[:gj]ધોધમાર વરસાદથી વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ સિટિ ધોલેરા પાણીમાં [:]

[:gj]ધોલેરા વિસ્તારમાં ભારે વરસાદ થતાં ધોલેરા સર અને દુનિયાનો સૌથી મોટો સ્માર્ટ સિટીનો ચાલુ પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધોલેરા, પીપળી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર બંને બાજુ પાણી જ પાણી છે. ધોલેરાના 40 હજાર હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા છે. 10 વર્ષથી અહીં શહેર બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે શહેર બની ગયું હોત તો તે પાણીમાં ગરકાવ થઈ ગયું હોત. જ્યાં નજીક 5 હજાર વર્ષ પહેલાં લોથલ બંદર હતું તે પૂરના કારણે તબાહ થઈ ગયું હતું. હવે ધોલેરા અંગે થઈ રહ્યું છે.

રામદેવસિંહ ચૂડાસમાએ આ સમગ્ર બાબત વર્ણવતા કહ્યું હતું કે, ધંધુકા અને ધોલેરા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે જેમાં ધોલેરા સરની 22 ગામમાં પાણી ફરી વળ્યા છે. ક્યારેક વધુ તો ક્યારે ધીમીધારે આકાશમાંથી મેઘરાજા કાચુ સોનું વરસાવી રહ્યા છે. જેના કારણે ખેતીવાડીને મોટો ફાયદો થઈ રહ્યો છે. પશુઓ માટેના ઘાસચારાનો પ્રશ્ન પણ વરસાદના પગલે હળવો થતા પશુપાલકોને રાહત મળી છે. ધંધુકા-ધોલેરામાં 7થી 12 ઈંચ વરસાદ થયો છે.

 

920 ચોરસ કિલો મીટરના દુનિયાના સૌથી મોટા ધોલેરા સ્માર્ટ સિટી, નેનો સિટી, દુનિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. અહીં હાલ રૂ.3000 કરોડનું સરકાર રોકાણ કરી રહી છે. અને 2040 સુધીમાં અહીં 20 લાખ લોકો અમદાવાદ શહેરના વિકલ્પે વસતા હશે, એવું સરકારે જાહેર કર્યું છે. પણ 2થી 12 ફૂટ સુધી અહીં નદી, દરિયાના પાણી ભરાયા છે.

ધોલેરા પ્રોજેક્ટ પર પ્રશ્નાર્થ ઊભો થયો, 22 ગામની જમીન પાણીમાં

 

ધોલેરા સર અને સ્માર્ટ સિટીના 22 ગામની તમામ જમીન પર 2થી 12 ફૂટ સુધી વરસાદ, પૂર અને દરિયાની ભરતીથી પાણી ભરાવા માટે ભાલનો રકાબી આકાર જવાબદાર છે. સવારે અને સાંજે ભરતી આવે છે ત્યારે દરિયાના પાણી સર કે સ્માર્ટ સિટીમાં ઘૂસી આવે છે. નદીમાં રીવર્સ પાણી આવતાં હોવાથી સરની જમીન પર પાણી ભરાય છે. ગામ તળ ઊંચા હોવાથી ત્યાં બહુ પાણી આવ્યા નથી. પણ ખેતી અને પડતર જમીન પર પાણી ભરાયા હોવાથી ટીપી સ્કીમ જ્યાં બની છે ત્યાં પણ પાણી ભરાયા હોવાનું ગામ લોકો કહી રહ્યા છે.

તો ઔદ્યોગિક શહેરનું શું થશે?

 

દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર માટે મહત્વના સ્થળ અને ઔદ્યોગિક કલસ્ટર તરીકે વિકસી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન અને ધોલેરા શહેર, પશ્ચિમ ભારતના ડેડિકેટેડ ફ્રેઇટ કોરીડોર માટે મહત્વરૂપ ઔદ્યોગિક મથક બની રહેશે. આગામી વર્ષ-૨૦૪૦ સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે તેમાં  ૨૦ લાખની વસ્તી ધરાવતું અને અંદાજે આઠ લાખ લોકોને રોજગારી આપતું શહેર સરકાર બનાવી રહી છે. જે પાણીથી આફત સમાન બની રહેશે.

