[:gj]પોતાના પક્ષના નેતાઓ જો દારૂ પીતા પકડાય છે તો તેમને છોડ્યા નથી[:]

[:gj]અમદાવાદ, તા.08

ગુજરાતની સરકાર દારૂ બંધીને વરેલી છે. ક્યાંય પણ દારૂ વેચાતો હોય તો તે બંધ કરી દેવામાં આવે છે. ભલે પછી તે ભાજપ કે કોંગ્રેસના નેતાઓ હોય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને દારૂ બંધીના અમલ માટે આકરાં નિર્ણયો પણ લીધા છે. જેમાં પોતાના પક્ષના કાર્યકરો કે નેતાઓ જો દારૂ પીતા હોય તો તેમની સામે આકરાં પગલાં લીધા છે. ભાજપના ટોચના નેતાઓએ ગુજરાતને દારૂ મુક્ત કરવા માટે રાજકીય શેહ શરમ રાખતાં નથી.

એ ગુજરાતના હીતના પગલાં કેવા છે તેની અહીં સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા ગુજરાતની દારૂબંધી અંગે આપેલા નિવેદનના કારણે ભારે મધપૂડો છેડાયો છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા તેમના નિવેદનો સામે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડયાપા હોવાના કેટલાય કિસ્સાઓ સામે આવેલા છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ગત સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના સાંસદ દ્વારા પોતાના પુત્રને રાજ્યનો સૌથી મોટો બૂટલેગર હોય તેમની પુત્રવધુને ટિકિટ ન આપવા જેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમ છતાં ભાજપ દ્વારા તેમના પુત્રવધુને ટિકિટ આપીને ધારાસભ્ય બનાવાયાં છે. તેવા સંજોગોમાં ભાજપ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રીના નિવેદન સામે કરાતો વિરોધ હાસ્યાસ્પદ લાગી રહ્યો છે.

ગુજરાત ભાજપના અનેક નેતાઓ અને પદાધિકારીઓ દારૂની મહેફિલ માણતા તેમજ પીધેલી હાલતમાં પકડાય છે. એટલું જ નહિ એકાદ બે કિસ્સામાં દારૂ પીને ધમાલ મચાવતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.  જે પૈકીનાં કેટલાક બનાવો અત્રે પ્રસ્તુત છે.

વડોદરામાં ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરના પુત્ર સહિત ૧૪ નબીરાઓ ઝડપાયા હતા  

વાઘોડિયા તાલુકાના વસવેલમાં જગદીશ શાહના ફાર્મમાં ગત ડિસેમ્બર ૨૦૧૮માં ચાલતી દારૂની મહેફિલ અંગે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દારૂની મહેફિલ માણતા વડોદરાના ભાજપના પૂર્વ ડે.મેયર અને કોર્પોરેટર યોગેશ પટેલ (મુક્તી)ના પુત્ર અને હાથીખાના વેપારી સહિત 14 નબીરાઓ પકડાયાં હતાં. પોલીસે સ્થળ પરથી બ્લેક લેબલ સ્કોચ વ્હીસ્કી અને બિયરના 10 ખાલી ટીન, 12 ફોન અને ચાર કાર મળી કુલ રૂ.18.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આપાર્ટીમાં વડોદરાના સેવાસદનના પૂર્વ ડે.મેયર યોગેશ પટેલ (મુક્તી)નો પુત્ર દર્પિત, કરિયાણાના વેપારી, પેટ્રોલ પંપ સંચાલક,  ટ્રેડિંગ, રેતી-કપચી, કપડા, કન્ટ્રક્શનનો ધંધો કરતાં વેપારીઓ અને નોકરિયાત યુવકો દારૂની મહેફિલ માટે ભેગા થયાં હતાં.

વાવ તાલુકા ભાજપના મહામંત્રી પીધેલા પકડાયા હતા

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાજપ મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જેના કારણે તે સમયે રાજ્યની ભાજપની રૂપાણી સરકારને નીચું જોવાનો અને વિપક્ષના કટાક્ષો અને પ્રહાર સહન કરવાનો વારો આવ્યો હતો. જિલ્લાના બાકાસર ત્રણ રસ્તા પાસે પોલીસે ભાજપના મહામંત્રી રણજીત ચૌહાણની ગાડી અટકાવીને ચેકિંગ કરતાં તેઓ દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા. જેથી પોલીસે તેમની ગાડી જપ્ત કરી હતી. જો કે બાદમાં આ મામલે કોકડું વાળી દેવાયું હતું.

