ડાંગ દરબારના રંગમંચ ઉપર ડાંગી નૃત્યોની રમઝટ

February 27th, 2018

તા.રપમી ફેબ્રુઆરી, ૨૦૧૮ થી આહવા ખાતે શરૂ થયેલા ડાંગ જિલ્લાના સૌથી મોટા લોકોત્સવ એવા ડાંગ દરબારના રંગમંચ ઉપરથી, ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ દરબારીઓ માણી રહ્યાં છે.

કાર્યક્રમના ત્રીજા દિવસે રંગ ઉપવન ખાતે વિશ્વના તખ્તા ગજવતા ડાંગી નૃત્યો પ્રેક્ષકોએ મનભરીને માણ્યા હતા.અહીં પાવરી નૃત્ય, ભવાડા નૃત્ય, ઠાકરે નૃત્ય, રામાયણ નૃત્ય નાટિકા, વારલી નૃત્ય, ડુંગરદેવ નૃત્ય, થાળી વાદન, તમાશા કાર્યક્રમ સહિત સ્થાનિક કલાકારો દ્વારા રાજસ્થાની નૃત્ય, રાસ-ગરબા, હોળી નૃત્ય, સહિત ડાંગની આગવી ઓળખ બની ગયેલા ડાંગના દરબારી નૃત્ય નાટિકાએ ભારે રમઝટ બોલાવી હતી. ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારની રાહબરી હેઠળ સાંસ્કૃતિક કમિટિના નૉડલ ઓફિસર શ્રી એસ.એલ.પવાર તથા તેમની ટીમ દ્વારા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ, સ્થાનિક કલાકાર, કસબીઓ અને વિઘાર્થીઓની પ્રતિભાને પ્રસ્તુત કરવાનો અવસર પ્રદાન કર્યો હતો.આ ઉપરાંત અહીં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ગોવા, ઉત્તરપ્રદેશ અને છેક આસામના વિખ્યાત નૃત્યો પણ ડાંગના દરબારીઓને માણવા મળ્યા હતા.રંગ ઉપવનના રંગમંચ ઉપર ડાંગ દરબારના બીજા દિવસે પણ ગુજરાતી સાહિત્યનો રસથાળ પીરસતા લોકડાયરાનો કાર્યક્રમ પણ પ્રસ્તુત કરાયો હતો.ડાંગના કલાકાર કસબીઓ, તેમની પ્રતિભાને યોગ્ય સ્તરે પ્લેટફૉર્મ પુરૂ પાડવાનો અવસર પ્રદાન કરવાનો જિલ્લા વહિવટી તંત્રનો પ્રયાસ છે, તેમ ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે દરબારના શ્રોતાજનોને હોળી-ધૂળેટીની શુભકામના પાઠવતા જણાવ્યું હતું. પ્રવાસન વિભાગના આર્થિક સહયોગથી છેલ્લા બે વર્ષોથી ડાંગ દરબારની ઉજવણીને વધુ લોકભોગ્ય બનાવી શક્યા છે,તેમ પણ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

ડાંગીજનો માટે હોળી પૂર્વે ભરાતો ડાંગ દરબાર એટલે ખાઉલા,પીઉલા અને નાચુલા:ડાંગ દરબારના મેળામાં ઉમટી જનમેદની

તા.રપમી ફેબ્રુઆરી, ૨૦૧૮ થી આહવા ખાતે શરૂ થયેલા ડાંગ જિલ્લાના સૌથી મોટા લોકોત્સવ એવા ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં ડાંગીજનો મનમૂકીને મ્હાલી રહ્યાં છે.

