[:gj]દલિતનો વરઘોડો કાઢવા ઈન્કાર પછી ફરીથી વરઘોડો કઢાયો [:]

[:gj]રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની એક પછી એક ઘટના સામે આવી રહી છે. મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે બે જૂથ વચ્ચે ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આજે એટલે કે સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે ફરી વરઘોડો કાઢવામાં આવ્યો છે.

મોડાસાના ખંભીસરમાં તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. ગામમાં રહેતા ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નનો વરઘોડો રવિવારે બપોરે કાઢવા માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. તે ગામમાં આ પહેલા અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો. આજે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો.

મહત્વનું છે કે, રવિવારે ચાર વાગ્યે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો ત્યારે વિરોધ કરનાર અન્ય સમાજના લોકોએ માર્ગો પર હવન અને મહિલાઓએ ભજન શરૂ કર્યા હતા. જેથી પોલીસે મહિલાઓને હટી જવા કહ્યું અને વરઘોડો કાઢનાર પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એકેય પક્ષ માન્યા નહોતા. અંતે સાંજે સાત વાગ્યે ભજન થતા હતા તે માર્ગ ઉપરથી વરઘોડો કાઢવાનો પ્રયત્ન થતાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જો કે આજે વધારાની પોલીસ અને SRPની એક કંપની ઉતારવામાં આવી છે.

રવિવારની બબાલની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે લાવવામાં આવ્યાં હતાં. આ મામલે વરરાજાના પિતા ડાહ્યાભાઈ રાઠોડે કહ્યું કે, અમારી સાથે અન્યાય થયો છે. અમે દલિત હોવાથી અમને ટાર્ગેટ કર્યાં છે. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે માર માર્યો છે. અમને કોઈ ન્યાય મળ્યો નથી. લગ્ન પૂર્ણ થયા બાદ અમે ફરિયાદ કરીશું. અત્યારે ફરિયાદ કરીએ તો લગ્ન ન થવા દે.જો અમને ન્યાય નહિં મળે તો અમે ધર્મ પરિવર્તન કરીશું.

મહત્વનું છે કે, બે દિવસ પહેલાં પ્રાંતિજમાં પણ વરઘોડાને રોકવામાં આવ્યો હતો. પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામે અનુસૂચિત જાતિના અનિલભાઈ સોમાભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈના લગ્નનો વરઘોડો ડીજે સાથે મંદિરે દર્શન કરવા જતો હતો. ત્યારે બે જુથના લોકો સામસામે આવી ગયા હતા. ડીજે સાથે વરઘોડાને મંદિર તરફ જતા અધવચ્ચે રોકવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ રક્ષણ સાથે મંદિર સુધી પહોંચ્યો હતો અને દર્શન કરી પરત ફર્યા હતો.[:]