અમરેલી ભાજપના મહામંત્રી પીતા પકડાયા

અમરેલી જિલ્લામાં વડિયા-કુંકાવાવમાં ચાલતી દારૂની મહેફિલ પર સ્થાનિક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા સહિતના કેટલાક અગ્રણીઓ ઝડપાયા હતા. આ દરોડામાં ભાજપનાએટીવીટી ના મહામંત્રી ગોપાલ આંટાવાળા તેમજ એક બેન્ક મેનેજર સહિતના લોકોને પોલીસે ઝડપી લીધા હતા. આ તમામ લોકો સંબંધીના પુત્રના લગ્ન પ્રસંગની મહેમાનગતી માણવા રેલવે કોલોનીમાં એકઠાં થયા હતા.

ભાજપના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

જામખંભાળિયા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટર સોનલ વાનરિયાનો પુત્ર રાજુ વાનરિયાને પીધેલી હાલતમાં તેની બીએમડબલ્યુ કાર સાથે મોટી ખાવડી પાસે મેઘપર પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ અગાઉ નશો કરેલ હાલતમાં રાજુ વાનરિયા ખંભાળિયા રોડ પર એક અકસ્માત કરીને નાસી છૂટ્યા હોવાની વિગતો પણ બહાર આવી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી હતી.

મુન્દ્રા ભાજપના નેતાની રાજસ્થાનમાં મહેફિલ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં કચ્છના મુન્દ્રા ભાજપના આગેવાનોનું શરમજનક વર્તન સામે આવ્યું હતું. જેમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા કચ્છ ભાજપના નેતાઓની દારૂ પીને મારામારી વાળી પોસ્ટ મૂકી હતી. વાયરલ થયેલી પોસ્ટમાં મુન્દ્રા તાલુકાના ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા અને મુન્દ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાજપ આગેવાન ખેંગાર ગઢવી વચ્ચે બાડમેર (રાજસ્થાન)ની હોટલમાં મારામારીના દ્રશ્ય જોવા મળ્યા હતા. તેની સાથોસાથ તેમાં ગાળાગાળીના અવાજો સ્પષ્ટ સાંભળવા મળ્યા હતા. હોટલમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક લોકોએ તેમને માર મારીને ભગાડી મૂક્યા હતા. આ ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપની સામે માછલાં ધોવાયા હતા.

ભાજપ નેતા અને મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખે દારૂ પીને ધમાલ મચાવી હતી

મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્સ સિનેમામાં દશામાના જાગરણની રાત્રે અગિયાર વાગ્યાના સુમારે ભાજપના નેતા અને મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલીત જેરામ કામરિયા દારૂ પીધેલી હાલતમાં ફિલ્મ જોવા ગયા હતા. ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં રહેલા આ ભાજપના નેતાને સિનેમાના સુરક્ષા કર્મીઓએ તેમને આવી હાલતમાં અંદર જતાં અટકાવ્યા હતા. જેથી ભાજપના આ નેતાએ સુરક્ષા કર્મીઓ ઉપર પોતાનો રોફ જમાવવાનું શરૂ કરી દીધું હતું. ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરિયા ઉશ્કેરાઈ ગયા હતા. તે પોતે ભાજપના આગેવાન છે, આ સિનેમા બંધ કરાવી દેશે, તેવી ધમકીઓ પણ સુરક્ષા કર્મીઓને આપીને રાજકીય રોફ બતાવવા માંડ્યા હતા. આ દિવસે દશામાનું જાગરણ હોવાથી સિનેમા હોલમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. જેથી સુરક્ષા લલીત કામરિયાને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જો કે પક્ષના નેતાને પોલીસ સ્ટેશને લઈ જવાતા જ સ્થાનિક ભાજપના કેટલાક મોટા માથાઓ દ્વારા તેમને છોડી મૂકવા માટે પોલીસ પર દબાણ શરૂ કરી દીધું હતું.

