[:gj]પીઆઈ તરીકે બઢતી મેળવનારાના ગૃહ વિભાગે પોસ્ટિંગ અટકાવ્યા[:]

[:gj]ગાંધીનગર, તા. 02

ગુજરાતમાં ખાલી પડી રહેલા પોલીસ ઈન્સપેકટરોની જગ્યા ભરવા માટે ડીજીપી ઓફિસને ખાસ્સી લાંબી  પ્રક્રિયા કરવી પડી હતી, સૌથી પહેલાં તો આ મામલો ખુદ પીએસઆઈ જ કોર્ટમાં લઈ ગયા હતા. જેના કારણે લાંબો સમય પ્રમોશન થઈ શકયા નહીં, તાજેતરમાં ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિ દ્વારા પીએસઆઈને ઈન્સપેકટર તરીકે બઢતી આપવાની લીલી ઝંડી આપી દીધી પણ ત્યારે જ ગૃહ વિભાગે ડીજીપી ઓફિસને જાણ કરી કે પ્રમોશન આપવા હોય તો આપો પણ તેમને પોસ્ટિંગ આપતા નહીં, આમ તો ડીજીપી પાસે પીએસઆઈ અને પીઆઈને જ પોસ્ટિંગ આપવાની સત્તા છે. પરંતુ છેલ્લાં ઘણા મહિનાથીઓ ગૃહ વિભાગ ઈન્સ્પેકટરોની પોસ્ટિંગ આપવાની પ્રક્રિયા ઉપર કોઈ અગમ્ય કારણસર નજર રાખી રહી છે.

હાલમાં રાજયમાં પોલીસ ઈન્સપેકટરોની જગ્યા ખાલી  છે જેના કારણે અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ પોલીસ સ્ટેશન ખાલી છે અથવા ઈન્ચાર્જ ઈન્સપકટરોથી ચલાવવામાં આવે છે. રાજયના ડીએસપી અને કમિશનરો દ્વારા ડીજીપી પાસે સતત ઈન્સપેક્ટરોની માગણી કરવામાં આવી છે. ખાલી પડેલી 535 જગ્યા ભરવા માટે એટલા પ્રમોશન થઈ શકે તેમ છે, પરંતુ પહેલાં નાણા વિભાગે તેઓ ચાલુ વર્ષે માત્ર ચાર પોલીસ ઈન્સપોકટરોના પગારની જોગવાઈ કરી શકે છે તેમ જણાવ્યુ હતું આમ છતાં ડીજીપી ઓફિસ દ્વારા રજાના દિવસે પણ કચેરીઓ ચાલુ રખાવી ડીપીસીની કામગીરી પૂરી કરાવી હતી.

જેના કારણે અંદાજ હતો કે એકાદ સપ્તાહમાં ગુજરાત પોલીસને નવા પોલીસ ઈન્સપેકટરો મળશે પરંતુ ગૃહ વિભાગના આદેશ પ્રમાણે ડીજીપી ઓફિસ ઈચ્છે તો પ્રમોશન પાત્ર પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપશે પણ તેમને પોસ્ટિંગ આપવામાં આવશે નહીં. પ્રમોશન લેનારા પીએસઆઈ પોતાના મૂળ સ્થાને પીઆઈ તરીકે રહેશે એટલે સંભવ છે કે કેટલાંક પોલીસ સ્ટેશનમાં એક જ બેચના વધુ પીએસઆઈ હોય તો તે તમામ ઈન્સપેકટરો થઈ જશે.  આમ, કેટલાંક સ્ટેશનોમાં બે કરતા વધુ ઈન્સપેકટરો પણ થોડાક સમય માટે રહેશે.

ગૃહ વિભાગ કેમ ઈન્સપેકટરોના પોસ્ટિંગ ઉપર નજર રાખે છે

પોલીસ ખાતામાં એક પ્રચલીત શબ્દ છે વહિવટદાર, ખરેખર આ વહિવટદાર જે વહિવટ કરે છે તેની સરકારી દસ્તાવેજમાં કોઈ નોંધ થતી નથી. આ વહિવટદારે પોતાના ઉપરી અધિકારીના બે નંબરનો વહિવટ કરવાનો હોય છે. ગુજરાત પોલીસના દફતર ઉપર આવી કોઈ પોસ્ટ નથી, પણ સિનિયર અધિકારીઓએ પોતાની સગવડ માટે આ પોસ્ટ ખાનગીમાં ઊભી કરી છે. રાજયના ઘણા સિનિયર અધિકારીઓ પોતે પ્રમાણિક હોવાનો દાવો કરે છે, પણ તે જ અધિકારીના વહિવટદારો પણ છે. જો પોતે પ્રમાણિક હોય તો વહિવટદાર કોનો વહિવટ લઈને ફરે છે તે પ્રશ્ન છે. આમ તો ગુજરાત પોલીસ પાસે પૈસા કમાવવાના અનેક રસ્તા છે. પણ પોલીસની બદલીમાં વિશેષ મળે છે એટલે અનેક વહિવટદારો બોલો કયાં બદલી કરાવવી છે તેવા દાવા કરતા જોવા મળે છે. જો કે, આ માત્ર હવામાં વાત પણ હોતી નથી, ચોક્કસ અધિકારીઓ ચોક્કસ જગ્યાએ પોતાની બદલી કરાવી પણ લેતા હોય છે. સંભવ છે કે આ બાબતને બ્રેક મારવા હાલ પુરતા પ્રમોશન લેનારા ઈન્સપેકટરોને પોસ્ટિંગ નહીં આપવા આદેશ થયો હશે.

 [:]