[:gj]દોડવીરાંગના સરિતાનું ભવ્ય સ્વાગત [:]

[:gj]એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતનાં ચાર ખેલાડીઓએ ગુજરાતની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ સાથે 6 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરીતાની સાથે અમદાવાદી ટેનિસ પ્લેયર અંકિતા રૈના પણ હતી, જેણે એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેની સાથે સુરતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર પણ આવ્યા હતા, જેમણે એશિયન ગેમ્સમાં ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ એકી સાથે ચાર હીરોનું સ્વાગત કરાયું હતું. તે પછી તુરંત સરિતા ગાયકવાડને ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવાઇ છે. કુપોષણ વિરુદ્ધનાં અભિયાનમાં સરિતા બ્રાન્ડ એમ્બેસેન્ડર રહેશે. સરિતા સાથે અંકિતા રૈના પણ બ્રાન્ડ એમ્બેસેન્ડર બની છે. “બેટી બચાવો, બેટી પઢાવો”ની અંકિતા રૈના બ્રાન્ડ એમ્બેસેન્ડર બની છે.
આ ચારેય ખેલાડીઓનું સ્વાગત તેમના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. તમામ રમતવીરોને પોતાના ઘરઆંગણે ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો, પરંતુ સૌના આકર્ષણનું કેન્દ્ર સરીતા હતી.
સરિતા
દોડવિરાંગના સરિતા ગાયકવાડ અમદાવાદમાં IT વિભાગમાં મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવી રહેલી છે. વિભાગ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે IT વિભાગે સરીતા ગાયકવાડને રૂ.1 લાખનું ઈનામ પણ આપ્યું છે. સરિતાને IT વિભાગમાં પ્રમોશન આપવામાં આવશે. ઇનકમ ટેક્સ વિભાગના જુદાજુદા એસોસિયેશનો દ્વારા સરીતા માટે લાખો રૂપિયાના પુરસ્કારની પણ ઘોષણા કરવામાં આવી હતી. સરિતા લોકોના આકર્ષણનું એ રીતે કેન્દ્ર બની હતી કે તેના માતા-પિતા આ સમગ્ર માહોલ જોઈને અચંબિત થઈ ગયા હતા. લોકોએ સરીતા સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.

ટેનિશ પ્લેયર અંકિતા
સિંગલ્સ મહિલા ટેનિસમાં બ્રોન્ઝ મેડલિસ્ટ, ટેનિસ જગતમાં અમદાવાદ અને ગુજરાતના નામને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવતી અંકિતા રૈનાનું પણ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંકિતા સાથે ટેનિસ રમનારા અને તેને ઓળખનારા લોકોની ભીડ પણ એરપોર્ટ પર જોવા જેવી હતી.
બે ખેલાડી સુરતના
ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલિસ્ટ, માનવ ઠક્કર અને હરમિત દેસાઈ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હરમિત અને માનવ બંને મૂળ સુરતના છે અને તેમની સફળતાએ પણ ભારતમાં ટેબલ ટેનિસ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવાની આશા દેખાડી છે. તેમનું પણ અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરિતાના માતા-પિતા રડી પડ્યા
વિભાગે સરીતા અને તેના માતા-પિતાનો વિશેષ સન્માન સમારંભ યોજ્યો હતો. સરીતા અત્યંત સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પિતા લક્ષ્મણભાઈ અને માતા રમુબહેન ગુજરાતના આદિવાસી પ્રદેશ ડાંગ જિલ્લાના ખરાડી આંબા ગામના નિવાસી છે. પોતાની દીકરીને આવકારવા આવેલા સરીતાના પિતા લક્ષ્મણભાઈ અને માતા રમુબહેન એરપોર્ટનો માહોલ જોઈને જ ભાવુક થઈ ગયા હતા. તેમની દીકરી સાથે ઇનકમ ટેક્સ વિભાગે માતા-પિતાનું પણ સન્માન કર્યું હતું.
શોપિંગ કરવા પૈસા ન હતા.
ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ સરિતાને જકાર્તામાં શોપિંગ કરવા માટે પૈસા ન હતા. વલસાડના ચિખલી શહેરમાં રહેતા અને સરિતા જેને રાખડી બાંધી છે તે ભાઈને ફોન કરી તાત્કાલિક પૈસા મોકલવા વિનંતી કરી હતી. સરિતાના માનેલા ભાઈ દર્શન દેસાઈ જે ચિખલી કોલેજનો ટ્રસ્ટી છે અને જ્યાં સરિતા પણ અભ્યાસ કરી ચૂકી છે, તેમણે જણાવ્યું કે, એશિયન ગેમ્સના એથલિટ્સને દૈનિક ભથ્થું મળતું હોય છે, પરંતુ મને જાણવા મળ્યું કે તેમાં વિલંબ થયો છે. સરિતાને શોપિંગ માટે પૈસાની જરુર હતી માટે મે આશરે 45000 રુપિયા તેના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