સેલવાસમાં નવા વર્ષની ઉજવણી કરીને આવતા ભાજપ-કોંગ્રેસના નેતા ઝડપાયા

ડાંગના વઘઈ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો દારૂ પીધેલા પકડાયા હતા. ભાજપના સભ્ય મંગેશ ચીમન ભોયે તથા કોંગ્રેસના સભ્ય રામજ ભાવજુ ધૂમ અને તેમનો ડ્રાઈવર કેફી પીણું પીધેલી હાલતમાં ભીલાડની ભીડજ પોલીસે પકડ્યા હતા. તેમને છોડાવવા માટે ભાજપના એક મંત્રીએ ભારે દબાણ કર્યું હતું. તેઓ નવા વર્ષની ઉજવણી કરીને સેલવાસથી પરત ફરી રહ્યા હતા ત્યારે પકડાઈ ગયા હતા. બાદમાં કોર્ટે તેમને 5 જાન્યુઆરી 2019એ છોડી મૂક્યા હતા.

ભારતમાતા કી જય સાથે દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો હતો

વડોદરામાં ભાજપના કાર્યકરો દારૂની મહેફિલ માણતા હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં વડોદરા ભાજપના કાર્યકરો મહેશ રાજ, ધવલ રાજ, શૈલેષ પરમાર, જિગ્નેશ પરમાર અને કમલેશ રોહિત દારૂની મહેફિલ માણતા દેખાતા હતા. આ મહેફિલમાં તેઓ દારૂની સાથોસાથ સિગરેટનું પણ સેવન કરતા જોવા મળ્યા હતા. ચોંકાવનારી વાત તો એ હતી કે, મહેફિલ માણનાર ભાજપના આ કાર્યકર્તાઓ ભાજપના ફ્લેગ સાથે ‘ભારત માતા કી જય’ ના નારા લગાવી રહ્યા હતા. ભાજપના કાર્યકરો જ નશાની હાલતમાં હોય તો સામાન્ય નાગરિકોને દારૂ પીતા કેવી રીતે ભાજપ સરકાર અટકાવશે? આ દારૂની મહેફિલ માણતો વીડિયો વરાળ થયા બાદ ભાજપના આ કાર્યકરો સામે પક્ષના મોવડીમંડળ દ્વારાકોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

ભાજપના આગેવાન દંપતીનો પુત્ર વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયો

કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ ઉમિયાશંકર જોશી અને ભચાઉ નગરપાલિકા કાઉન્સીલર કલ્પના જોશીના પુત્ર અભિષેક જોશી 45,000 રૂપિયાના વિદેશી અંગ્રેજી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. અભિષેક જોશી મુંબઈથી આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંધીધામ ખાતે ઉતાર્યો હતો. તે સમયે તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતા ગાંધીધામ રેલવે પોલીસે તેને અટકાવીને તેની તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન અભિષેક જોશીના થેલા અને ટ્રોલી બેગમાંથી વિદેશીદારૂની જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી 354 બોટલ અને 96 બીયરના ટીન મળી આવ્યા હતાં. જો કે આ મામલે ગાંધીધામ રેલવે પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.

ભાજપ ઉપપ્રમુખની હોટલમાં દારૂની મહેફિલ

જૂનાગઢ-રાજકોટ હાઇવે ઉપર વડાલ નજીક આવેલી હોટલ જૂનાગઢ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની ક્રિષ્ના ગાર્ડન રેસ્ટોરન્ટ અને હોટલ આવેલી છે. આ હોટલમાં જૂનાગઢ તાલુકા પોલીસે દારૂની મહેફિલ દરોડો પાડી ગાંધીનગરના ત્રણ સહિત છ શખ્સોને દારૂની પાર્ટી માણતા ઝડપી લીધા હતા. વડાલ નજીક રજિસ્ટર તપાસતા તેમાં શંકા જતા રૂમોની તલાશી લેતા એક રૂમમાંથી ગાંધીનગરના શૈલેન્દ્રસિંહ સોલંકી, હસમુખ પ્રજાપતિ અને જીજ્ઞેશ પરમારને દારૂ પીતા ઝડપી લીધા હતા.

