[:gj]બરવાળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં બહાર આવી જૂથબંધી[:]

[:gj]

ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી નહિ હોવાનો મસમોટો દાવો કરનારી પ્રદેશ નેતાગીરીને આજે બરવાળા નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી મામલે જૂથબંધી હોવાનો અહેસાસ થયો હતો. પ્રદેશ નેતાગીરી દ્વારા અવારનવાર પોતાના પક્ષમાં ક્યાંય જૂથબંધી નહિ હોવાનું અને કોંગ્રેસમાં નેતા એટલાં જૂથ એવું કહેવામાં આવતું હતું. જોકે, આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપમાં પણ આંતરિક જૂથબંધી બહાર આવતાં ખૂદ ભાજપની પ્રદેશ નેતાગીરી ચોંકી ઉઠી છે. અને આ જૂથબંધી ખાળવા માટે ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી વિગતો અનુસાર બરવાળા નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની આજે ચૂંટણી હતી, અને તેમાં ઉમેદવારની લઈને વિવાદ સર્જાયો હતો. કુલ ૨૪ પૈકી ૨૩ સભ્યો ભાજપના હોવા છતાં ભાજપનો જૂથવાદ જોવા મળ્યો હતો. પાર્ટી દ્વારા આપવામાં આવેલ પ્રમુખના મેન્ડેટનો વિરોધ કરી પ્રમુખ તરીકે બળવંતસિંહ મોરી દ્વારા ઉમેદવારી નોંધાવાતા ભાજપનાં સ્થાનિક નેતાગીરી અને પ્રદેશ નેતાગીરી ચોંકી ઉઠ્યાં હતાં. ભાજપ દ્વારા પ્રમુખ તરીકે કમલેશભાઈ રાઠોડના નામનો મેન્ડેટ અપાયો હતો. પરંતુ, જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કમલેશભાઈનો વિરોધ નોંધાવી રહેલાં સભ્યોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે સભ્યોને સમજાવાનો પ્રયાસ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી દ્વારા કરતા તેમને મતદાન પ્રક્રિયા રૂમમાં જતા અટકાવવામાં આવ્યા હતા.
આજે બોટાદ જિલ્લાનાં બરવાળા નગરપાલિકાની ટર્મ પુરી થતાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. 24 સભ્યોની બરવાળા નગરપાલિકામાં ૨૩ સભ્યો ભાજપના અને ૧ સભ્ય કોંગ્રેસનો હોવાથી સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સત્તા પર છે, ત્યારે ભાજપ પાર્ટી દ્વારા આપવામાં આવેલ પ્રમુખ ઉપ પ્રમુખના મેન્ડેટમાં પ્રમુખ તરીકે કમલેશભાઈ રાઠોડ તેમજ ઉપ પ્રમુખ તરીકે રાજુભાઈ જાદવનું નામ ખૂલતાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો હતો. આ જૂથબંધીમાં એક જૂથ દ્વારા કમલેશભાઈ રાઠોડનો વિરોધ કરાતા બળવંતસિંહ મોરી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જેની મતદાન પ્રક્રિયા હાથ ધરાતા બળવંતસિંહ મોરીની તરફેણમાં ૧૪ સભ્યો અને કમલેશભાઈ રાઠોડની તરફેણમાં ૮ સભ્યોએ અને અન્ય ૨ સભ્યો દ્વારા તટસ્થ રહી મતદાન કરવામાં આવ્યું હતું. જેને લઈ પ્રમુખ તરીકે બળવંતસિંહ મોરી અને ઉપ પ્રમુખ તરીકે રાજુભાઈ જાદવની નિમણૂંક કરવામાં આવી હતી.
આજે યોજાયેલ બરવાળા નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં સભ્યોએ પક્ષ દ્વારા અપાયેલ મેન્ડેટ મુજબના નામનો વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઇ ગોધાણી દ્વારા પાર્ટીની વિરુદ્ધ કામ કરતા સભ્યોને સમજાવવાનો પ્રયાસ કરેલ પણ તેમણે મતદાન પ્રક્રિયા રૂમમાંથી બહાર કાઢી ફરી પ્રવેશ નહિ આપતાં ભારે વિવાદ ઊભો થયો હતો. આ ઉપરાંત પોલીસ સાથે ઘર્ષણ કરી રૂમ અંદર જવાનો પ્રયાસ કર્યા બાદ અંતે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. અને મેન્ડેટ વિરુદ્ધ પ્રમુખના નામ ની જાહેરાત કરાતા જિલ્લા પ્રમુખ દ્વારા પણ આ વાતને સ્વીકારી પાર્ટી વિરુધ્ધ કામ કરનાર સભ્યો સામે પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણીએ આ મામલે પ્રદેશ નેતાગીરીને પણ જાણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું અને પ્રદેશ નેતાગીરીએ આ મામલો ગંભીરતાપૂર્વક લઈને આવનારા દિવસોમાં મેન્ડેટનો વિરોધ કરનારા સભ્યો સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી.
સ્થાનિક સ્વરાજની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં જ જો પક્ષમાં રહેલી જૂથબંધી બહાર આવતી હોય તો જ્યારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ત્યારે ભાજપની સામે મોટાપાયે જૂથબંધી ટાળવા માટે બહુ કવાયત હાથ ધરવી પડે એવી શક્યતા નકારી શકાય નહિ.

[:]