ડાંગી પ્રજાજનો માટે સૌથી મોટો ઉત્સવ એટલે હોળી-ધૂળેટી અને તેની સમીપે ભરાતો ડાંગ દરબારનો ભાતિગળ લોકમેળો.ખાઉલા, પીઉલા, અને નાચુલાના જીવનમંત્ર અનુસાર આ મેળામાં ડાંગી પ્રજાજનો મનમૂકીને મ્હાલે છે. પ્રકૃત્ત્િાની ગોદમાં, પાવરીના શરૂ અને ઢોલકની થાપ સાથે નાચલા, ગાતા ડાંગીજનો માટે જીવનને માણવાનો આ અનેરો અવસર છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.રપ થી ર૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન આયોજિત ડાંગ દરબારના આ લોકમેળામાં હજ્જારોની સંખ્યામાં, ગામેગામથી જનમેદની ઉમટી પડે છે.આ લોકમેળામાંથી તેઓ જીવન જરૂરિયાતની રોજીંદી ચીજવસ્તુઓની પણ ભરપૂર ખરીદી કરતા હોય છે. કપડા, બુટચંપલ, વાસણો, કટલરી સહિત અનેકવિધ ચીજવસ્તુઓ,ખાણીપીણીની મોજ સાથે ખરીદતા, ડાંગીજનો તેમની આગવી અદા અને મસ્તીમાં મસ્ત રહેતા હોય છે.ડાંગની આ ભાતિગળ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા આવતા રાજ્ય, રાજ્ય બહારના લોકો સહિત હવે તો વિદેશી મહેમાનો પણ અહીં ફરતા નજરે પડે છે. ડાંગની આગવી ઓળખ એવા શુદ્ધ અને પૌષ્ટિક નાગલીના પાપડ, સહિત નાગલી/રાગીની વિવિધ બનાવટો, બિસ્કિટ, અથાણા સહિત બામ્બુ ક્રાફટની નાની મોટી આઇટમો, ફર્નિચર, ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ, સહિત પરંપરાગત નાગલીના રોટલા, ચોખાના પુડા, ભુજીયુ, અડદની દાળ, લીલા લસણ/મરચાની ચટણી, દાળ, ભાત, ખમણ, ભજીયા, જલેબી સહિતની ખાણીપીણીની આઇટમોની આ દિવસોમાં ભારે માંગ રહે છે.

આ બધી ચીજવસ્તુઓ એક જ ઠેકાણે ઉપલબ્ધ થઇ રહે તે માટે ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા ડાંગ સેવા મંડળના પટાંગણમાં ડાંગી વિલેજ ઃ ફૂડકૉટના માધ્યમથી વિવિધ સ્ટોલ્સ ઉપર આવી તમામ ચીજવસ્તુઓ એક જ છત્ર નીચે ઉપલબ્ધ કરાવી છે. અહીં ડાંગ સહિત નવસારી, તાપી જેવા જિલ્લાઓમાંથી પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અને વન વિભાગ હસ્તકના સખી મંડળો, સ્વસહાય જૂથો દ્વારા જુદી જુદી ચીજવસ્તુઓનું વેચાણ-કમ-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેનો પ્રજાજનો લાભ લઇ રહ્યાં છે.