ભાજપના નેતા ભવાન ભરવાડની ગોતા વિસ્તારમાં આવેલી ગોકુલ હોટલમાંથી જુગાર અને દારૂની મહેફિલ ઝડપાઈ છે. સોલા પોલીસે સાંજના સમયે હોટલમાં દરોડો પાડ્યો હતો જેમાં 18 નબીરાઓ જુગાર રમતા ઝડપાયા હતા. હોટલના અન્ય એક રૂમમાં દારૂની મહેફિલ પણ ઝડપાઈ હતી. હોટલનું સંચાલન દિનેશ ભરવાડ કરતો હોવાથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાતો રાત ધરપકડ બતાવી અને વહેલી સવારે જામીન પણ આપી દીધા હતા.

નલીયા કાંડને દારૂ

આ અગાઉ દોઢેક વર્ષ પહેલા કચ્છમાં નલિયા કાંડે ભારે ચકચાર જગાવી હતી ત્યારબાદ પણ કેફી દ્રવ્યો પીવડાવીને શારીરિક શોષણ કર્યાના જુદા જુદા આક્ષેપો થયા હતા. રાજકારણમાં નવી આવી રહેલી યુવતીઓ અને મહિલાઓ આગળ વધવા માટે તેમજ સારુ પદ મેળવવા માટે કેટલાક કિસ્સાઓમાં નેતાઓના આગ્રહને વશ થઈને દારૂ પીવે છે તો બીજા અમુક કિસ્સામાં મહિલાઓ જાતે જ દારૂ પીવાનું પસંદ કરતી હોય છે. ઘણી મહિલાઓ ફસાઈ જતી હોય છે ત્યારબાદ શારીરિક શોષણ જેવી ઘટનાઓ બહાર આવતી હોય છે તાજેતરમાં એક મહિલાએ ભાજપના પૂર્વ ધારાસભ્ય પર કોઈ ડ્રિંક્સ પીવડાવીને બેભાન કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ધારાસભ્યનો ભાઈ પકડાયો

સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલના કાકાનો દીકરો દારૂ સાથે પકડાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિસ્નુ નરેન્દ્ર પટેલ (28) મહારાષ્ટ્ર થાણા હાઈવેના વાઈન શોપમાંથી દારૂ લઇને સુરત આવી રહ્યો હતો. ત્યારે તે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ભાટિયા ચેકપોસ્ટ પાસે તેની સફેદ કલરની ટોયોટા કારમાં તે પકડાયો હતો.

ભાજપના મહામંત્રીએ દારૂ વેચવાની મંજૂરી માગી હતી

વડોદરા તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજય પંચાલે દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પાલન કરાવતી ગુજરાતની ભાજપ સરકાર પાસે સાવ અલગ જ પ્રકારની માંગણી કરી હતી. સંજય પંચાલે જિલ્લા કલેક્ટરને એક આવેદન પાઠવ્યું હતું, જેમાં તેમણે પોતાના જીવન નિર્વાહ માટે વિદેશી દારૂ વેચવાનો ધંધો કરવા દેવામાં આવે તેવી માંગણી કરી હતી. સંજય પંચાલે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાત સલામત છે. મારા પક્ષમાં હું છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે ભટકી રહ્યો છું. મેં કલેક્ટર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કમિશનરને બે-બે વાર આવેદન પત્ર આપ્યા છતાં આજદિન સુધી મને ન્યાય મળ્યો નથી.

ભાજપના તત્કાલિન સાંસદે કહ્યું હતું કે, મારો પુત્ર બુલટેગર છે

ગુજરાત વિધાનસભાની ગત સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ સુમનબેન ચૌહાણને કાલોલ બેઠક પરથી ઉમેદવાર નક્કી કરાયા હતા. જેથી પ્રભાતસિંહ ચૌહાણે પક્ષના પ્રમુખને પત્ર લખીને જણાવ્યુ હતું કે, મારો પુત્ર અને ભાજપના વિધાનસભાના ઉમેદવાર સુમનબેનનો પતિ મોટો બૂટલેગર છે. પોલીસે તેની પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડેલો છે. જેથી તેમને ટિકિટ આપવામાં ન આવે. ભાજપના જ સાંસદ દ્વારા પોતાનો પુત્ર બૂટલેગર હોવાના નિવેદનથી ભારે હંગામો મચી ગયો હતો.

