[:gj]ડેરીમાં રૂ. 12 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ[:]

[:gj]મહેસાણા, તા.૨૩

મહેસાણાની વિખ્યાત દૂધસાગર ડેરીનાં ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર ડેરીનાં નાણાની ઉચાપત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજિસ્ટ્રારને આ મામલે લેખિતમાં રજૂઆત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિવાદાસ્પદ વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ. 9 કરોડ ભરવાનો આદેશ અપાયો છે. ત્યાં જ આ કેસમાં વધુ એક કૌભાંડમાં વિપુલ ચૌધરીની સંડોવણી બહાર આવતાં ભારે ચકચાર ફેલાઈ છે. ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે, વિપુલ ચૌધરીએ ડેરીનાં કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહનરૂપે આપી રૂ. 12 કરોડની ચૂકવણી કરી હતી. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગર દાણ કૌભાંડનાં રૂ. 9 કરોડ જમા કરાવવાના હતા તે રકમમાં ભરપાઈ કરી છે અશોક ચૌધરીએ વધુમાં આરોપ લગાવ્યો કે, વિપુલે એક ષડયંત્ર રચીને આ પ્રકારે ડેરીના નાણાંની હેરાફેરી કરી છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, અગાઉના પાંચ વર્ષમાં કર્મચારીઓને કેટલા ટકા બોનસ પ્રોત્સાહન પગાર રૂપે આપવામાં આવ્યું છે? આ વર્ષે જે પ્રોત્સાહન પગાર આપવાનું નક્કી કરાયું છે, અને તેની રકમ કેટલી અને તે ઠરાવની નકલ પણ માગી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ ડેરી ખોટમાં ચાલી રહી છે ત્યારે બે વધારાના પગાર આપવાનો નિર્ણય અનેક સવાલ ઊભા કરે છે. ભૂતકાળમાં પણ આ રીતે ડેરીએ ક્યારેય વધારાનો પગાર નથી ચૂકવ્યો.

કોણ છે વિપુલ ચૌધરી?

વર્ષ 1995માં જ્યારે ભાજપની કેશુભાઈ પટેલની સરકાર સામે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો ત્યારે વિપુલ ચૌધરી પણ તેમની સાથે હતા. બળવા બાદ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં તેઓ ગૃહમં પ્રધાન અને વાહન વ્યવહાર પ્રધાન બન્યા હતા. પછી શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો ઊભા થતાં તેમનો સાથ છોડી દીધો હતો. ત્યારબાદ તેઓ સહકારી ક્ષેત્રને સાચવી રાખવા માટે ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્યા હતા.

અનેક કૌભાંડમાં વિપુલ ચૌધરી

દૂધ સાગર ડેરી પહોંચેલા વિપુલ ચૌધરીએ દાવો કર્યો હતો કે મેં કોઇ કૌભાંડ નથી કર્યું. અમે મહારાષ્ટ્રમાં સાગરદાણ આપ્યું હતું. ચૌધરી પર રૂ.1500 કરોડના કૌભાંડનો આરોપ મુકાયો હતો. અગાઉ સાગરદાણ કૌભાંડનો આરોપ થયો હતો. મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ, ખાંડ કૌભાંડ, ખોટી ભરતી, દૂધ સંઘમાં અંગત ખર્ચાઓ અને ખોટા દાન સહિતના મુદ્દે રજીસ્ટ્રારે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં ડિસેમ્બર-2015ની તપાસ કાર્યવાહીના અંતે માર્ચ-2016માં સંઘની ચુંટણી દરમ્યાન સહકારી કાયદાની કલમ 76-બી મુજબ કાર્યવાહી કરી હતી. જેના આધારે રજીસ્ટ્રારે વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી દૂર કરી આગામી ૩ વર્ષ સુધી કોઈપણ સહકારી સંસ્થામાં ચુંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. વિપુલ ચૌધરીનાં નામે સાગરદાણ કૌભાંડ, ખાંડ કૌભાંડ, મોલાસીસમાં રૂ.36 કરોડના ગોટાળા, દિલ્હીની કંપનીને રૂ.57 લાખના ચેક આપવાના કૌભાંડોમાં સંડોવાયેલા છે.

 

 [:]