[:gj]થરાદમાં બે, ડીસામાં પોણા બે જયારે વડગામમાં દોઢ ઈંચ વરસાદ [:]

[:gj]ડીસા, તા.૧૨

બનાસકાંઠામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. મંગળવારે પણ કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટાં પડ્‌યા હતા. મંગળવારે થરાદમાં બે ઇંચ, ડીસામાં પોણા બે તેમજ વડગામ વિસ્તારમાં વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પુર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બુધવારે સવારે છ વાગ્યે પુરા થયેલા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ ખાતે ૦૩, કાંકરેજમાં ૧૮,  ડીસામાં ૪૧, થરાદમાં સૌથી વઘુ ૫૦ મિલિમિટર, દાંતામાં ૧૧, દાંતીવાડામાં ૧૧, દિયોદરમાં ૦૩, ધાનેરામાં ૧૭, પાલનપુરમાં ૦૮, લાખણીમાં ૧૮, વડગામમાં ૩૧ તેમજ વાવ વિસ્તારમાં ૧૫ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. દરમ્યાન આજે બુધવારે દિવસે પણ ડીસા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં પડ્‌યાં હોવાના અહેવાલો મળ્યા છે. બીજી બાજુ, ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે બનાસકાંઠાના દાંતીવાડા જળાશયમાં નવા નીરની આવક ચાલુ જ રહેવા પામી છે. સિંચાઈ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે સાંજે પાંચ વાગ્યે દાંતીવાડા ડેમમાં ૭૫૨ ક્યુસેક પાણીની આવક સામે દાંતીવાડા ડેમની જળ સપાટી ૫૭૦.૦૫ ફૂટ નોંધાઇ છે. જ્યારે સિપુ ડેમમાં પાણીની આવક બંધ છે અને આજે સાંજે પાંચ વાગ્યે સિપુ ડેમની જળ સપાટી ૫૮૨.૨૪ ફૂટ નોંધાઇ છે. એજ રીતે મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક બંધ છે અને આજે સાંજે પાંચ વાગ્યે મુક્તેશ્વર ડેમની જળ સપાટી ૬૨૯.૧૩ ફૂટ નોંધાઇ છે.[:]