શિક્ષણ મંત્રી વિભાવરી દવે ભાવનગરની શિક્ષક સોસાયટીમાં લોકોના પ્રશ્નો સાંભળતા હતા ત્યારે તેમને ફરિયાદ મળી કે બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યાલયની બાજુમાં દારૂ વેચાય છે ત્યારે તેમણે તુરંત સ્થળ પર દરોડો પાડી દારૂ પકડાવ્યો હતો. વિભાવરીબેને પોલીસ બોલાવીને જાતે જઈ દરોડા પાડી ફરિયાદ લખાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલા બૂટલેગર ગોપી ગોરધન વલેચા પાસેથી રૂ. 2000ની કિંમતનો 16 લીટર દેશી દારૂ કબજે લીધો હતો. શહેરમાં ક્યાંય પણ દારૂ ન વેચાવો જોઈએ, એવી સૂચના આપી હતી.

રાજ્યભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ક્યાં ક્યાં દારૂ પિતા કે વેચતા પકડાયા છે તે પોલીસ પાસે સંપૂર્ણ રૅકર્ડ છે અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પાસે પણ એ વિગતો પોલીસે મોકલાવી છે.

દારૂ પીવાનું છોડો નહીં, ઓછો પીવો: પ્રધાન

આઝાદી કાળથી દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતના ભાજપના ધારાસભ્યો જ હવે દારૂ પીવાની હિમાયત કરી રહ્યા છે. ધારાસભ્ય કાંતી ગામીતે 9 જૂન 2016મા કહ્યું કે દારૂ પીવાનું બંધ નહીં પણ ઓછું કરો. તહેવારો, લગ્ન પ્રસંગે જ દારૂ પીવાનું રાખવા માટે જણાવ્યું હતું. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કાંતિ ગામીતે દારૂ ઓછો પીવાની સલાહ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આપી હતી, જેના પગલે વિવાદ પેદા થયો હતો. દારૂ પીવો પણ માપમાં પીવો. પ્રસંગોપાત દારૂ પીવો તો કોઈ વાંધો નહીં પણ આપણી પાસે આદિવાસીઓ પાસે તો પીવાનું કોઈ માપ જ નથી. પીવા બેસે તો આખો દિવસ પીવે છે. કોંગ્રેસમુક્ત ગુજરાતના આગ્રહી ભાજપના નેતાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૈકી એક આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન કાન્તિ ગામીત હતા.

પૂર્વ મુખ્યપ્રધાને સમર્થન કર્યું

પૂર્વ મુખ્યપ્રધાન મંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ હજુ પણ દારૂ વેયાચ છે. કારીગર, શ્રમજીવી વર્ગ રોજ દારૂના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. દારૂબંધી ડામી દેવામાં અસરકારક પગલા ભરવાની આવશ્યકતા રહેલી છે. તેમનું નિવેદન કહે છે કે, ગુજરાત સરકાર દારૂના બેરોકટોક ધંધાને બંધ કરવામાં નિષ્ફળ ગઈ છે. સરકારની સામે જ દારૂબંધી અંગે તાતાતીર છોડ્યા છે.

સરપંચે દારૂબંધી કરી તો ભાજપે વિરોધ કર્યો

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે ખરા અર્થમાં દારૂબંધીનો અમલ અઢી વર્ષથી કરી બતાવ્યો છે. સરપંચ જાતે જઈને દારૂ વેચનારના માટલા ફોડી કાઢ્યા હતા. પહેલા ગામમાં દારૂ વેચાતો હતો. તેની સામે ભાજપના સાંસદ કે ધારાસભ્ય કંઈ કરી શકતા ન હતા, જે આ સરપંચે કરી બતાવ્યું છે. ગામમાં દારૂ પીને કોઈ પ્રવેશી શકતું નથી. રાજકીય નેતાઓ દારૂના હપ્તા લઈને દારૂ વેચવા દે છે, તેથી આ સરપંચ તેમને પસંદ નથી. એ તો ઠીક પણ ખેડા જિલ્લા પોલીસ વડા પણ તેમની ફરિયાદ લેતા નથી અને ધારાસભ્યની તરફેણ કરે છે. DSP ને ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે કહી દીધું હતું કે, ‘ફરિયાદ લેવી તે તમારું કામ છે. ન્યાય આપવો તે કોર્ટનું કામ છે. તમે ન્યાયાધીશ ન બનો. ધારાસભ્યની તમે તરફેણ ન કરો. મારી ફરિયાદ લો પછી બીજી વાત કરો.’

