[:gj]જંગલ છોડીને વનરાજો લટાર મારે છે[:]

[:gj]સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહો માત્ર સાસણ ગીરનાં જંગલોમાં જોવા મળે છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ડાલામથ્થા સિંહો પર આફત આવી પડી છે. સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં થયેલાં મોત બાદ પ્રાણીવિદ્દોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ ઉપરાંત ગીરનાં જંગલોમાં થઈ રહેલાં સિંહોનાં ગેરકાયદેસર શો મામલે પણ અનેક સવાલો રાજ્ય સરકાર અને રાજ્યનાં વન વિભાગ સામે ઊભા થયાં હતાં. આટલું ઓછું હોય એમ ડિસેમ્બર મહિનામાં વનરાજો ગામોમાં ઘૂસી જઈને હિંસક બની ગયા હતાં. આવાં જ સિંહોનાં ધાડેધાડાં ગીર સોમનાથ તેમ જ અમરેલીનાં માર્ગો પર લટાર મારતાં જોવા મળી રહ્યાં છે તેનાં કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
સાસણગીરમાં સિંહ પરિવાર રોડ પર લટાર મારતો હોવાનો વિડીયો વાઈરલ થયો છે. જેમાં ત્રણ સિંહણ પાંચ સિંહબાળ સાથે રોડ પર લટાર મારતી જોવા મળી હતી. આ પ્રકારે સિંહ પરિવારને રોડ પર જોઈ વાહનો થંભી ગયા હતા. મુસાફરોએ સિંહ પરિવારને પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. વીડિયો સાસણનાં દેવળીયાનાં હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
તો બીજી બાજુ અમરેલી જિલ્લામાં રાજુલાના રામપરા ભેરાઈ રોડ પર એક સાથે 14 સિંહ રોડ પર આવી જતાં વાહન ચાલકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. સિંહોએ એક સાથે રોડ ક્રોસ કરતાં મુસાફરોએ સિંહ દર્શન કર્યા હતા. તો થોડા સમય માટે રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. બેરાઈના ખારા વિસ્તારમાં આજે સવારે 14 સિંહોનું ટોળું એકઠું થયું હતું.
આ ઉપરાંત અમરેલીમાં બે સાવજોએ દર્શન આપ્યા હતા. મહત્વનું છે કે, મોટાભાગે સિંહો રાત્રીના સમયે દેખાતા હોય છે. ત્યારે રાજુલામાં વહેલી સવારે બે સિંહો જાણે રાત્રીનો આરામ કરીને નિદ્રામાંથી ઉઠ્યા હોય તેવા દ્વશ્યો કેમેરામાં કેદ થયા હતા.
અત્રે નોંધનીય છે કે, આ પ્રકારે સિંહો માર્ગો પર આવી જતાં વન વિભાગ પણ હરકતમાં આવી ગયું હતું અને તાત્કાલિક સિંહોને કોઈ નુકશાન ન થાય તે માટે વન રક્ષકોની ફોજ પણ જે તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી. ત્યારે સવાલ એ ઉઠે છે કે, ગીરનાં જંગલોમાં જે રીતે હોટેલો અને રિસોર્ટ ઊભા થઈ રહ્યાં છે તેનાં કારણે જંગલનો વિસ્તાર ઓછો થવા માંડતા સિંહો ગામોમાં અને માર્ગો પર આવવા માંડ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને વન વિભાગ કેવાં પગલાં લે છે તે મહત્વનું બની ગયું છે.[:]