March 1st, 2018

ડાંગ દરબારમાં સ્થાનિક કલાકારોએ રંગમંચ ગજવ્યુ:અનોખી પ્રતિભાઓના થયા દર્શન

તા.રપ થી ર૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલા ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો ભવ્ય સમાપન સમારોહ યોજાઇ ગયો.ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે આ સમાપન સમારોહ દરમિયાન ડાંગ દરબારના દરબારીઓ, એવા પ્રજાજનો સહિત અહીંના રાજવીશ્રીઓ, પદાધિકારીઓ, પ્રવાસન વિભાગ સહિત આયોજકો સહિત મીડિયાનો આભાર વ્યક્ત કરી, કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનિય છે કે, ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે આ વેળા સતત ચાર દિવસો સુધી મુખ્ય રંગમંચ ઉપરથી રજુ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પૈકી, મહત્તમ કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે તેવો આગ્રહ સેવ્યો હતો.જેને લઇને આ વખતે ડાંગ દરબારના લોકમેળામાં અનેક નવી પ્રતિભાઓ, કલાકાર કસબીઓ પ્રજાજનો સમક્ષ તેમની કળાના ઓજશ પાથરી શક્યા હતા.
પ્રાથમિક અંદાજ મુજબ ચાર દિવસો દરમિયાન રજુ થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારો અને શાળાના વિઘાર્થીઓ એવા બાળકલાકારોએ ૪૫ થી વધુ કૃતિઓ રજુ કરી હતી. જેમાં ૧૦૦૦ જેટલા કલાકારોએ તેમની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. અનેકવિધ ડાંગી નૃત્યો, પાવરી નૃત્ય, થાળી કથા, ડુંગરદેવ, રામાયણ નૃત્ય નાટિકા, ભવાડા, ઠાકર્યા સહિત ડાંગની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા નૃત્યો, નાટિકાઓ અહીં પ્રસ્તુત કરવામાં આવી હતી. સાથે સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશ, ગોવા, અને છેક આસામથી પણ અહીં કલાકારોએ આવીને, તેમના પ્રદેશની કળા રજુ કરી હતી.દરમિયાન ડાંગના રાજવીશ્રીઓ, તેમનો પરિવાર, સહિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યા સહિતના પદાધિકારીઓ, સંગઠનના હોદૃેદારો, કલેક્ટર શ્રી બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી ડૉ.ધીરજ મિત્તલ અને અગિ્નશ્વર વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.ડી.પટેલ, પ્રાયોજના વહિવટદાર શ્રી એસ.બી.ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શિવાજી તબિયાર, પ્રાંત અધિકારી શ્રી બી.એમ.ભાભોર, નગરજનો, નગરશ્રેષ્ઠીઓ, સુજ્ઞજનો, વેપારીઓ, મીડિયાકર્મીઓ, પ્રયોશા પ્રતિષ્ઠાનના શ્રી પી.પી.સ્વામીજી સહિતના સામાજિક કાર્યકરો વિગેરેએ સતત ચાર દિવસ સુધી આ કાર્યક્રમનો લ્હાવો લીધો હતો.

March 1st, 2018

ડાંગ દરબારના મુખ્ય રંગમંચ ઉપરથી ડાંગ દર્શન ડીજીટલ પ્રદર્શન રજુ કરાયુ

ડાંગ દરબારનાં લોકમેળામાં મુખ્ય કાર્યક્રમ સ્થળ એવા રંગ ઉપવનના રંગમંચ ઉપરથી ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા ડાંગ દર્શન નામક ડીજીટલ પ્રદર્શન રજુ કરાયુ હતું.તા.રપ થી ર૮ ફેબ્રુઆરી,૨૦૧૮ દરમિયાન આહવા ખાતે યોજાયેલા ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં દરરોજ સાંજે ૭ થી રાત્રિના ૧ર વાગ્યા સુધી આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન બેક સ્ટેજ એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર,ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો તથા અહીંના ભાતિગળ લોકજીવનની ઝાંખી દર્શાવતું તસવીરી પ્રદર્શન પ્રસ્તુત કરાયુ હતું.રંગ ઉપવન ખાતે દરરોજ ઉમટી પડતી હજ્જારોની જનમેદની સમક્ષ ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોની આકર્ષક તસવીરો ડીજીટલ ફૉર્મેટમાં રજુ કરીને તેને હજ્જારોની જનમેદની સુધી પહોંચાડાયુ હતું.ડાંગના માજી રાજવીશ્રીઓ અને પ્રજાજનો સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, પ્રેક્ષકો સૌએ માહિતી ખાતાના આ પ્રયાસની સરાહના કરી હતી. ડાંગ દરબારને જાણવા, અને માણવા આવેલા જિલ્લા તથા જિલ્લા બહારના પ્રવાસીઓ, વિદેશી સહેલાણીઓ સૌએ ધરબેઠા ડાંગ દર્શનના માધ્યમથી જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની જાણકારી મેળવી હતી.