[:gj]નરોડા વોર્ડના મહામંત્રીએ 70થી વધુ અશ્લિલ વીડિયો વ્હોટ્સ એપ ગ્રૂપમાં પોસ્ટ કર્યા[:]

[:gj]અમદાવાદ, તા. 15

એક બાજુ વિધાનસભાની અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ભાજપના જ નરોડા વોર્ડના મહામંત્રીએ ભાજપના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પ્રકારની હરકત બાદ શહેર ભાજપ કે પ્રદેશ ભાજપ આ નેતા સામે કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું.

નરોડા વોર્ડના મહામંત્રીની હરકત

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના નરોડા વોર્ડના મહામંત્રી ગૌતમ પટેલે આજે ભાજપના એક વ્હોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યા હતા. અને તેમણે એક નહીં, બે નહીં પણ 70થી વધુ વીડિયો પોસ્ટ કરતાં માહોલ ગરમાયો છે. આ ગ્રૂપમાં મહિલા કોર્પોરેટર અને મહિલા કાર્યકરો પણ હતાં, જેઓ આ પ્રકારના વીડિયો જોઈને હેબતાઈ ગયાં હતાં. વીડિયો પોસ્ટ કરતાં એક પછી એક તમામ મહિલાઓ ગ્રૂપમાંથી નીકળી ગઈ હતી અને ભાજપના નરોડા વોર્ડના મહામંત્રી ગૌતમ પટેલ ઉપર ફિટકાર વરસાવી રહ્યાં છે.

નારીશક્તિની માત્ર પોકળ વાતો

ભાજપ દ્વારા મહિલાઓને હંમેશાં માનસન્માનની વાતો કરવામાં આવે છે, પરંતુ તેમના જ કેટલાક રંગીલા નેતાઓ દ્વારા કરવામાં આવતી હરકતો બહાર આવે છે ત્યારે ભાજપની આ વાતો માત્ર પોકળ હોવાનું સાબિત થાય છે. આ પ્રકારના વીડિયો ગ્રૂપમાં વાઈરલ થતાં જ એવા સવાલ ઊઠવા માંડ્યા છે કે, શું આવા નેતાઓના હાથમાં ભાજપે નરોડા વોર્ડનું સુકાન સોંપ્યું છે? શું આવા નેતાઓ નરોડાની માતા-બહેનોની સુરક્ષા કરશે? આ પ્રકારના સવાલો ઊઠતાં શહેર ભાજપની નેતાગીરી પણ વિમાસણમાં મુકાઈ ગઈ છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ મામલે શહેર ભાજપ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને જે કોઈએ પણ આ પ્રકારના અશ્લીલ વીડિયો પોસ્ટ કરનાર સામે ચોક્કસ પગલાં ભરવામાં આવશે.

રાજકારણ ગરમાયું

નલિયા સેક્સકાંડમાં દેશ આખામાં ભાજપની છબિ ખરડાઈ હતી. શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતી પાર્ટીમાં જ વ્યભિચારનો સડો લાગી ગયો હોય એવી રીતે સોશિયલ મીડિયામાં પક્ષના કેટલાંક નેતાઓ એવી ભૂલો કરે છે કે જેના કારણે લોકોમાં તો ભાજપની છબિ ખરડાય છે પણ સાથોસાથ ભાજપના નેતૃત્વ પર પણ આંગળી ચિંધાય છે. ગૌતમ પટેલના આ પ્રકારના કાંડ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નરોડા વોર્ડના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં ભાજપના આ નેતા દ્વારા કરાયેલા કૃત્યની આકરી ટિકા કરાઈ રહી છે અને મહિલાઓને આવા ભાજપના નેતાઓથી સાવધાન રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.

સુરતમાં પણ અશ્લીલ હરકત બહાર આવી હતી

અગાઉ સુરતમાં પણ ભાજપના વ્હોટ્સએપ ગ્રૂપમાં ભાજપના એક કાર્યકરની આવી અશ્લીલ હરકત સામે આવી હતી. કરંજ વિધાનસભા વોર્ડ નં. 13ના ગ્રૂપમાં ભાજપના કાર્યકરે અશ્લીલ ફોટા મૂકતા ભારે હોબાળો મચી ગયો હતો. એટલું જ નહિ આ ગ્રૂપમાં ધારાસભ્ય જનક બગદાણા પણ હતા. જો કે આ પ્રકારના ફોટો મૂક્યા બાદ ભાજપના કાર્યકર રાકેશ પટેલને ગ્રૂપમાંથી કાઢી મૂકાયો હતો.

સુરતમાં બની હતી ઘટના

સુરતમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ભાજપ કાર્યકરની ફરી એકવાર અશ્લીલ હરકત સામે આવી હતી. કરંજ વિધાનસભા વોર્ડ નંબર 13ના ગ્રૂપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા અશ્લીલ ફોટો મુકાતાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. એટલું જ નહીં વોટ્સએપના આ ગ્રૂપમાં ધારાસભ્ય જનક બગદાણા પણ સામેલ છે. જો કે અશ્લીલ ફોટો મૂક્યા બાદ ભાજપ કાર્યકર રાકેશ પટેલને ગ્રૂપમાંથી કાઢી મુકાયા છે.[:]