[:gj]ટ્રાફિકના નિયમો-ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનાં રસ્તા પર ધરણાં[:]

[:gj]રાજકોટ,તા:18  ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. દેખાવ અને ધરણાં અંગે કોંગ્રેસે પોલીસ પાસે મંજૂરી માગી હતી, જે ન મળવા છતાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યું હતું.

રાજકોટના જંક્શન પ્લોટ અને ગાયકવાડી પ્લોટ ખાતેના વેપારીઓએ બંધ પાળ્યો હતો અને હેલમેટનો નિયમ ખોટો હોવા અંગેની રજૂઆત કરી હતી. વેપારી આગેવાન ગૌરવ પૂજારાએ જણાવ્યું હતું કે, હેલમેટનો કાયદો હાઈવે માટે જરૂરી છે, શહેરના રસ્તાઓ માટે હેલમેટ જરૂરી ન હોવી જોઈએ. ઉપરાંત ટુ-વ્હીલર પર બાળકને ત્રણ સવારીમાં ગણવું તે અન્યાયી પગલું છે.

શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે સ્થાનિકો સાથે મળી કોંગ્રેસ કાર્યકરોએ ખરાબ રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ખરાબ રસ્તાનો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોએ પેવર બ્લોક બેસાડી રસ્તો રિપેર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

વકીલોની જેલભરો આંદોલનની ચીમકી 
બીજી તરફ રાજકોટના વકીલોએ પણ હેલમેટના કાયદાનો વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ ચીમકી આપી છે કે હેલમેટ પહેરવામાંથી મુક્તિ નહીં મળે તો જેલભરો આંદોલન કરવામાં આવશે. વકીલો આ અંગે સવિનય કાનૂનભંગ કરી જેલભરો આંદોલન કરશે તેમ બાર એસો.ના સેક્રેટરી અને કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર ડો.જિજ્ઞેશ જોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, સીસીટીવીના આધારે શહેરીજનોને મેમો આપવામાં આવે છે, તે બિલકુલ અયોગ્ય છે. આઈ-વે પ્રોજેક્ટ હેઠળ માત્ર મેટ્રોપોલિટન શહેરમાં જ મેમો મોકલી શકાય, જ્યારે રાજકોટનો મેટ્રોપોલિટન શહેરમાં સમાવેશ થતો જ નથી.

અફઘાનિસ્તાનના યુવકને દંડ કરી ગેરવર્તન સામે લોકોમાં રોષ
ટાર્ગેટને પૂર્ણ કરવાની ફિરાકમાં રસ્તા પર ઉતરેલા પીએસઆઈએ એક્ટિવા લઈને જઈ રહેલા અફઘાનિસ્તાનના યુવક સાથે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં કેકેવી ચોક પાસે હેલમેટ વિના જઈ રહેલા યુવકને ઝડપી 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. કાયદાથી અજાણ અફઘાની યુવક ગુજરાતી જાણતો ન હોવાથી અને પીએસઆઈ ઝાલા અંગ્રેજી જાણતા ન હોવાથી ઉશ્કેરાયેલા પીએસઆઈએ યુવક સાથે ગેરવર્તન કર્યું હતું.[:]