[:gj]જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિઓએ એબીવીપીનો પ્રચાર કર્યો[:]

[:gj]અમદાવાદ, તા. 15

રાજયમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિ પોતે જાહેરમાં કોઇપણ એક પક્ષ કે વિદ્યાર્થીસંગઠનનો પ્રચાર કે પ્રસાર કરી શકતા નથી. આમછતાં જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તાજેતરમાં એબીવીપીના પોસ્ટરો હાથમાં રાખીને તેમના પ્રચાર કરતો ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થતાં હાલમાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે. આગામી દિવસોમાં આ કુલપતિ સામે એનએસયુઆઇ અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે.

બે કુલપતિઓએ એબીવીપીનો પ્રચાર કર્યો

અમદાવાદમાં નિકોલની એક કોલેજના પ્રિન્સિપાલે ચાલુ વર્ષમાં વિદ્યાર્થીઓને એબીવીપીમાં જોડાવવા માટે દબાણ કર્યુ હોવાનો વિવાદ હાલ ચાલી રહ્યો છે. એનએસયુઆઇ દ્વારા આ મુદ્દે કોલેજના પ્રિન્સિપાલના રાજીનામાની માંગણી સાથે દેખાવો અને આંદોલન કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમા તાજેતરમાં સોશ્યલ મિડીયા પર એબીવીપીમાં જોડાવવાની વિનંતી કરતાં પોસ્ટરો હાથમાં લઇને ઊભા રહ્યા હોય તેવા ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીના ફોટા સોશ્યલ મિડીયા પર વાયરલ થયા છે. જેના કારણે માત્ર શિક્ષણજગત નહિ, પરંતુ સમગ્ર રાજ્યમાં હાલ સોશ્યલ મિડીયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. સરકારી નોકરી કરતાં કર્મચારી કે અધિકારીઓ ખુલીને કોઇ રાજકીય પક્ષમાં ભાગ લઇ શકતા નથી. જો કોઇ કર્મચારીઓ આ પ્રકારે ભાગ લેતો ઝડપાય કે તેના વિરુદ્ધ ફરિયાદ થાય તો કાયદાકીય પગલાં લેવામાં આવતાં હોય છે. પરંતુ હાલમાં બન્ને સરકારી યુનિવર્સિટીના ખુદ કુલપતિ પોતે જ વિદ્યાર્થીઓને એબીવપીમા જોડાવવા માટે અને એબીવીપી દ્વારા જે સભ્યો બનાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે તેને પ્રોત્સાહન આપતાં નજરે ચડી રહ્યા છે.

સામાન્ય કર્મચારી કે અધિકારીને સજા કરાય છે

સામાન્ય કર્મચારી કે અધિકારી જો એબીવીપી કે એનએસયુઆઇને ખુલીને સમર્થન આપે તો તેની સામે પગલાં લેવામાં આવતાં હોય તો આ કુલપતિ પોતે જ પોસ્ટર સાથે ફોટા પડાવે તો તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઇએ તેવા પ્રશ્નો પણ એનએસયુઆઇ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એબીવીપીની કાર્યશિબિરમા ભાગ લેવા પહોંચી ગયા હતા ત્યારે પણ ભારે હોબાળો મચી ગયો હતો.

એનએસયુઆઈ આંદોલન કરશે

એનએસયુઆઇના કાર્યકરો કહે છે એ તમામ કુલપતિઓ એબીવીપી અને સરકાર સામે કઠપૂતળીની જેમ નાચે છે તેવી ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે પણ હવે તો કુલપતિએ પોતે જ પુરાવાઓ રજૂ કરીને સાબિત કરી દીધુ છે કે જે વાત બજારમાં ચાલી રહી છે તે સો ટકા સાચી છે. આગામી દિવસોમાં આ મુદ્દે એનએસયુઆઇ અને કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર આંદોલન થાય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.[:]