દારૂ બંધ થઈ શકે, BSPએ કરી બતાવ્યું BJPએ નહીં

છોટા ઉદેપુર નગરપાલિકાના ગુજરાતના એક માત્ર બહુજન સમાજ પક્ષના પ્રમુખ નેહા જયસ્વાલે પોલીસને કહી દીધું હતું કે જન્માષ્ટમી, તાજીયા અને ગણેશોત્સવમાં શાંતિ જોઈતી હોય તો દારૂના અડ્ડા બંધ કરાવો. છૂટથી દારૂ મળે છે. જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર સુજલ માયાત્રાની હાજરીમાં તેમણે અધિકારીઓને 19 સપ્ટેમ્બર, 2018ના રોજ કહ્યું હતું, જેની અસર પણ થઈ છે. ગણેશોત્સવ પૂરો થયો અને ક્યાંય જાહેરમાં દારૂ મળતો ન હોવાથી ક્યાંય ધમાલ કે છેડતી પણ થઈ ન હતી. દારૂડિયાઓ જાહેરમાં દારૂ પીને આવવાની હિંમત જ ન કરી હતી. જો આમ દરેક સ્થળે રાજકારણીઓ દારૂના અડ્ડા બંધ કરાવે તો દારૂ બંધ થઈ જાય તેમ છે પણ ધારાસભ્યો દારૂના અડ્ડા બંધ કરાવતા નથી, કારણ કે તેમને તેમાંથી હપતો મળતો હોય છે.

ઉમેદવારોએ કહ્યું દારૂ નહીં આપીએ

ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડનં 1ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં દારૂ લાવીને પીવડાવવો નહીં તેવી સાથે પ્રતિજ્ઞા લીધી હતી. હનુમાનજીના મંદિરે એકઠા થયેલા ઉમેદવારોએ દારૂ ન વેચવા તેમજ કોઈપણ ઉમેદવાર મતદારને દારૂ પહોંચાડે તો તેનો રૂ. 50 હજારનો દંડ કરાશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.

સાંસદના ગામમાં દારૂનો ધંધો

 

વિધાનસભાના ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવાએ કહ્યું હતું કે, ખુદ સાંસદ મનસુખ વસાવાના ગામ લોકો આજે દારૂના ધંધામાં ધકાયેલા છે. મનસુખ વસાવાનું ગામ હોવાથી ત્યાં પોલીસ પણ રેડ પાડતા અચકાય છે. શું સાંસદ મનસુખ વસાવા જિલ્લામાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓથી અજાણ છે? મનસુખ વસાવા દારૂ વેચવાવાળા બૂટલેગરો વિશે કેમ કંઈ બોલતા નથી? નર્મદા જિલ્લામાં દારૂના ધંધા ભાજપવાળા જ કરાવે છે. બૂટલેગરો પોલીસથી બચવા ભાજપમાં જોડાય જાય છે. નર્મદા જિલ્લામાં ભાજપ બૂટલેગરોના પૈસાથી જ તો ચૂંટણીઓ લડે છે.

ચૂંટણી જીતવા દારૂ આપીએ છીએ

પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ગોધરા ખાતે કહ્યું હતું કે વાઈન વગર ચૂંટણી જીતી શકાતી નથી. ભાજપના સાંસદ અચાનક સાચું બોલી ગયા હતા. છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પૈસાની રેલમછેલ, દારૂની રેલમછેલ, સત્તાનો ડર બતાવી અને વહીવટીતંત્રના દુરુપયોગથી સત્તા ટકાવી રહી છે. તેનું એમના સાંસદે જ અનુમોદન આપ્યું હતું. ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે પણ નશાબંધીનો કાયદો કાગળ ઉપર છે એવું આજે ભાજપના સાંસદ પ્રભાતસિંહે પણ ગોધરા ખાતે કીધું હતું.

સાંસદ વસાવાએ પણ સમર્થન કર્યું

પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે પ્લાસ્ટિક પર પતિબંધના બદલે પોટલી પર પ્રતિબંધ મૂકે તો સારું કહેવાય.

