[:gj]ટ્રાફિકના નિયમનો ભંગ કરનારે વાહનના વીમાની રકમ વધુ ચૂકવવી પડશે[:]

[:gj]અમદાવાદ, તા.૦૭

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડવા મક્કમ ઇરાદો ધરાવતી અને જીવલેણ રોડ અકસ્માત ઘટાડવાનો પાક્કો ઇરાદો ધરાવતી સરકાર હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને વાહનના વીમાનું પ્રીમિયમ ઊંચુ ભરવું પડે તેવી સિસ્ટમ દાખલ કરવા સક્રિય બની રહી છે. આ માટે ઇરડાના અધિકારીઓ સાથે બેઠક કરીને પાઈલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવાની યોજના તૈયારી કરવામાં આવી રહી છે. પાઈલોટ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવા તે હજી સુધી નિશ્ચિત થયું નથી. ચાર મેટ્રો શહેરથી શરૂઆત કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. આ માટે વીમાની પોલીસીના ફોર્મમાં પણ ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી હોવાનું વીમા એજન્ટોનું કહેવું છે. ટ્રાફિકના નિયમના ભંગ બદલ વાહન ચાલકને પોઈન્ટથી દંડ કરવામાં આવશે. વર્ષને અંતે તેના દંડના જે પોઈન્ટ થશે તેના પ્રમાણમાં તેણે વધારાનું વીમાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. આ પોઈન્ટ સિસ્ટમ તૈયાર કરવા માટે એક કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે.

સરકારની સૂચનાથી જ ઇરડાએ આ મુદ્દે વીમા કંપનીઓ સાથે પણ વિચાર વિનિમય શરૂ કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવાળી આવે ત્યાં સુધી આ મોરચે ખાસ્સી કામગીરી થઈ જવાની સંભાવના રહેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં વરસે દહાડે હજારો યુવાનોના મૃત્યુ થતાં હોવાથી અને તેમાંય ખાસ કરીને 18થી 35ની વયજૂથના યુવાનોના મૃત્યુનું પ્રમાણ તેમાં 40થી 45 ટકા જેટલું હોવાથી સરકાર વધુ ચિંતિત છે. તેથી જ ટ્રાફિકના નિયમોનું ચૂસ્ત પાલન થાય તેવી સિસ્ટમ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

મેટ્રો સિટીમાં અને મોટા શહેરની કેટેગરીમાં આવતા શહેરોમાં રોડના ટ્રાફિકનું સ્માર્ટ મોનિટરિંગ કરવા માટે કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાને આગળ કરીને માત્ર ફોટાઓ મોકલીને ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોવાનું દર્શાવીને ગુજરાતમાં લોકો પાસે બેફામ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ વસૂલાત સામે લોકોનો આક્રોશ વધુ છે. પરંતુ લાઈસન્સ રદ કરી દેવાની ટ્રાફિક વિભાગે આપેલી ચિમકીને પરિણામે મને કમને દંડ ભરવાની ફરજ પડી રહી છે. તેથી એક સામટા રૂ.5000થી 7000 ભરવા પડ્યા હોવાના કિસ્સા પણ અમદાવાદમાં બન્યા છે. માત્ર હેલ્મેટ ન પહેરવાના ગુના માટે આ દંડ કરવામાં આવ્યો છે.

ટ્રાફિકના નિયમમાં સરકારની જવાબદાર કેટલી?

ગુજરાત સરકાર રોડ ટેક્સ વસૂલે છે. વાહનોના લાઈફ ટાઈમ ટેક્સ વસૂલે છે, પરંતુ તેની સામે પાર્કિંગની સારી સુવિધા આપી શકી જ નથી. અમદાવાદ શહેરમાં ચોક્કસ અંતરે વ્યવસ્થિત અને રિઝનેબલ ચાર્જવાળા પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરી નથી અને દરેક ચાર રસ્તે કે કોઈપણ રસ્તાના કોર્નર પર પાર્ક કરેલી ગાડીને તાળું મારીને નંબરની ચિઠ્ઠી મૂકીને ચાલતી પકડે છે. સરકારે પહેલા પાર્કિગની ઊભી કરવી જોઈતી વ્યવસ્થા ઊભી નથી કરી અને રોડ ટેક્સ કે વાહનનો ટેક્સ ભરનારાઓના નાણાંનો વ્યય કર્યો તે માટે સરકારને જવાબદાર ગણવી જોઈએ. તેને બદલે સુવિધાથી વંચિત રહેલા વાહનચાલકોને દંડવાની કામગીરી સરકાર કરી રહી છે.

 વિશ્વના દેશો સામે આપણી પાર્કિંગ વ્યવસ્થા

વિશ્વના અન્ય દેશોમાં રિઝનેબલ પ્રાઈસના પાર્કિંગની વ્યવસ્થા ઠેરઠેર વાહનચાલકોને મળી રહે છે. જે એક કે બે ડોલરમાં જ એટલે કે તેમના એક કે બે રૂપિયામાં જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેને સ્થાને અમદાવાદની જ વાત કરવામાં આવે તો ઠેરઠેર ઠેકા આપીને કલાકના રૂા. 20ના દરે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. સીજી રોડ પર વેપાર કરતાં વેપારીઓ પાસે પાર્કિંગ ચાર્જ પેટે દિવસના રૂા.200થી 240 લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ રકમના હપ્તામાં રૂા.6 લાખની કિંમતની કાર ખરીદી શકાય છે. સુવિધા આપ્યા વિના આ રીતે બેફામ ચાર્જ લેવો ગુનો ગણાવો જોઈએ.[:]