[:gj]ડાંગી પશુ ખડતલ અને કુદરતી ચારા ઉપર જીવે છે[:]

[:gj]ડાંગી ઓલાદ:ડાંગના જંગલ વિસ્તાર ઉપરથી આ ઓલાદનું નામ ડાંગી પડયું છે. આપણા ગુજરાત રાજયમાં ડાંગ જીલ્લામાં ધરમપુર અને વાસદા તાલુકામાં તથા મહારાષ્ટ્ર રાજયમાં અહેમદનગર, નાસીક, થાણા અને કોલાબા જીલ્લાઓમાં આ પશુઓનો ઉછેર થાય છે. આ ઓલાદની ઉત્પતી આ ડુંગરાળ વિસ્તારના અસલ સ્થાનિક ઢોર અને પશ્ચિમ વિસ્તારના ગીર ઢોરના સંકરણથી થયેલ હોવાનું મનાય છે.

શારીરિક લક્ષણો: ડાંગી જનાવરો મધ્યમ કદના અને મજબૂત બાંધાના હોય છે. આ પશુઓનો રંગ બદામી અથવા સફેદ અને કાળા કે રાતા ધાબાવાળો હોય છે. ઘણા જનાવરો રંગે કાળા અને કાબરા હોય છે.

ડાંગી પશુઓનું માથુ નાનુ, કપાળ ઉપસેલું, શીંગડા ટૂંકા અને જાડા અને કાના નાના હોય છે. આ જનાવરોના પગ મજબૂત અને સખત | કઠણ ખરીવાળા હોય છે. તેમની ધાબળી તેમજ મુતરણા ઝુલતા હોય છે. તેમની ચામડી વિશિષ્ટ પ્રકારની હોય, વરસાદના પાણીની અસર શરીર ઉપર ઓછી થાય છે.

પુખ્ત વયનો સાંઢ ૪૦૦ થી ૫૦૦ કિ.ગ્રા. અને પુખ્ત ગાય ૩૨૫ થી ૪૦૦ કિ.ગ્રા. શારીરીક વજન ધરાવે છે. તુરંત જન્મેલા વાછરઠા ૨૦ – ૨૧ કિ.ગ્રા. ના હોય છે.

આર્થિક લક્ષણો:આ ઓલાદ કામાળ હોય ભારે વરસાદ વાળા ડુંગરાળ પ્રદેશમાં ખેતી કામ માટે અને ખડકાળ રસ્તાઓ પર ભાર વહન (લાકડાની હેરફેર) માટે અનુકૂળ છે. આ જનાવરો ખડતલ છે અને કુદરતી ચારા ઉપરજ જીવે છે.

ગાયો સરેરાશ ૮ માસના દુધાળ દિવસોમાં ૫૦૦ થી ૭૦૦ લીટર દુધ પેદા કરે છે. તેઓ સરેરાશ ૫૦ થી ૫૫ માસની ઉંમરે પ્રથમ વખત તથા સરેરાશ ૧.૫ વર્ષના અંતરે વિયાય છે.[:]