ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલાં હુમલા સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, આ પ્રકારનાં બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અને પરપ્રાંતિયો પરનાં હુમલા સંદર્ભે અત્યારસુધીમાં 63 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. તથા સેંકડો લોકોની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.
હિંમતનગરનાં ઢૂંઢર ગામે 14 માસની માસૂમ સાથે થયેલાં દુષ્કર્મમાં પરપ્રાંતિય હોવાનું બહાર આવ્યાં બાદ રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પેટિયું રળવા રાજ્યમાં સ્થાયી થયેલાં પરપ્રાંતિયોને નિશાન બનાવીને તેમનાં ઉપર હુમલા કરવાની સંખ્યાબંધ ઘટનાઓ બની હતી. જેનાં કારણે ભયનાં ઓથાર હેઠળ પરપ્રાંતિયો ગુજરાતથી હિજરત કરવાનું શરૂ કર્યું હતું. જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મામલે કેવાં પગલાં ભર્યાં છે તે અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. જે સંદર્ભે આજે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, પરપ્રાંતિયો પરનાં હુમલાનાં કેસમાં અલગ અલગ 63 જેટલાં ગુના નોંધવામાં આવ્યાં છે. જેમાં રાજ્યનાં 10 જિલ્લાઓમાં ટોળાંઓ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતાં રાજ્યની પોલીસે ગુનાઓ આચરનારાઓને ઝડપી લઈને કામગીરી કરી છે. ઉપરાંત આ હુમલામાં સંડોવાયેલાં સેંકડો લોકોની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.
સોગંદનામામાં વધુમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા ઉપર પણ જે પ્રકારે ઉશ્કેરણીજનક ભાષણ, વીડિયો મૂકનારાઓ સામે આઈટી એક્ટ હેઠળનાં 10 કેસ કરવામાં આવ્યાં છે. અને તે સંદર્ભે આ એક્ટ હેઠળ કુલ 89 જેટલાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે, રાજ્યની શાંતિ ડહોળનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય માટે દેશનો કોઈ પણ નાગરિક પરપ્રાંતિય નથી. ગુજરાતમાં દરેક ધંધા રોજગારી માટે આવે તેમનો અધિકાર રોકનાર તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે.
સોગંદનામામાં રાજ્ય સરકારે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, દેશમાં ઔદ્યોગિક ક્રાંતિમાં નંબર 1 ગણાતાં ગુજરાતમાં લાખો માઈગ્રન્ટ્સ છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતનાં અન્ય રાજ્યોમાંથી લોકો ધંધા રોજગાર માટે ગુજરાતમાં આવીને સ્થાયી થયાં છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તમામ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહિવટી તંત્ર તેમ જ પોલીસ ફોર્સ સતત કામગીરી કરી રહી છે.
સરકારે એવું પણ જણાવ્યું છે કે, તહેવારો અને સામાજિક કારણોસર પોતાનાં વતન જનારાં લોકોને પણ હિજરતની જેમ જોવું ખોટું છે. અને ખાસ તો એ કે ગુજરાતમાં કોઈની સાથે જન્મસ્થળ કે ભાષાનાં આધારે ભેદભાવ રાખવામાં આવતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિંમતનગરનાં ઢૂંઢર ગામે 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ બાદ પરપ્રાંતિયો પરનાં હુમલાનાં બનાવો બન્યાં હતાં અને આ હુમલાઓ પાછળ કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અને ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોર અને તેની સેનાનો હાથ હોવાનાં આરોપો લાગ્યાં હતાં. તેમ જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ મામલે રાજનીતિ પણ શરૂ કરાઈ હતી અને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપનો મારો પણ ચાલ્યો હતો. ત્યારે હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જે સોગંદનામું રજૂ કર્યું છે તે મુજબ આવનારા દિવસોમાં રાજ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે સરકાર સજ્જ છે કે નહિ.
ગુજરાતી
English



