[:gj]પત્રકારોની સલામતી અને સુરક્ષા માટે સમિતિ બની [:]

[:gj](જી.એન.એસ.) ગાંધીનગર, તા.10
ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્થંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી જોખમમાં મુકાઇ ગઈ હોત તેમ એવા બનેલા બનાવોની તપાસ અને સમગ્ર ગુજરાતના પત્રકાર જગતમાં સલામતી અને સુરક્ષાની લાગણી માટે અમદાવાદ માં તાકીદે યોજાયેલી એક ઓપન સેશન સમાન મીટીંગ માં વરિષ્ઠ પત્રકારોની સમિતિ રચીને ૧૫ એપ્રિલ ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીવી9 ને પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય મોત, ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયા ને આપેલી ધાક ધમકી અને માહિતી ખાતા દ્વારા કરતી કનડગત વગેરેની ચર્ચા કરીને ગુજરાતમાં મીડિયાની સલામતી ચિંતાજનક હોવાની લાગણી સર્જાઈ છે. પત્રકારો સમગ્ર મીડિયા જગતની સલામતી માટે પહેલીવાર મોટી સંખ્યામાં અને તેમાં પણ વરિષ્ઠ પત્રકારોની હાજરીને કારણે એક લાંબી લડત ના મંડાણ થયા છે. મીડિયા હવે આકરા પાણીએ છે. બસ બહુ થયું એવી પણ એક લાગણી જોવા મળી હતી.
ગુજરાતમાં મીડિયા પ્રત્યે હોતી હૈ ચલતી હૈ જેવું વર્તન જોવા મળે છે. ટીવી9 ના પત્રકાર ચિરાગ પટેલ ની હત્યાની તપાસમાં પોલીસ હજુ એ નક્કી કરી શકી નથી કે તેમની હત્યા થઇ કે આત્મહત્યા કરી છે. મામલો ખુબજ સંગીન છે. બીજી તરફ નેતાઓ દ્વારા મીડિયાની જાણે કે કોઈ હસ્તી જ નાં હોય તેમ જાહેરમાં બફાટ કરવો અને તેના વિષે મીડીયાકર્મી ફરજના ભાગરૂપે સવાલો કરે ત્યારે તેમને જોઈ લેવાની ધમકીઓ મળે છે. પ્રેસ અને મીડિયાની સાથે કરતા ગેરવર્તન આ તમામ બાબતોને લઈને અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે વરિષ્ઠ પત્રકારોની આગેવાનીમાં એક બેઠક ખૂલા મંચ સમાન યોજાઈ હતી. જેમાં તમામની એવી લાગણી હતી કે બસ, હવે બહુ થયું હવે નહિ તો કદી નહિ એવી ઉગ્ર લાગણી સાથે કેટલાક નિર્ણયો લેવાયા હતા.
મીડિયા જગતની લાગણી છે કે ગુજરાતમાં પત્રકાર આલમ સાથે સરકાર, પોલીસ, અધિકારીઓ વગેરે દ્વારા યોગ્ય ઢબે વર્તન જોવા મળતું નથી. મીડિયા શું કરી લેશે એવી એક ઉપેક્ષિત લાગણી સાથે સૌ સત્તાવાળાઓ મીડિયા સાથે વર્તે છે. માહિતી ખાતું તો વળી સાતમા આસમાને છે. લોકશાહી માં જેટલું મહત્વ સરકાર-વિધાનસભા-વહીવટી તંત્ર નું છે એટલું જ મીડિયાનું પણ છે. તેની અવગણના કરવાથી છેવટે તો લોકશાહીને સહન કરવું પડે. જો સરકાર કે સત્તાવાળાઓ ઇચ્છતાં હોય કે મીડિયાને હેરાન પરેશાન કરો ભલે લોકશાહી ખત્મ થઇ જાય તો એવા નેતા એવી સરકાર ભીંત ભૂલે છે. ગુજરાતમાં મીડિયા એક થઈને સરકારમાં રજૂઆત કરે ત્યારે સરકાર પણ તેને અતિ ગંભીર ગણી ને ત્વરિત પગલા ભરે અને ગુજરાતમાં પત્રકારો અને મીડિયા સલામત અને સુરક્ષિત છે એવો હકારાત્મક સંદેશો પણ સરકાર આપે તે જરૂરી છે.
મિટિંગમાં લેવાયેલા નિર્ણયો આ પ્રમાણે છે…ચીરાગની હત્યા માટે તુરંત પગલાં ભરવા સરકારમાં રજુઆત કરવી, પત્રકારોની સલામતી માટે વિશ્વાસમાં લઇ પત્રકાર સુરક્ષા કાયદો બનાવવામાં આવે. પોલીસ દ્વારા પત્રકારો સામે અલગઅલગ ખોટી કલમો લગાવી કેસ કરવામાં આવે છે. ખંડણી માંગવી, બ્લેકમેલ કરવા, ફરજમાઃ રૂકાવડ, બનાવટી પોલીસના કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે. ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુક્ત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવે. મહિલા પત્રકારોને ફિલ્ડમાં પરેશાનીનો ભોગ ન બનવું પડે તે માટે ખાસ સલામતી આપવામાં આવે. જ્યારે પણ હુમલા થાય ત્યારે પત્રકાર એકલા નથી એવું ન લાગે તે માટે મદદ કરી શકે એવી કાયમી સમિતિ બનાવવી. દરેક જિલ્લામાં કે તાલુકા કે શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિ બનાવવી. જે રાજ્ય કક્ષાની સંકલન સમિતિ સાથે રહી સ્થાનિક સત્તાધીશોની સમક્ષ પત્રકાર સુરક્ષા કાયદો લાવવાની માંગણી કરે. જેમાં સરકારી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓને લેખિતમાં માંગણી કરે જે 16 સભ્યોની રાજ્ય સંકલન સમિતિને જાણ કરે. સલામતી માટે કાયદો બનાવવા અને સુરક્ષા માટે મુખ્યપ્રધાનને આવેદન આપવા ગાંધીનગર ખાતે તારીખ 15 એપ્રિલ 2019ના રોજ સવારે 8 વાગ્યે જશે. સમગ્ર રાજ્યમાં પત્રકારોની એકતા સલામતી માટે ઉભી કરવી.
રાજ્યકક્ષાની સંકલન સમિતિના સભ્યોઃ ધીમંતભાઈ પુરોહિત, હરી દેસાઈ, દિલીપ પટેલ, પદ્મકાંત ત્રિવેદી, ભાર્ગવ પરીખ, ટીકેન્દ્ર રાવલ, દર્શના જમીનદાર, અભિજિત ભટ્ટ, ગૌરાંગ પંડયા, પ્રશાંત પટેલ, જીજ્ઞેશ કાલાવડિયા, નરેન્દ્ર જાદવ, યુનુશ ગાઝી, ચેતન પુરોહિત, દિપેન પઢીયાર, મહેશ શાહ[:]