[:gj]નકલી બેઠકોની બસીસમાં મુસાફરોની સલામત સવારી?…!![:]

[:gj]ગાંધીનગર, તા.01

રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ખરીદવામાં આવેલ 1500 બસીસમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. બસની સીટો હલકી ગુણવત્તાની નાંખી દેવામાં આવતાં 10 જેટલા ડેપોએ સીટ્સ તૂટી જતી હોવાની ફરિયાદ નિગમને કરી છે તેમ છતાં હલકી ગુણવત્તા આપનારાઓ સામે કોઈ પગલાં ભરાયા નથી તેમજ પોલીસ ફરિયાદ થઈ નથી.

ભીનુ સંકેલવાનો પ્રયાસ

કર્ણાટકના બેગલુરૂની એફ. પી. સીટીંગ સીસ્ટમ કંપની પાસેથી પેસેન્જર સીટ્સ ખરીદ કરવામાં આવી હતી. આ કંપનીએ નિગમના બે અધિકારીઓ સાથે બેઠક ગોઠવણ કરીને કૌભાંડ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એસ. ટી.ની મધ્યસ્થ કચેરીને મુસાફર બેઠકમાં ઈન્જેક્શન મોલડેડ પ્લાસ્ટીક બેક કવર હલકી કક્ષાના હોઈ તૂટી રહ્યાં હોવાની 17 ફરિયાદ કે રજૂઆતો મળી છે. જેમાં મહેસાણા, ભરૂચ, વલસાડ, હીંમતનગર, વડોદરા, પાલનપુર, જામનગર, રાજકોટ વિભાગના અધિકારીઓ તરફથી રજૂઆતો મળી છે. છતાં કંપની સાથે અંતર સંબંધોના કારણે પોલીસ ફરિયાદ કે આંતરિક ઓડિટ કરીને વિજીલંસ તપાસ થતી નથી. આમ આ પ્રકરણમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું છે.

98 બસની સીટ્સ રીપેર કરી

પેજેન્જર સીટ્સને બદલવાની અને સમારકામ કરવાની કામગારી છેલ્લા 8 મહિનાથી થઈ રહી છે. પ્રાથમીક તબક્કે 98 બસીસમાં હલકી સીટ્સ જણાઈ આવેલી છે. એસ ટીની સલામત સવારી માટે મુસાફરોની સલામતી જળવાઈ રહે તે માટે સીટ્સની ગુણવત્તા સારી ન હોય તો મુસાફરોનું જીવન જોખમમાં છે. આમ મુસાફરોની સલામતી સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે.

ભરૂચ વિભાગની 32 બસની બેઠક ખરાબ

ભરૂચ વિભાગની Z સીરીઝની 32 બસીસમાં 5 સીટ્સથી 44 સીટ્સ સુધી ખરાબ નિકળી છે. તેનો મતલબ કે આખી બસની બેઠકો પણ ખરાબ નિકળી છે. બસ નંબર ઝેડ-4674માં 44 બેઠક ખરાબ નિકળી છે. તો ઝેડ-4385 નંબરની બસમાં 5 સીટ્સ ખરાબ નિકળી છે. આખી બસની સીટ્સ ખરાબ હોય એવી 11 બસ તો માત્ર ભરૂચ વિભાગની છે.

38 બસ મહેસાણાની ખરાબ

મહેસાણા બસ વિભાગની 38 બસમાં ખરાબ સીટ્સ નિકળી છે. મોટાભાગની તમામ બસોમાં 2થી 42 સીટ્સ ખરાબ હોવાની ફરિયાદ ઝેડ સીરીઝમાં કરવામાં આવી છે. કુલ 76 બસમાં ખરાબ સીટ નિકળતા તે રીપેર કરવામાં આવી રહી છે જેમાં હીંમતનગરની 7 બસ, વડોદરાની 4 બસ, પાલનપુરમાં 2 બસ, જામનગરમાં 1, રાજકોટમાં 1 મળીને કુલ 90થી 98 બસ આવી રીપેર કરાઈ છે. ફરિયાદ ન મળી હોય એવી પણ અનેક બસીસ છે.

નરોડા ડેપો મેનેજરે 3 સપ્ટેમ્બર 2019ના રોજ સત્તાવાર રીતે જાણ કરી છે કે, ઈન હાઉસ પ્રોડક્શન પ્રોગ્રામમાં સુપર એક્સપ્રેસ બસમાં મૂકવામાં આવેલી બેઠકોમાં પ્લાસ્ટીક બેક કવર તૂટી અંગેની વ્યાપક ફરીયાદો વિભાગમાં ઉઠી છે. તેથી એફ પી સીટીંગ સિસ્ટમ કંપનીને રીપેર કરીને પ્રમાણપત્ર આપવા કહેવામાં આવ્યું છે. આવુ ખરીદી નિયામક રાણીપને પત્ર લખીને કહેવામાં આવ્યું છે.

કેવી છે કંપની

2005થી સ્થપાયેલી આ કંપનીમાં 500 કર્મચારીઓ કામ કરે છે અને તેના સીઈઓ ક્રિશ્ના એસ છે. રૂ.50 કરોડનું ટર્નઓવર કરતી એફ.પી. કંપની પાસેથી 19 કંપનીઓ સીટ્સ ખરીદ કરે છે જેમાં ગુજરાત એસ ટી ઉપરાંત ટોયાટા, રોયલ એન્ફીલ્ડ, ટીવીએસ, અશોક લે લેન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

ચેસીસ ખરીદીમાં કૌભાંડ થયું કોઈ પગલાં નહીં

રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. બસોની 2800 ચેસીસ ખરીદવામાં રૂ.2.5 લાખનો વધારો આપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુરો-3 ગ્રેડની બસોની ચેસીસ રૂ.8.50 લાખમાં ખરીદી હતી. જેમાં વધારો કરીને રૂ.11 લાખના ભાવે ચેસીસ ખરીદી કરવાની તૈયારી હતી.

 [:]