5 હજાર હેક્ટર પર પાણી ફરી વળ્યા

ઔદ્યોગિક શહેર માટે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિ.ની આ તમામ જવાબદારી છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોર્રેશન લિ. દ્વારા કેન્દ્ર સરકારનો ૪૯ ટકા અને ધોલેરા સર ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા રાજ્ય સરકારનો ૫૧ ટકા હિસ્સો રહેલો છે. આ પ્રોજેકટ માટે દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. ઇકવીટી સ્વરૂપે રૂ. ૩૦૦૦ કરોડનો સહયોગ અને ધોલેરા સર ડેવલપમેન્ટ ઓથોરીટીની અંદાજે રૂ.૩૦૦૦ કરોડની કિંમતની ૫૨૦૪ હેકટર જમીન છે. જેમાં બધે જ પાણી ભરેલા છે. જે મોટા ભાગે સરકારની પડતર જમીન છે.

વિશ્વના મોટા સોલર પ્રોજેક્ટ ખોરંભાશે

વિશ્વના સૌથી મોટા ૫૦૦૦ મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્ક ૧૧ હજાર હેકટરમાં બનવાનો છે. તે જમીનથી ઊંચો દરિયાની ભરતી કરતાં ઊંચે બનશે તો જ પાણી નહીં ભરાય. ખેતીની 40 હજાર હેક્ટર જમીન પર પાણી ભરેલા છે. 10 વર્ષોમાં સરમાં કશું કામ થયું નથી. ઉદ્યોગોને અહીં રસ નથી. એક વીઘે 15 મણ જીરું થઈ શકે તો અહીં નર્મદાનું પાણી આપવામાં આવે છે. અહીંની જમીનમાં થતો કપાસ શ્રેષ્ઠ છે. ભાલના ઘઉં વિશ્વભરમાં જાણીતા છે. તે તમામ વિસ્તાર રકાબી આકારનો ભાલ પ્રદેશ હોવાથી પાણી ભરાયેલા છે. જ્યાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બની રહ્યું છે.

સરકારના પ્રોજેક્ટ અટવાયા

હાલની સ્થિતિએ રૂ.3000 કરોડના ખર્ચના સરકારના 7 પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ઈ.પી.સી. ધોરણે ધોલેરા ખાતે સક્રિય વિસ્તારના રસ્તાઓ અને સેવાઓની રચના અને બાંધકામનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ  ટી પાસે છે જેનો ખર્ચ રૂ.1734.04 કરોડ છે અને તેની સમાપ્તીની નિયત તારીખ 9 સપ્ટેમ્બર 2019 છે. બીસીડી બિલ્ડીંગની ડિઝાઈન અને બાંધકામનો કોન્ટ્રાક્ટ ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડ પાસે છે, જે અમિત શાહ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. જેનો ખર્ચ 72.31 કરોડ છે. જેની સમાપ્તિની તારીખ 15 ડિસેમ્બર 2019 છે.

ડિઝાઈન, બાંધકામ, ઓ અને એમ પાણી સારવાર પ્લાન્ટ અને સહાયકામોનો કોન્ટ્રાક્ટ  એસપીએમએલ પાસે છે અને પ્રોજેક્ટનો ખર્ચ રૂ.90 કરોડ છે. જેની સમાપ્તીની નિયત તારીખ 30  સપ્ટેમ્બર 2019 છે. સીવેજ પમ્પીંગ સ્ટેશન, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, માસ્ટર બેલેન્સિંગ રિઝર્વેચરનો કોન્ટ્રાકટ એલ એન્ડ ટી પાસે છે જેનો ખર્ચ 53.92 કરોડ રૂપિયા છે. જેની સમાપ્તિની નિયત તારીખ 18 જૂન 2019 હતી. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન, ધોલેરામાં અધિયા નદીના પૂર સંરક્ષણ માટે બિડિંગના બાંધકામનો પ્રોજેક્ટ જુગલકિશોર અગ્રવાલ પાસે છે, જેનો ખર્ચ 14.19 કરોડ રૂપિયા છે. જેની સમાપ્તિની નિયત તારીખ  15 નવેમ્બર 2019 છે.

