[:gj]ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ફરતે કસાતો જતો સકંજો[:]

[:gj]ગાંધીનગર,તા:૧૪  અંધશ્રદ્ધાનો ધંધો ચલાવનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુ઼ડીની ફરતે હવે કાયદાનો સકંજો કસાતો જઈ રહ્યો છે. ઢબુડીના નામે ધનજીએ કરેલાં અનેક તરકટો પરથી પોલીસ તબક્કાવાર પડદો ઊંચકી રહી છે, અને ધનજીની મુસીબતો વધી રહી છે.

કેન્સરની દવા બંધ કરાવી યુવકનું મોત નીપજાવનારા ધનજી સામે મૃતક યુવાનના પિતા ભીખાભાઈ મણિયાએ બાંયો ચડાવી છે, અને તેને લગતા પુરાવા પેથાપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાછે.ભીખાભાઈએ વધુમાં પોલીસને જણાવ્યું કે ધનજી દ્વારા મારા પુત્રની સારવાર માટે નાણાંની માગણી કરવામાં આવતી હતી. ભીખાભાઈએ પેથાપુર પોલીસમાં પુરાવાઓ રજૂ કરવાની સાથે સાક્ષીઓને પણ રજૂ કર્યા હતા. જો કે ધનજી ઓડે ભીખાભાઈ મણિયા જુઠ્ઠું બોલતા હોવાનું જણાવ્યું હતું.

 

બીજી તરફ કાયદાની ચુંગાલમાં ફસાયેલા અને અકળાયેલા ધનજીએ પોતાના અનુયાયીઓ દ્વારા પત્રકારને ધમકી અપાવતાં પગ પર કુહાડી મારી છે. આ અંગે પત્રકાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જો કે મોટો અનુયાયી વર્ગ ધરાવનારો ધનજી ઉર્ફે ઢબુડી પોતાના એનઆરઆઈ અનુયાયીઓ દ્વારા રાજકીય દબાણ લાવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક પત્રકારને લંડનથી આવેલા ફોનકોલમાં પણ સામેની વ્યક્તિએ રાજકીય વગ વાપરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું હતું. આ ઉપરાંત પુરાવા જાહેર ન કરવા આડકતરી રીતે ધમકી આપવામાં આવી હતી.

વિજ્ઞાનજાથાએ દાવો કર્યો છે કે, ધનજી પાસે 200થી 300 કરોડની મિલકત છે, જેમાંથી મોટાભાગનાં નાણાં તે વિદેશ મોકલી ચૂક્યો છે. ધનજીએ લોકોની આસ્થાને હથિયાર બનાવી કરોડો ખિસ્સામાં સેરવી લીધા છે. વિજ્ઞાનજાથા ધનજીની હકીકત લોકો સમક્ષ લાવવા માટે સતત મહેનત કરી રહ્યું છે.

ધનજી ઓડના બેન્ક એકાઉન્ટ કરાયાં સીઝ

ધનજી ઓડે પેથાપુર પોલીસ સ્ટેશને પોતાનો જવાબ લખાવતાં બેન્કનાં ખાતાંની વિગતો લખાવી હતી, ઉપરાંત કેટલી ગાદી કરી છે તેની પણ વિગત આપી હતી. જે મુજબ ધનજી પ્રત્યેક ગાદીદીઠ રૂ.50 હજાર લેતો હોવાનું જણાવ્યું હતું. બેન્કના ખાતાની માહિતીના આધારે ધનજીનાં બેન્ક ખાતાંને સીઝ કરવામાં આવ્યાં છે. આ ખાતાંની તપાસ કરતાં રૂ.62 લાખ જમા હોવાનું જણાયું હતું.

કરોડો રૂપિયાનો વહીવટદાર હર્ષદ પટેલ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેડાસ્થિત હર્ષદ પટેલ ધનજીનો વહીવટદાર છે અને તેના દ્વારા ધનજી વિદેશ ફરાર થવાની તૈયારીમાં છે. વિદેશથી ધનજીને આવતાં નાણાંનો વહીવટ હર્ષદ પટેલ જ સંભાળતો હોવાનું જાણવા મળ્યું છે, ઉપરાંત હિસાબની મળેલી ચિઠ્ઠીમાં પણ હર્ષદ પટેલનો ઉલ્લેખ જોવા મળ્યો છે. આ ઉપરાંત ધનજીએ પોતાના સંબંધીઓના ખાતામાં પણ કરોડોનો વહીવટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હર્ષદ પટેલે પણ પોતાના મિત્રોના ખાતાનો ઉપયોગ કર્યાનું જાણવા મળ્યું છે.

 [:]