ પડે તેવી અમને આ અબોલ પશુની પડી રહી છે. તેને મોક્ષ મળે તે માટે રામધૂન, બાળકોને ભોજન તેમજ ધાર્મિકક્રિયાઓ કરી છે. બળદનો મોક્ષ થાય તે માટે પરમાત્માને પ્રાર્થના કરી ઋણમુક્ત થવા મારાથી જે ક્રિયા થઈ તે ભગવાનને અર્પણ કરું છું.

 [:]