પોકળ સરકાર
એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરિતા ગાયકવાડને નિયમો પ્રમાણે રૂ.2 કરોડ આપવા જોઈતા હતા પણ ભાજપ સરકારે રૂ.1 કરોડ આપવાની જાહેરાત કરી હતી.
રૂપાણીની ખોખલી જાહેરાત
આ અગાઉ વર્ષ 2016 અને 2017માં જ્યારે સરિતા એક સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ત્યારે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ.5 લાખ ઇનામ આપવાની જાહેરાત કરાય હતી. પરંતુ હજુ સુધી સરિતાને રાજ્ય સરકાર તરફથી કોઇ જ ઇનામી રકમ પ્રાપ્ત થઇ નથી. આવું કંઇ પ્રથમવાર નથી. રાજ્યના કેટલાય રમતવીરોને આર્થિક સહાય પહોંચાડવામાં રાજ્ય સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના દાખલા ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે.
નર્મદ યુનિવર્સિટી પણ બોદી નિકળી
આ ઉપરાંત વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટી(VNSGU)એ સરિતાને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તે પણ આજ સુધી મળ્યું નથી. પિતા લક્ષ્મણભાઇ અને માતા રેમુબેન ખેતમજૂર છે. તેમની છેલ્લા 20 વર્ષોથી દૈનિક આવક માંડ 80થી 100 રૂપિયા છે. સરિતાનો ભાઇ દેનેશ્વર ITIમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે વેકેશન દરમિયાન ખેતીમાં કામ કરે છે. તેમ છતાં તેમને આ રકમ આપવામાં આવી નથી.
2016ની ઈચ્છા ફળી
ઈ.સ. 2013માં 200 મીટર અને 400મીટરમાં ગોલ્ડ મેડલ બાદ અને સને 2014માં ઉડ્ડુપી(કર્ણાટક)ખાતે યોજાયેલી 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ(25.05સેકન્ડ) 400મીટરમાં સિલ્વરમેડલ (55.05સેકન્ડ), 2015૫માં જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી 400મીટરની સ્પર્ધાનો સિલ્વર મેડલ (57.84 સેકન્ડ),પટીયાલા ખાતે યોજાયેલી ઇન્ટર યુનિવર્સિટીની 400મીટરની સ્પર્ધાનો સિલ્વર મેડ56.30સેકન્ડ) મેંગ્લોર ખાતે યોજાયેલી 400 મીટરનો બ્રોન્ઝ (55.14 સેકન્ડ) અને ફેબ્રુઆરી 2018માં વડોદરા ખાતે યોજાયેલી રાજયકક્ષાની ખેલ સ્પર્ધામાં 200 મીટર, 400 મીટર, 400 મીટર વિદ્નદોડ, 4/400 રીલે દોડમાં રાજયકક્ષાએ પ્રથમ નંબર હાંસલ કરી, 4 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, તો 4/100ની સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો છે. ત્યારે તેમણે એક સ્વપ્ન જોયું હતું કે ભારત માટે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવો. જે આખરે સાકાર થયું છે.
પી ટી ઉષા આદર્શ
રાષ્ટ્રીયકક્ષાનાં કેરેલીયન કોચ અજી મોહન પાસે સઘન તાલીમ મેળવી રહેલી સરિતા ગાયકવાડે નાનપણ માં પી.ટી.ઉષાનું નામ લોકમુખે ચર્ચાતું સાંભળ્યું હતું, અને તેણીને પણ લોકો પી.ટી.ઉષા તરીકે ઓળખતા થાય તેવી મહેચ્છા થતી હતી, અને મારા માતા પિતા, મારો પરિવાર, મારું ગામ સૌ કોઈ મારા ઉપર ગૌરવ લઇ શકે તેવું કંઈક કરવું જોઈએ. પી.ટી.ઉષાને પોતાની આદર્શ માનતી સરિતા ગાયકવાડે ફક્ત ત્રણ જ વર્ષનાં ટૂંકાગાળામાં દોડ માં અનોખી સિદ્ધિઓ હાંસલ કરીને,ગોલ્ડ અને સિલ્વર મેડલોનો ખડકલો કરી દીધો છે.
ખોખો પ્રિય હતી
ખો-ખો અને દોડની રમતમાં નાનપણથીજ ખુબજ રૂચી હતી, નડીયાદ ખાતેની સ્પોર્ટ્સ એકેડમીમાં સઘન તાલીમ મેળવી રહી છે. એસ.વાય.બી.એ.માં નવસારી જીલ્લા નાં વેપારી મથક ચીખલીની કોલેજમાં અભ્યાસ કરતી સરિતા ગાયકવાડ ધોરણ 12 સુધી ખો-ખો ની રમતમાં ભાગ લેતી હતી,પરંતુ ખો-ખો ની રમતએ ટીમની રમત છે.તેમાં વ્યક્તિગત સિદ્ધિ ક્યાંક દબાઈ રહી છે.અને બસ તેણીએ વ્યક્તિગત પ્રતિભાને ખીલવવા માટે રમત સ્પર્ધામાં દોડવીર બનવાનું લક્ષ કેળવ્યું હતું.
મહારાષ્ટ્રના દાડમના ખેતરમાં સરિતાએ મજૂરી કરી હતી
પિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ અને માતા રૂમીબહેન તેમજ બે બહેનો અને એકભાઈ સાથે ઉછરેલી સરિતાએ ડાંગ જિલ્લાના પાડોશી મહારાષ્ટ્ર રાજ્યનાં ખેતરોમાં દાડમ અને દ્રાક્ષની વાડીઓમાં મજુરીકામ પણ કરીને પરિવારને મદદરૂપ થતી હતી, ખેત મજૂરી કરતા માતા પિતા એ પણ પોતાની દીકરી ને ક્યારેય રમત-ગમત ક્ષેત્રથી દુર રહી પરિવારને કામકાજમાં મદદરૂપ થવા જણાવ્યું નથી, ઉલટાનું દીકરીનાં દોડવીરનાં સપનાને સાકાર કરવા પરિવારે પુરતો સહયોગ આપી હતી.[:]