અમદાવાદ, તા.30
પ્રતિબંધિત ગણાતા અને સંવેદનશીલ એવા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ઘૂસી ગયેલી એક નકલી મહિલા આઈપીએસની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. પોતાનો 2002 બેચની આઈપીએસ તરીકે પરિચય આપી કંટ્રોલ રૂમમાં રૂઆબ છાંટતી મહિલાના વર્તનથી શંકા જતા તેની વધુ પુછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. આઈપીએસ તરીકેની ખોટી ઓળખ આપનારી મહિલાની પોલીસે જડતી લેતા તેની પાસેથી પ્રેસ-પોલીસના ત્રણેક આઈકાર્ડ મળી આવ્યા છે.
ગઈકાલે ગુરૂવારના રોજ સવારે એક મહિલા કાળો કોટ પહેરીને શહેર પોલીસ કમિશનર કચેરીમાં પહોંચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફલોર પર આવેલા પોલીસ કંટ્રોલ રૂમમાં લગભગ પોણા બાર વાગે અજાણી મહિલા અચાનક જ ઘૂસી ગઈ હતી. અજાણી મહિલાએ પોતાની ઓળખ આઈપીએસ અધિકારી તરીકે આપતા એક તબક્કે તમામ પોલીસ અધિકારી -કર્મચારીઓ ઉભા થઈ ગયા હતા અને કેટલાકે તો સલામ પણ મારી હતી. અજાણી મહિલાએ પોતે 2002 બેચની આઈપીએસ હોવાનું તેમજ તેની બદલી રાજકોટ શહેરથી અમદાવાદ શહેરમાં થઈ હોવાથી હાજર થવા આવી હોવાનું જણાવ્યું હતું.
અજાણી મહિલાના વર્તનથી શંકા જતા પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીએ તેમની પૂછપરછ કરી હતી. તેમના હોદ્દા વિશે પ્રશ્ન પૂછાતા મહિલાએ પોતે એસપી હોવાનું જણાવતા શંકા મજબૂત બની હતી. વધુ પૂછપરછમાં મહિલા આઈપીએસ અધિકારી નહીં હોવાનું જાણવા મળતા તુરંત માધવપુરા પોલીસને કંટ્રોલ રૂમ ખાતે બોલાવી લેવાઈ હતી. માધવપુરના પીએસઆઈ એ.એન.દેસાઈ મહિલા સ્ટાફ સાથે કંટ્રોલ રૂમમાં દોડી આવ્યા હતા અને મહિલાને અટકમાં લીધી હતી.
માધવપુરા પોલીસે મિનાક્ષી રાવજીભાઈ પટેલ જે અંબાલાલ પટેલની પત્ની (ઉ.40 રહે. પારસનગર, બજરંગ આશ્રમ પાસે, સૈજપુર બોઘા) સામે સરકારી કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપવા બદલ ધરપકડ કરી હતી. મિનાક્ષી પટેલ પાસેથી પ્રેસ અને પોલીસના ત્રણેક ઓળખપત્રો પણ મળી આવ્યા છે.
મહિલાના ઈરાદાથી હજુપણ પોલીસ અજાણ
મિનાક્ષી પટેલ શા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં ગઈ હતી અને તેણે પોતાની ઓળખ આઈપીએસ તરીકે કેમ આપી તેની કોઈ જાણકારી હજી સુધી માધવપુરા પોલીસ મેળવી શકી નથી. માધવપુરા પીઆઈ વી.એન.રબારીને આ વિશે પૂછતા તેમની પાસે કોઈ માહિતી જ ન હતી. મહિલા માનસિક રીતે અસ્થિર હોવાની શક્યતાને પણ પીઆઈએ નકારી દીધી હતી. 24 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રહેલી મહિલા ક્યા ઈરાદે કંટ્રોલ રૂમમાં પહોંચી ગઈ હતી તેની જાણકારી પણ પીઆઈ પાસે નથી.