ભાજપ દારૂ લાવે છે

વિધાનસભાની ચૂંટણી સમયે 2017મા ભરત સોલંકીએ ચૂંટણી કમિશનને પત્ર લખીને કહ્યું હતું કે, ચૂંટણીના સમયે ભાજપ દ્વારા પાડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી દારૂ મગાવે છે અને લોકોને દારૂ પીવડાવીને તેઓ ચૂંટણીમાં મત મેળવે છે. ગુજરાતમાં ભાજપ માત્ર દારૂબંધીની વાતો જ કરે છે પરંતુ પોતે જ લોકોને દારૂ લઈને આપે છે. સુરત ભાજપના ઉમેદવારના કાર્યાલય પાસેથી જ દારૂ ભરેલી એક કાર પકડી પાડી હતી.

આવક જાય છે

નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે દારૂ અંગે કહ્યું કે ગુજરાતમાં દારૂ પર ટેક્સ નથી એટલે પેટ્રોલ-ડિઝલ પર ટેક્સ નાખવામાં આવે છે. પેટ્રોલ-ડિઝલ પર ટેક્સ નાખવાની સરકારને ફરજ પડી છે.

વિરોધ પક્ષ શું કહે છે?

શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં લીરેલીરાં ઉડાડ્યા હતા. 20થી 25 વર્ષથી ભાજપ સત્તામાં છે. આ સમયગાળો એક પેઢી જેટલો છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમે છે. ભાજપના લોકો દારૂ પીતા પકડાય છે. ભાજપના નેતાઓની ગુનાખોરી હવે વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓ સામે ગંભીર કહી શકાય એવી ઘટનાઓ નોંધાય છે. તેઓ સામાન્ય પ્રજાને પરેશાન કરી રહ્યા છે. ખૂન કરે છે. બળાત્કાર કરી રહ્યા છે. જુગાર, દારૂ અને સટ્ટો રમતા પકડાયા છે. ભ્રષ્ટાચાર કરતા પકડાયા છે. આમ હવે ભાજપ એ ભાજપ નહીં પણ ગુનાખોરીને પ્રોત્સાહન આપતો પક્ષ બની ગયો છે.

25 જુલાઈ 2006ના રોજ સરકારી પરિપત્ર બહાર પાડીને નશાબંધીના અમલીકરણની કામગીરી નશાબંધી અને આબકારી ખાતા પાસેથી લઈને પરત પોલીસ ખાતાને એ સુપરત કરે છે. એ પરિપત્રમાં જણાવ્યું હતું: ‘ગુજરાત રાજ્યના અસ્તિત્વથી તા. 30-04-1997 સુધી નશાબંધી અમલીકરણની કામગીરી ગૃહ વિભાગ નીચેના પોલીસ ખાતા દ્વારા કરવામાં આવતી હતી. તા. 30-04-1997થી આ કામગીરી માટે નશાબંધી અને આબકારી ખાતું અલગથી ઊભું કરવામાં આવેલ.

200 કરોડનો હપતો

ગુજરાતમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાંથી ગેરકાયદેસર 43,70,311 લીટર દેશી દારૂ પકડાયેલો છે, જેની કિંમત રૂા. 8,52,61,725 જેટલી થાય છે. જ્યારે 2,42,50,146 વિદેશી દારૂની બોટલ પકડાયેલી છે, જેની કિંમત 24,68,33,929 રૂપિયા જેટલી થાય છે. જ્યારે સત્તાવાર દારૂ આટલો પકડાયેલો હોય તો ગેરકાયદેસર દારૂનો વેપારનો આંકડો કેટલો મોટો હશે? ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને ગુજરાતમાં ભાજપ શાસનમાં રોજેરોજ કરોડો રૂપિયાનો દારૂ પાડોશી રાજ્યોમાંથી ઠલવાય છે. જે માટે ભાજપ સરકારનું ભ્રષ્ટ અને હપ્તારાજ જવાબદાર છે. સાથો સાથ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની કઈ પરિસ્થિતિ છે તેનું ચિત્ર રજૂ થાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ દારૂના 200 કરોડના હપ્તાની રાજનીતિના બધા ભાગીદાર છેઃ અલ્પેશ ઠાકોર

 [:]