[:gj]નર્મદા જિલ્લાની કેવડિયા કોલોનીને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળશે[:]

[:gj]ગાંધીનગરઃતા:25 ગુજરાત સરકાર કેવડિયા કોલોની માટે વિશેષ દરજ્જો એટલે કે સ્પેશિયલ સ્ટેટસ આપવાનું વિચારી રહી છે, કારણ કે આ જગ્યાએ સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થળને પ્રવાસન મથક બનાવવા માગતી હોવાથી તેના વહીવટમાં ઝડપ આવે અને આ વિસ્તારનો વિકાસ કરવા વિચારી રહી છે.

31 ઓક્ટોબરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીની મુલાકાત લેવાના છે, આ જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રોજેક્ટને ખુલ્લા મૂક્યા છે, જેમાં જંગલ સફારીપાર્ક અને રિવર રાફ્ટિંગ મુખ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં 30થી વધુ યોજનાઓનું ઉદઘાટન કરી તેનો વિકાસ કરશે, જેના માટે રાજ્ય સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારને કેવડિયા ગામથી અલગ કરી રહી છે.

રાજ્યના મુખ્યસચિવ જે.એન. સિંહે કહ્યું હતું કે, કેવડિયા કોલોની જ્યાં છે ત્યાં લીમડી ગ્રામ પંચાયત આવેલી છે, પરંતુ રાજ્ય સરકાર કેવડિયાને તેનાથી અલગ કરી રહી છે. કેવડિયાનો વિકાસ થાય તે માટે આ વિસ્તારને સ્પેશિયલ સ્ટેટસ આપવાનું થાય છે, કારણ કે માત્ર ગ્રામ પંચાયત કેવડિયા કોલોનીનો વિકાસ કરી શકવા અસક્ષમ છે. તિરુપતિ બાલાજીની જેમ કેવડિયાનો પણ વિકાસ કરાશે.

નર્મદા જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીએ કહ્યું હતું કે કેવડિયા જ્યાં આવેલું ત્યાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલે કહ્યું હતું કે, કેવડિયા કોલોનીમાં હાલ સફાઈ અને પાણીની સુવિધા જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. સરકાર ખૂબ ઝડપથી અલગ સ્ટેટસ આપશે અને તેનો વિકાસ સરકારની દોરવણી હેઠળ કરવામાં આવશે.

સોમનાથ મંદિરને વહીવટી ઉદ્દેશ સાથે સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવી રહ્યું છે તેવી જ રીતે અંબાજીને પણ સ્પેશિયલ સ્ટેટસ મળશે. અને હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્પેશિયલ સ્ટેટસનું સ્થાન અપાઈ રહ્યું છે. આ સ્થાનમાં વિકાસ માટે રૂપિયાની કોઈ અછત ન પડે તે જોવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યસચિવ જે.એન. સિંહને કહ્યું છે.

કેવડિયા કોલોનીમાં 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. મોદી છેલ્લે તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા કોલોની ગયા હતા. સરદાર સરોવર જળાશય તેની 138.68 મીટરની ઊંચાઇએ ભરાઈ ગયા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પહેલી કેવડિયા મુલાકાત હશે. 31 ઓક્ટોબરે કમાન્ડોની પરેડ સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

નરેન્દ્ર મોદી સફારી પાર્ક, મિરર ભૂલભૂલૈયા, કેવડિયા રેલવે સ્ટેશન, વિશ્વવાન, કેક્ટસ ગાર્ડન, ડાઈનાસૌર પાર્ક, એકતા નર્સરી, આરોગ્ય વન, એક્વેરિયમ, બટરફ્લાય પાર્ક, ભારત ભવન, નર્મદા નિહાર સહિતના 30 જેટલા કાર્યક્રમોનું ઉદઘાટન કરશે.[:]