[:gj]ડિફેક્ટ લાયાબિલિટીવાળા રસ્તાઓ તેમની પાસે જ રીપેર કરાવાશે[:]

[:gj]અમદાવાદ, તા.0૬

અમદાવાદમાં આ વર્ષે તુટેલા રસ્તાઓના સમારકામ મામલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા કરાઈ હતી. જેમાં શહેરના જે વિસ્તારોમાં રસ્તાઓ તુટેલા છે એ રસ્તાઓ પૈકી ડિફેક્ટ લાયાબિલિટીમાં આવતા રસ્તાઓ જે તે રોડ બનાવનારા કોન્ટ્રાકટરો દ્વારા જ રિપેર કરવામાં આવે તેવી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત તુટેલા રસ્તાઓ મામલે કોન્ટ્રાકટરોને નોટીસ આપવામાં આવી છે. જો કે કેટલા કોન્ટ્રાકટરોને નોટીસ આપવામાં આવી એ અંગે ચેરમેન પોતે અજાણ હોવાનું તેમણે કહ્યું છે.

અમપાની સ્થાયી સમિતિની બેઠક બાદ ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે કહ્યું, શહેરમાં જે રસ્તાઓ તુટેલા છે તેને તાકીદે રિસરફેસ કરવામાં આવશે. શહેરમાં જે વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના એપ્રોચ રસ્તાઓ ખુબ ખરાબ છે અને આ રસ્તાઓના રિપેરીંગ માટે મેટ્રોને અવારનવાર કહેવામાં આવવા છતાં સમારકામ થતું નથી. આથી તેના એમડીની સાથે બેઠક કરવા કમિશનરને કહેવામાં આવ્યું છે. ઉપરાંત મેટ્રોનુ જ્યાં કામ ચાલે છે તેવા વિસ્તારો ખાસ કરીને શાહપુર અને ઘીકાંટા વિસ્તારમાં પાણી ભરાવાથી મચ્છરોનું પ્રમાણ વધ્યું હોવાનું ધ્યાન ઉપર આવતા મેટ્રોને કડક સુચના આપવામાં આવી છે. થોડા સમય પહેલા મેટ્રો પાસેથી મચ્છરોની ઉત્પત્તિ મામલે રૂપિયા ત્રણ લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

શહેરના ખમાસા સહિત ચાર ટ્રાફિક જંકશનો એવા છે કે જ્યાં સેકંડના સમયમાં તફાવત હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનતી જાય છે. આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા તંત્રને કહેવાયું છે. બેઠકમાં સિક્યોરિટી અને દાણીલીમડામાં એફ્લુએન્ટ પ્લાન્ટની દરખાસ્તો બાકી રાખવામાં આવી છે. સિકયોરિટીની દરખાસ્તમાં બે એજન્સીઓ સામે વિજિલન્સ તપાસ ચાલતી હોવાનું બહાર આવ્યું છે. તો દાણીલીમડામાં હજુ એસોશિએશનને રૂપિયા ત્રણ કરોડ જમા કરાવવાના બાકી હોવાથી દરખાસ્ત બાકી રાખવામાં આવી હોવાનું ચેરમેનનું કહેવું છે.

જોધપુર વિસ્તારમાં ૨૪ કલાક પાણી આપવાના પ્રોજેક્ટમાં દસ વર્ષ બાદ ગામતળ વિસ્તારમાં ૩૫૦૦ જેટલા વોટરમીટરો લગાવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, મ્યુનિ.ના સેન્ટ્રલ સ્ટોર્સમાંથી જ દસ હજાર જેટલા મીટરોની ચોરી કરવામાં આવી હતી. વિરાટનગરના ત્રણેક વિસ્તારોમાં પાણીની તકલીફ હોવાની પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. ઉપરાંત થલતેજ વિસ્તારમાં શાળા શરૂ કરવા મામલે પ્લોટની માંગણી કરવામાં આવતા તેની પણ ચર્ચા કરાઈ હતી.

હવે અમે ટીકા સાંભળવાથી ટેવાઈ ગયા છીએ

અમપાના સ્થાયી સમિતિના ચેરમેને આજે બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું કે, હવે અમે પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કરવામાં આવતી રોજબરોજની ટીકાઓથી ટેવાઈ ગયા છીએ પણ શું કરીએ મોહમાયા છૂટતી નથી.[:]