[:gj]ચૂંટણી આચારસંહિતામાં છટકબારીનાં છીંડાં :ડૉ.હરિ દેસાઈ[:]

[:gj]દાયકાઓથી દેશની ચૂંટણીઓ મુક્ત અને આદર્શ રીતે થાય એ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાના પ્રયાસો થતા રહ્યા હોવા છતાં આજ દિવસ સુધી ભારતની બંધારણીય સંસ્થા લેખાતા ચૂંટણી પંચ દ્વારા બહાર પડાતી આદર્શ આચારસંહિતાને ના તો કાયદાકીય અથવા તો ના બંધારણીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે. રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં લાવવામાં આવેલી મનાતી આચારસંહિતા અને સુપ્રીમ કૉર્ટના એક ચુકાદાને પગલે બહાર પડાતી માર્ગદર્શિકાના સમાવેશ સાથેના ૩૧૨ પાનાંના રૂપકડા દસ્તાવેજના નિર્દેશોનો અમલ કરવાનો વિવેક દાખવવાને બદલે મનસ્વી રીતે એનું ઉલ્લંઘન કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ સવિશેષ જોવા મળે છે. ચૂંટણી પંચ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે એ વ્યક્તિ કે પક્ષને નોટિસ આપીને ત્રણ દિવસમાં કે સાત દિવસમાં સ્પષ્ટતા કરવાનું ફરમાવે છે જરૂર, પણ એ પછી નક્કર કાર્યવાહી કરવા સુધીમાં તો બીજી ચૂંટણી પણ કદાચ આવી જાય. લોક પ્રતિનિધિ ધારા,૧૯૫૧ હેઠળ નવી ચૂંટણી લગી કોઈ દંડાત્મક કાર્યવાહી ના થઇ હોય તેવું પણ બને. આ વર્ષે લોકસભાની ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોડા અને અન્ય બે ચૂંટણી આયુક્તો અશોક લવાસા તથા સુશીલ ચન્દ્રાએ રૂપકડી નોંધ લખીને બહાર પાડી છે. એનો અમલ કરવામાં આવે તો ભારતીય લોકશાહીનું પર્વ કેટલું ઉજ્જવળ છે એની પ્રતીતિ થયા વિના રહે નહીં. વાસ્તવમાં આ જ દસ્તાવેજના પૃષ્ઠ:૧૧ પર જાહેર કરવામાં આવ્યું છે કે આદર્શ આચારસંહિતા વૈધાનિક (સ્ટૅચ્યૂટરી) નથી. હવે દેશમાં કાનૂની કે બંધારણીય જોગવાઈઓમાં પણ જ્યાં છટકબારીઓ શોધવાની વૃત્તિ-પ્રવૃત્તિ સવિશેષ હોય ત્યાં આ સ્વૈચ્છિક દસ્તાવેજનો અમલ કરવાની ભાવના પ્રબળ ના હોય એ સ્વાભાવિક છે. ભારતીય લોકશાહી હજુ યુનાઇટેડ કિંગ્ડમ (યુ.કે.) જેટલી પરિપક્વ થઇ નથી, જ્યાં વણલખ્યા બંધારણ છતાં પરંપરાઓને આધારે લોકશાહી મૂલ્યોનું જતન કરવાની ભાવના મજબૂત હોય. આચારસંહિતામાં જૂઠાણાં ફેલાવવાને પણ વર્જ્ય ગણાવ્યું છે, પણ કોઈ પક્ષ આમાં રાજા હરિશ્ચન્દ્ર સાબિત થાય તેમ નથી. આચારસંહિતાની જોગવાઈઓએ ફોજદારી ધારા કે અન્ય કાયદા હેઠળ પરોપજીવી જ બની રહેવાનું છે.[:]