ઔદ્યોગિક કાર્યક્ષમ પમ્પિંગ સ્ટેશન, સીઈટીપી, એમબીઆર અને પંપીંગ સ્ટેશનની ડિઝાઈન અને નિર્માણ, ઈપીસી બેસિસ પર ટી.પી.2ઈ અને ડીએસઆઈઆર, ધોલેરામાં તેનું ઓપરેશન અને જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી પાસે છે. જેનો ખર્ચ રૂ.160.20 કરોડ છે અને તેની સમાપ્તિની નિયત તારીખ 5 ઓક્ટોબર 2019 છે. ડીએસઆઈઆરમાં ટીપીઆઈ ખાતે પીપલી પમ્પીંગ સ્ટેશનથી ડબલ્યુટીપી સુધી પાણી ટ્રાન્સમિશન મુખ્યના ડિઝાઈન, બાંધકામ, ઓ &એમ જેના માટે કોન્ટ્રાક્ટ ડી.આર.અગ્રવાલ પાસે છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 28.29 કરોડ રૂપિયા થશે. જેની સમાપ્તીની તારીખ 3 ઓગસ્ટ 2019 હતી. અહીં ભાજપના અનેક નેતાઓની જમીન છે. અમિત શાહના નજીકના અજય પટેલ અને અભય ચૂડાસમા અહીં હીત ધરાવે છે.

દરિયાની ભરતી

 

દુનિયાની બીજા નંબરની ભરતી ધોલેરામાં આવે છે. 10-11 મીટરની ભરતી આવે છે. તેથી દરિયા કાંઠો ધોવાય છે. અહીં ખેતરો પણ દરિયામાં ગકરાવ થઈ ગયા છે. અનેક ખેડૂતોના ખેતરના સરવે નંબર દરિયાની અંદર બોલે છે. એક સમયનું સમૃદ્ધ બંદર હવે દરિયાના કારણે પૂરાઈ ગયું છે. જમીન ખારી બની ગઈ છે. 2006માં પોર્ટનો જેકે સિમેન્ટ કંપની દ્વારા પાયો નંખાયો પછી અદાણીએ તે ખરીદી લીધું હતું. કલ્પસર પ્રોજેક્ટ સાથે આગળ વધવાના નિર્ણયને કારણે તેણે 84 દેશના વાવટા ફરકતાં તે ધોલેરા બંદર છોડી દીધું હતું. કલ્પસર યોજના મોદી બનાવી શક્યા નથી.

સીઆરઝેડનો ભંગ

ધોલેરા સરમાં પર્યાવરણ વિભાગની મંજૂરી મેળવવા માટે સરકાર હળાહળ જૂઠું બોલી છે. સીઆરઝેડના કાયદો અમલી બનાવ્યો નથી. વન અને પર્યાવરણ મંત્રાલયના આદેશ મુજબ દરિયાથી 7 કિમી સુધીનો જમીનનો વિસ્તાર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) ગણવામાં આવે છે. જ્યાં કોઈ કાયમી બાંધકામ કે વ્યાપારી પ્રવૃત્તિઓ થઈ ન શકે. પરંતુ નેતાઓની સ્વપ્ન નગરી ધોલેરા સર પૂરેપુરું ખંભાતના અખાતના કાંઠે ઊભું કરવાનો પ્લાન છે. વળી અહીં સૌથી મોટો ખતરો તો દરિયો પુરાતો જાય છે તે છે. દર વર્ષે અંદાજે 500 મીટર દરિયો અંદર જઈ રહ્યો છે. દરિયા કાંઠે રહેલી જમીન વધુ ખુલ્લી થઈ રહી છે. દરિયા કાંઠો ખવાઈ રહ્યો છે. ગુજરાત સરકારે ખાનગી કંપની પાસે કરાલેવાં સરવેમાં પણ આ બાબતો સ્પષ્ટ રીતે જણાવી છે. અહેવાલ કહે છે કે, દરરોજ એક સેન્ટિમીટર જેટલો દરિયો જમીન તરફ આગળ વધે છે. તેથી આખું શહેર દરિયાના જોખમથી ભરેલું છે.

ચાર ગામ દરિયામાં

ચાર ગામ તો દરિયામાં થોડા વર્ષો અગાઉ ગરકાવ થઈ ગયા છે. જો સર બનશે તો આવું જ થવાનું છે. સરમાં દરિયા કાંઠે મોટી હોટેલ બનાવવાનો પ્લાન છે. સર ત્રણ તબક્કામાં થઈ રહ્યો છે. દરેક તબક્કો 10 વર્ષે પૂરો થવાનો છે. એનો મતલબ એ છે કે સમગ્ર પ્રોજેક્ટ પૂરો થતાં 30 વર્ષ લાગવાના છે. ત્યાં સુધીમાં દરિયામાં સારા એવા ફેરફારો આવી ગયા હશે. 3 ઓગસ્ટ 2019માં સોઢી ગામની પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી ગયા હતા. 6 લેન માર્ગ બની રહ્યો છે, તે પણ પાણીમાં ગરકાવ છે.

[:]