[:gj]પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનું ગણિત ખોટું પડ્યું[:]

[:gj]અમદાવાદ, તા. 21

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. છ રાઉન્ડના અંતે ૧૦ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. પૂરક પરીક્ષાનુ પરિણામ જાહેર થયા બાદ તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવેસરથી રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે ૪ હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ઓનલાઇનમાં કુલ ૨૪૮૮૪ અને ઓફલાઇનમાં ૧૦૮૮૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતાં કુલ ૩૫,૭૭૧ બેઠકો પર પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે.

યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એક જ ઓનલાઇન રાઉન્ડ કરીને કાર્યવાહી પૂર્ણ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવકિતા એ છે કે ચાર ઓનલાઇન અને બે ઓફલાઇન રાઉન્ડ કરવા પડ્યા છે. આમ, પ્રવેશ પ્રક્રિયામાં સત્તાધીશોનુ ગણિત ખોટું સાબિત થયું હોવાનું પ્રસ્થાપિત થયું છે. ચાર રાઉન્ડના અંતે કુલ ૧૪૭૦૦ બેઠકો ખાલી પડી હતી. પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થતાં પાંચમો અને છઠ્ઠો ઓફલાઇન રાઉન્ડ કરવામાં આવ્યો હતો. આ રાઉન્ડમાં કુલ ૪ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જેના કારણે હવે ૧૦,૭૦૦ બેઠકો ખાલી પડી છે.

યુનિવર્સિટી દ્વારા કુલ ૪૬૫૦૦ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં અવી હતી. જેમાં ઓનલાઇન રાઉન્ડમાં ૨૪૮૮૪  વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેની સામે ઓફલાઇન રાઉન્ડમાં ૧૦૮૮૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ, છ રાઉન્ડ પછી પણ કોમર્સ સહિતના જુદા જુદા કોર્સની ૧૦૭૦૦ બેઠકો ખાલી પડી છે. આ બેઠકો હવે આગામી વર્ષ સુધી ખાલી રહેવા દેવામા આવશે.[:]