[:gj]પાલનપુરમાં બે ઈંચ વરસાદ, માલણ દરવાજા પાસેના 20 પરિવારોનું સ્થળાંતર કરાયું[:]

[:gj]પાલનપુર, તા.૦૩ 

ઉત્તર ગુજરાતમાં રવિવારે રાતથી સોમવાર સુધી સામાન્ય ઝાપટાંથી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, સોમવાર સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં છુટાછવાયા હળવા ઝાપટાં જ વરસ્યા હતા. છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ જોઇએ તો 47 પૈકી 37 તાલુકામાં હળવાથી માંડી 4 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 4 ઇંચ, પોશીનામાં સવા ત્રણ ઇંચ અને દાંતામાં 3 ઇંચ, પાલનપુર-ડીસામાં 2-2 ઇંચ, સતલાસણામાં પોણા બે ઇંચ, અમીરગઢમાં દોઢ ઇંચ, લાખણીમાં સવા ઇંચ, વિજયનગર અને ભિલોડામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ રવિવારે મોડી રાત્રે ફરીથી બનાસકાંઠા જિલ્લાના કેટલાક સ્થળોએ મનમૂકીને વરસ્યો હતો. વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. પાલનપુર શહેરમાં તો વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી માટે ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ ઘડાયો હતો. માત્ર બે ઇંચ વરસાદમાં જ બ્રિજેશ્વર કોલોની માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો અને વાહન વ્યવહાર અટકી ગયો હતો. સદનસીબે મોડી રાત હોવાથી સવાર સુધીમાં પાણીનો નિકાલ થઈ ગયો હતો.

શહેરના નીચાણવાળા મફતપુરા વિસ્તારમાં બે ઇંચ વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું હતું. આ વિસ્તારના 20 પરિવારોએ સ્થળાંતર કરી પોતાના સગા સંબંધીઓના ત્યાં મોડી રાત્રે 11 કલાકે આશરો લીધો હતો. વડગામ તાલુકાના જલોતરા પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતાં ગરમીથી ત્રસ્ત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાલનપુર, વડગામ વિસ્તારમાં અસહ્ય ઉકળાટ હોવા છતાં નહિવત વરસાદ પડતા લોકો નારાજગી વ્યક્ત કરતા હતા. ડીસામાં નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. જ્યારે રાજસ્થાનમાં પડેલા વરસાદના પગલે ધાનેરા શહેરમાં આવતી રેલ નદી પુન: વહેતી થયેલી જોવા મળી હતી.

દાંતીવાડા ડેમમાં 4800 ક્યુસેક સિપુડેમમાં 289 ક્યુસેક પાણી આવક 
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા વરસતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં હાલ 4800 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તો ડેમની સપાટી હાલ 565.75 ફૂટ પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. જ્યારે સિપુ ડેમમાં નોધપાત્ર પાણીની આવક થઈ છે. સિપુ ડેમમાં 289 ક્યુસેકની આવક નોધાઈ છે.[:]