[:gj]ડેમની કચેરીની તાળાબંધી કરતા ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત[:]

[:gj]

ભાદર 2 ડેમની કચેરીની તાળાબંધી કરવા પહોંચેલા ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની કરાઈ અટકાયત
રાજ્યમાં એકબાજુ ઓછા વરસાદનાં કારણે જગતનાં તાતનાં મહામોલા ઊભા પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે તો બીજી બાજુ આ ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન આપવામાં આવતાં હવે ખેડૂતો આકરા પાણીએ આવી ગયાં છે અને તેઓએ હવે કોંગ્રેસનાં ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં ઉગ્ર આંદોલનની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે આજે ઉપલેટામાં આવેલી ભાદર 2 ડેમની કચેરીએ તાળાબંધીનાં ધારાસભ્ય લલિત વસોયાનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લાનાં ખેડૂતો જોડાયા હતાં. જોકે, તાળાબંધીનો કાર્યક્રમ યોજાય એ પહેલાં જ પોલીસે કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી અને તે મામલે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા ત્યારે પોલીસે ભાજપ સરકારનાં ઈશારે તેમની અટકાયત કરીને આ વિરોધને ડામવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આવનારા દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની તેમણે જાહેરાત કરી હતી.
આજે રાજકોટ જિલ્લાના ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં ખેડૂતોની સાથે ભાદર-2 ડેમની કચેરીને તાળાબંધી કરવા પહોંચ્યા હતાં. સરકારે પાણી બંધ કરાયું છે તે માટે ખેડૂતોને પોતાનો પાક નષ્ટ થશે તેવી ભીતિ છે. આ પહેલા પણ વસોયાએ સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે અપુરતા વરસાદને કારણે ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ રહયો છે.
ધોરાજીમાં આવેલા ભાદર 2 ડેમ જેતપુરનાં કેમિકલયુક્ત પાણીથી ભરેલો છે. હાલ કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે છે અને શિયાળુ પાક માટે પાણી છે. પીવાના પાણી માટે અનામત રાખવામાં આવે તો પણ પાણીનો સરપ્લસ જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. તો ખેડૂતોને પાણી મળવું જોઇએ તેમની સાથે અન્યાય થવો ન જોઇએ એવું લલિત વસોયાએ Khabarchhe.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે આરોપ મૂક્યો હતો કે, ઉપલેટાની ફરતે જ્યાં ગામમાં આવવાનો રસ્તો છે ત્યાં એટલા બધા પોલીસ ખડકી દેવામાં આવ્યાં છે કે જાણે કોઇ આતંકવાદી ઘુસવાનાં હોય. જ્યાં ખેડૂતો ભેગા થવાનાં છે ત્યાં 500થી વધારે પોલીસને સુરક્ષા માટે મુકી દેવામાં આવ્યાં છે. સરકીટ હાઉસમાં ખેડૂતોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોલીસ સાથે સંઘર્ષ ન થાય તે માટે એવુ અમે પણ ઇચ્છીએ છીએ. ખેડૂતોનાં આ વ્યાજબી પ્રશ્નને સરકાર પોલીસ તંત્રનો દૂરપયોગ કરીને આ આંદોલનને ખેડૂતોનાં અવાજને કચડી દેવાનો પ્રયત્ન કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લલિત વસોયાએ સિંચાઈ મંત્રીને પણ અગાઉ એક પત્ર લખ્યો હતો. જેમાં તાત્કાલિક પાણી છોડવા માટે માંગણી કરી હતી અનેક વખત ડેપ્યુટી એન્જિનિયર સર્કલમાં રજૂઆત કરી હતી. છતાં ખેડુતો વ્યાજબી રજુઆત દરખાસ્ત ગાંધીનગર સુધી પહોંચતી ન હોવાનો તેમણે આરોપ મૂક્યો છે.

[:]